કરુણાંતિકા:કલોલની દવા બનાવતી કંપનીના ETP પ્લાન્ટની ટાંકીમાં 5 મજૂરોના મૃત્યુ, એકની બૂમ સાંભળી 4 બચાવવા ઉતર્યા, પણ મોત સામે જંગ હાર્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • દૂષિત પાણીને પ્રોસેસ કરવાની ટેન્કમાં એક મજૂર ઊતર્યો હતો, જેની બૂમો સાંભળી એક પછી એક ચાર લોકો અંદર ઊતર્યા હતા
  • કેમિકલયુકત પાણીની ઝેરી અસર થવાથી પાંચેય લોકોએ જીવ ગુમાવ્યો હોય એવું પ્રાથમિક અનુમાન

ગાંધીનગર જિલ્લાના કલોલની ખાત્રજ ખાતે દવા બનાવતી તુત્સન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ કંપનીના દૂષિત પાણીના રિસાઈકલિંગ માટેની ઈટીપી ટેન્કની સફાઈ માટે ઉતારેલા એક મજૂરને બચાવવા માટે એક પછી એક ચાર લોકો અંદર ઊતર્યા હતા. ત્યારે પાંચેય મજૂરોને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયરબ્રિગેડના જવાનોએ તરત ઘટનાસ્થળે દોડી જઈ પાંચેય મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો છે.

દૂષિત પાણીને રિસાઈકલિંગ માટે ETP પ્લાન્ટ બનાવાયો છે​​​​​​​
સૂત્રોના જણાવ્યા મુજબ કલોલની ખાત્રજ જીઆઈડીસી પ્લોટ નંબર -10 બ્લોક નંબર 58માં દવા બનાવતી તુત્સન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે. કંપનીમાંથી નીકળતા દૂષિત પાણીને રિસાઈકલિંગ કરવા માટે અત્રે ETP પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. અહીં દૂષિત પાણીને પ્રોસેસ કરીને ફરી વખત ઉપયોગમાં લેવામાં આવે છે.

પ્લાન્ટના હોજને સાફ કરવા મજૂર અંદર ઉતર્યો હતો
દિવાળીના તહેવાર નિમિત્તે પ્લાન્ટનો ઓપરેટર રજા પર ગયો છે. જ્યારે દિવસ દરમિયાન સુશીલ ગુપ્તા અને રાત્રે રામસિંહ પાંડે સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ત્યારે આજે પ્લાન્ટના હોજને સાફ કરવા માટે વિનયકુમાર નામનો મજૂર સીડી મૂકીને અંદર ઊતર્યો હતો. આ દરમિયાન અચાનક તેણે બૂમાબૂમ કરતાં સુનીલ ગુપ્તા તેને બચાવવા માટે હોજમાં ઊતર્યો હતો. તેણે પણ બચાવો બચાવોની બૂમો પાડતાં એક પછી એક દેવેન્દ્રકુમાર દિનેશભાઈ, રાજન કુમાર પપ્પુભાઈ અને અનિશકુમાર પપ્પુભાઈ પણ ચીસો સાંભળીને હોજમાં ઊતર્યા હતા

કંપનીના માલિક સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો
આ દરમિયાન થોડીવારમાં પાંચેય જણાની બૂમો શાંત થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમ તરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એક પછી એક પાંચેય લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે કંપનીના માલિક સહિતનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો.

કેમિકલયુકત પાણીની ઝેરી અસર થવાથી પાંચેય લોકોએ જીવ ગુમાવ્યો
આ અંગે રીજનલ ફાયર ઓફિસર મહેશ મોડેએ જણાવ્યું હતું કે ETP પ્લાન્ટના હોજની સફાઈ કરવા માટે એક મજૂર ઊતર્યો હતો, જેને બચાવવા માટે એક પછી એક એમ ચાર લોકો પણ અંદર ઊતર્યા હતા અને મોતને ભેટ્યા છે. કેમિકલયુકત પાણીની ઝેરી અસર થવાથી પાંચેય લોકોએ જીવ ગુમાવ્યો હોય એવું પ્રાથમિક અનુમાન છે

પાંચેય લોકોની ઉંમર ત્રીસથી પાંત્રીસ વર્ષની
પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે. મરનારા પાંચેય લોકોની ઉંમર ત્રીસથી પાંત્રીસ વર્ષની છે. હાલમાં વધુ પૂછપરછ ચાલી રહી છે, જે પછી સમગ્ર ઘટના કેવી રીતે ઘટી એની વિગતો બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...