આંદોલનના એંધાણ:ગાંધીનગરમાં વધતી ઝૂંપડપટ્ટી, દબાણો, પાણી, રખડતા ઢોર સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે મહાસંઘ આંદોલન કરશે

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર વસાહત મહા સંઘની જનરલ બેઠકમાં વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે રણનીતિ ઘડવામાં આવી

ગાંધીનગર સ્માર્ટ સિટીના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરમાં વધતી જતી ઝૂંપડપટ્ટી, દબાણો, પૂરતા ફોર્સથી પાણી, રખડતા ઢોર સહિતની સમસ્યા વકરી રહી છે. જેને લઈ આજે મળેલી શહેર વસાહત મહાસંઘની બેઠકમાં પુખ્ત વિચારણાના અંતે આગામી દિવસોમાં સરકારમાં આવેદન પત્રો આપી ઉગ્ર આંદોલન ચલાવવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.

એક તરફ સ્માર્ટ સીટીના નામે ગાંધીનગરમાં આડેધડ વિકાસના કામોના નામે લીલાછમ વૃક્ષોનો ભોગ લઈ સિમેન્ટ કોંક્રીટનાં જંગલો ઉભા કરાઈ રહ્યા છે. તેમજ કરોડો રૂપિયાનો ટેક્સ પ્રજાજનો પાસેથી ઉઘરાવવામાં આવતો હોવા છતાં મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ આપવાની જગ્યાએ સમસ્યાઓની ભરમાર થઈ ગઈ છે. આ બધી સમસ્યાની ચર્ચા વિચારણા અને આગળની રણનીતિ ઘડવા માટે આજે શહેર વસાહત મહાસંઘની જનરલ બેઠક મળી હતી.

આ અંગે સંસ્થાના પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, બેઠકમાં શહેરની સમસ્યાના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સેક્ટરમાં વધતા દબાણો, ઝુંપડપટ્ટી, વૉકિંગ માટે બનાવવામાં આવેલા ફુટપાથ પર દબાણો, પાણીનો અપૂરતો ફોસૅ, કોમન ચોકમા સફાઈ ઉપરાંત આડેધડ ખોદાણ કરીને તેનું પુરાણ પણ કરવામાં નહીં આવતાં જેવા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી.

વધુમાં સંસ્થાના પ્રમુખે ઉમેર્યું હતું કે, મહાનગર પાલિકામાં સમાવેશ 18 ગામમાં શહેરની જેમ સુખ સુવિધાઓ મળતી નથી. મકાનોના સર્વે કરીને મિલકત વેરાના આડેધડ ટેક્ષ બીલો આપવામાં આવ્યા છે. ગામ પંચાયતમાં અગાઉ વર્ષોથી સેવાઓ આપતા કર્મચારીઓને મહાનગર પાલિકામાં સમાવી નિમણૂક આપવામાં આવે જેવા અનેક પ્રશ્નો ઠેરના ઠેર છે.

આ સમસ્યાના નિરાકરણ માટે આગામી દિવસોમાં સરકારને આવેદનપત્ર આપવામાં આવશે. તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સેક્ટરમાં સંલગ્ન વસાહત મંડળો શહેરમાં સમાવિષ્ટ ગામોમાં બેઠકો કરી લોક જાગૃતિ કેળવી ઉગ્ર આંદોલન કરવા માટેની ફોર્મૂલા ઘડી કાઢવામાં આવશે. તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે કાયદાકીય લડત માટે કિરણભાઈ વ્યાસની પણ લીગલ એડવાઈઝર તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...