ગાંધીનગરમાં ધાડપાડું ગેંગનો આતંક:અડાલજ-કલોલ હાઇવે રોડ ઉપર મધરાત્રે છરીની અણીએ પાંચ ધાડપાડુઓ લૂંટ કરી ફરાર, ગણતરીની મિનિટોમાં લૂંટનાં બે ગુના

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ, રોકડા રૂપિયા, એપલનું મેકબુક મળીને 13 હજાર 500ની મત્તાની લૂંટ
  • થોડા દિવસ અગાઉ પણ છરીની અણીને ફર્નિચરનાં વેપારીને લૂંટી લેવાયો હતો

ગાંધીનગરનાં અડાલજ બાલાપીર સર્કલથી કલોલ તરફ જતા હાઇવે રોડ ઉપર બાઈક સવાર ધાડપાડુ ગેંગે ગણતરીની મિનિટોમાં એક્ટિવ -બાઇકને આંતરી છરીની અણીએ રોકડા રૂપિયા, મોબાઈલ ફોન તેમજ એપલ કંપનીનું મેકબુક મળીને રૂ. 13 હજાર 500ની લૂંટ કરી સનસનાટી મચાવી દીધી હતી. ત્યારે થોડા દિવસ અગાઉ પણ અત્રેના હાઇવે ઉપર ફર્નિચરનાં વેપારીને પણ છરીની અણીએ લૂંટી લેવાયો હતો.

ગાંધીનગરનાં ધોરી માર્ગો પર ધાડપાડુ ગેંગનો આતંક
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધોરી માર્ગો ઉપર ધાડપાડુ ગેંગ રાત્રીના સમયે એકલદોકલ વાહનચાલકોને આંતરીને હથિયાર બતાવી લૂંટનાં ઉપરાછાપરી ગુના આચરી તરખાટ મચાવી કાયદો વ્યવસ્થાનાં લીરેલીરા ઉડાવી રહ્યા હોઈ રાત્રિ પેટ્રોલિંગનાં દાવાઓની પોલ ખુલી જવા પામી છે. હજી થોડા દિવસ પહેલાં શેરથા ટોલટેક્ષથી અડાલજ તરફનાં હાઇવે રોડ ઉપર રાત્રીના સમયે ફર્નિચરનાં વેપારીને બે ધાડપાડુ છરીની અણીએ લૂંટીને નાસી ગયાની શાહી સુકાઈ નથી એવા ગઈકાલે મધરાતે પણ લૂંટનાં બે ગુના આચરી ધાડપાડુ ગેંગે આતંક મચાવી દીધો હતો.

મધરાતે એક્ટિવાની પાછળ બે બાઇક ઉપર ધાડપાડુ ગેંગ આવી
કલોલ રેલવે પૂર્વ રામનગર સોસાયટીમાં રહેતો અર્જુન રાજેન્દ્રભાઇ પ્રજાપતિ વેદ એર કન્ડીશનરના નામથી ઘરેથી એસી રીપેરીંગનો વ્યવસાય કરે છે. ગઈકાલે અર્જુન તેના પાડોશી વસ્તાભાઇ જકતાભાઇ પટેલને લઈને એકટીવા ઉપર શાહીબાગ રહેતી બહેનના ઘરે ગયો હતો અને શાહીબાગથી રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં બંને ઘરે પરત જવા માટે નીકળ્યા હતા. તે વખતે રાત્રીના દોઢેક વાગ્યાના સુમારે અડાલજ બાલાપીર સર્કલથી કલોલ તરફ જતા રોડ ઉપર તેમના એકટીવાની પાછળ બે બાઇક સવારો આવ્યા હતા.

એક્ટિવા આગળ બાઇક ઉભા રાખી છરી બતાવી
એક બાઇક ઉપર ત્રણ માણસો તથા બીજા બાઇક ઉપર બે ઇસમો બેઠા હતા. ત્યારે સહેજ આગળ જઈને એક બાઈક સવારે અર્જુનને મહેસાણા જવાનો રસ્તો પૂછ્યો હતો. જેથી અર્જુને રસ્તો બતાવતા જ એક્ટિવા આગળ બન્ને બાઇક સવારો આવીને તેઓને રોકી લીધા હતા. હજી અર્જુન અને વસ્તાભાઇ કઈ સમજે એ પહેલાં જ એક ઈસમે છરી બતાવીને પૈસે હોય એ દઇ દે કહીને એક્ટિવાની ચાવી લઈ લીધી હતી.

મોબાઇલ, રોકડા રૂપિયા લૂંટી કલોલ તરફ પલાયન
આથી મધરાતે ધાડપાડુ ગેંગનો ઈરાદો પારખી ગયેલા અર્જુન અને વસ્તાભાઇ ગભરાઈ ગયા હતા. બાદમાં બંનેને બાનમાં લઈને ધાડપાડુ ગેંગે મોબાઇલ ફોન, એક્ટિવાની ડેકીમાંથી રોકડા 3300 રૂપિયા લૂંટી લઈને કલોલ તરફ ભાગ્યા હતા. તે સમયે અર્જુને કાળા કલરના પલ્સર લઈને આવેલી ગેંગનો પીછો કર્યો હતો. જ્યાં શેરથા ટોલટેક્ષથી કલોલ જતાં હાઇવે રોડ ઉપર ઉપરોકત ધાડપાડુ ગેંગે અન્ય એક બાઈક ચાલકને પણ લૂંટી લીધો હોવાનું માલુમ પડ્યું હતું.

મહેસાણાનાં યુવકને પણ આંતરીને લૂંટી લીધો
યુવક પાસે જઈને અર્જુને પૂછતાંછ કરતાં રાજનગર સોસાયટી, કડી મહેસાણાનાં મેઘલ સોનીને છરી બતાવીને એપલ કંપનીનું મેકબુક તથા મોબાઇલ ફોન લૂંટી ધાડપાડુ ગેંગ નાસી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે અર્જુનની ફરિયાદના આધારે અડાલજ પોલીસે પાંચ ધાડપાડુ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...