વૈશ્વિક મહામારી કોરોનાની શરૂ થયેલી ત્રીજી લહેરનાં કારણે સતત ત્રીજા વર્ષે પણ ઉત્તરાયણને લાગ્યું કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ગાંધીનગરમાં પતંગના સ્ટોલ પર ગ્રાહકોની પાંખી ખરીદી જોવા મળતાં વેપારીઓને આર્થિક નુકશાની વેઠવાનો વખત આવ્યો છે. જોકે, આગામી બે દિવસ ઘરાકી ખુલે તેવી આશા પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
ઉતરાયણને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પતંગ બજારમાં કાગડા ઉડી રહ્યા છે. પતંગના હોલસેલ કે છુટક વેપારીઓ મંદીના બોજા હેઠળ દબાઈ ગયા છે. વેપારીઓ કહી રહ્યા છે કે છેલ્લા બે વર્ષથી જે મંદીના વાદળો છવાયેલા છે તે ક્યારે હટશે. આજે પતંગ બજાર સાવ ખાલી જોવા મળે છે. વેપારીઓ નવરા ગ્રાહકોની કાગ ડોળે રાહ જોતા જોવા મળી રહ્યા છે.
કોરોના કાળે દરેક તહેવાર અને પ્રસંગો પર મંદીનો માર માર્યો છે. ત્યારે બે દિવસ પછી આવતી મકરસંક્રાતિના પર્વ પર પણ આ વર્ષે કોરોના કાળનો કાળો પડછાયો પડ્યો છે. કેમકે હજુ સુધી ઉતરાયણને લઇને બજારમાં જોઇએ તેવો માહોલ જામ્યો નથી.
આ સમયગાળામાં હોલસેલ બજારમાં વેપારીઓની વ્યસ્તતા વધી જતી હોય છે. પરંતુ હાલની સ્થિતીમાં વેપારીઓમાં અસમંજસનો માહોલ વચ્ચે પતંગ બજારમાં મંદી જોવા મળી છે. આ વખતે માત્ર 30 થી 35 ટકા જ વેપાર જોવા મળી રહ્યો છે. તો કાચો માલ, જેમકે પતંગ બનાવવા માટેની સળીનો ભાવ વધ્યો છે. એક કોડી પતંગની કિંમત હોલસેલમાં રૂપિયા 150 થી લઈ 300 સુધીનો છે.
આ અંગે ગાંધીનગરનાં પતંગના વેપારી વિનોદભાઈ પટણીએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી પતંગના વેપારમાં ક્રમશઃ મંદી આવી છે. એમાંય મોંઘવારી તેમજ જીએસટી લાગુ થતાં રો મટીરીયલ પણ મોંઘુ થઈ જતાં પતંગ પણ મોંઘા થઈ ગયા છે. મોંઘવારીના કારણે 30 થી 40 ટકા ભાવમાં વધારો થયો છે બીજી તરફ ત્રીજી લહેર શરૂ થતાં પણ હાલમાં ગ્રાહકો ખરીદી કરવા માટે આવતા નથી. જો કે આગામી બે દિવસ ઘરાકી રહે તેવી આશા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.