મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથવિધી બાદ સાંજે છ વાગ્યે મળેલી નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં ંતમામ મંત્રીઓને વિભાગોની વહેંચણી કરી હતી. મુખ્યમંત્રીએ પોતાની પાસે સામાન્ય વહીવટ, આયોજન, ગૃહ, બંદરો, શહેરી વિકાસ, ખાણ ખનીજ, વિજ્ઞાન અને તકનીકી, માહિતી અને પ્રસારણ જેવા રાબેતા મુજબના વિભાગ ઉપરાંત મહેસૂલ વિભાગ પોતાની પાસે રાખ્યો છે. આ અગાઉ આનંદીબેન પટેલે મુખ્યમંત્રી બન્યા બાદ મહેસૂલ વિભાગ પોતાની પાસે રાખ્યો હતો. ગઇ સરકારમાં અમુક કારણોસર રાજેન્દ્ર ત્રિવેદી પાસે રહેલો મહેસૂલ વિભાગનો હવાલો મુખ્યમંત્રીએ પોતાની પાસે લઇને તેનો રાજ્ય કક્ષાનો હવાલો હર્ષ સંઘવીને આપ્યો હતો. આ સિવાય પંચાયત વિભાગ પણ મુખ્યમંત્રીએ જાતે સંભાળ્યો છે.
જો કે ઉદ્યોગ વિભાગ જેવો મહત્ત્વનો હવાલો મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થયા તે પછી પ્રથમવાર કોઇ કેબિનેટ કક્ષાના મંત્રીને સ્વતંત્ર રીતે આપ્યો છે. અગાઉ મોદી સહિત તેમના અનુગામી મુખ્યમંત્રીઓએ આ વિભાગનો કેબિનેટ હવાલો પોતાની પાસે જ રાખ્યો હતો. બળવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ મંત્રી બનાવાયા છે. તેમને નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર વિભાગ પણ સોંપાયા છે. સરકારમાં નંબર-ટુ સ્થાને કનુ દેસાઇ રહેશે તેમને પાછલી સરકારમાં અપાયેલાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ જેવા વિભાગો ફરી સોંપાયા છે.
જીતુ વાઘાણી મંત્રી ન બનતાં હવે શિક્ષણ વિભાગ બે મંત્રીઓમાં વહેંચાયો છે. ઋષિકેશ પટેલને આરોગ્ય ઉપરાંત ઉચ્ચ શિક્ષણ વિભાગ સોંપાયો છે જ્યારે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગઇ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી રહેલા કુબેર ડિંડોરને સોંંપાયો છે તે સાથે ડીંડોરને આદિજાતિ વિકાસ વિભાગ અપાયો છે. ઋષિકેશ પટેલને કાયદો, ન્યાયતંત્ર અને વૈધાનિક બાબતોનો હવાલો પણ અપાયો છે. કુંવરજી બાવળીયાને રૂપાણી સરકાર વખતે તેમની પાસે રહેલા જળસંપત્તિ અને પાણી પૂરવઠા વિભાગ આપવામાં આવ્યો છે તથા અન્ય વિભાગ અન્ન અને નાગરિક પૂરવઠો સોંપાયો છે, રાઘવજી પટેલને ફરી કૃષિ અને પશુપાલન મંત્રી બનાવાયા છે. મુુળુ બેરાને વન અને પર્યાવરણ તથા પ્રવાસન તથા એકમાત્ર મહિલા મંત્રી ભાનુ બાબરીયાને સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો હવાલો મળ્યો છે.
હર્ષ સંઘવી ગૃહરાજ્યમંત્રી પદે યથાવત્, જગદીશ પંચાલનો ભાર હળવો થયો
હર્ષ સંઘવીને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે તેમાં તેમને ગૃહ વિભાગનો રાજ્યકક્ષાનો હવાલો છે. આ સિવાય તેમને વાહન વ્યવહાર વિભાગનો મહત્ત્વનો વિભાગ સ્વતંત્ર હવાલા તરીકે અપાયો છે. રમતગમત અને યુવકસેવા બાબતોનો વિભાગ તેમને ફરી સોંપવામાં આવ્યો છે. આ તરફ જગદીશ વિશ્વકર્માને સહકાર અને પ્રોટોકોલ વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે, પરંતુ ગઇ સરકારમાં તેમની પાસે ઉદ્યોગ અને માર્ગ અને મકાન વિભાગનો રાજ્યકક્ષાનો હવાલો હતો તે પરત લઇ લેવાયો છે.
CMએ શપથ બાદ અડાલજ ત્રિમંદિરના દર્શન કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા પછી અને કાર્યભાર સંભાળતા પહેલા અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના અડાલજ ખાતેના ત્રિમંદિર ગયા હતા.જયાં તેમણે પૂજન અર્ચન કર્યા અને દાદા ફાઉન્ડેશનના દિપકભાઇના આશીર્વાદ લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.