કોરોનાવાઈરસ:મુંબઇથી આવેલા સ્વજનોએ વાળંદ પાસે વાળ, દાઢી કરાવતા 152 લોકો ક્વોરન્ટીન

ગાંધીનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાટનગરમાં 2 મહિલા, દહેગામ અને કલોલમાં વૃદ્ધાના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં
  • ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં નવા 5 કેસ નોંધાયા

ગાંધીનગર શહેરમાં 2 અને ગ્રામ્યમાં 3 મળીને કોરોનાથી સંક્રમિત થવાના નવા 5 કેસ સામે આવ્યા છે. જેમાં દહેગામ તાલુકાના લવાડ ગામે ફાર્મ રહેતા 68 વર્ષીય વૃદ્ધ અને દહેગામનો હોલસેલ અને રિટેલ ફ્રુટનો વેપારી કોરોનામાં સપડાયો છે. ફ્રુટનો વેપારી સુપર સ્પ્રેડર હોવાથી દહેગામની ફ્રુટની લારીઓવાળાઓના આરોગ્યની ચકાસણી સહિતની સ્ક્રિનીંગની કામગીરી આરોગ્ય તંત્રએ હાથ ધરી છે. જ્યારે કલોલમાં કલ્યાણપુરામાં વધુ એક વૃદ્ધ તથા પાટનગરમાં સેક્ટર 13 અને સેક્ટર 24માં મહિલાને કોરોના ચેપ લાગ્યો છે. આ સાથે ગ્રામ્યમાં કોરોનાના કેસનો આંકડો 130 અને શહેરમાં 90 પર પહોંચ્યો છે. દહેગામમાં તો વૃદ્ધને ત્યાં મુંબઇથી આવેલા સ્વજનોને વાળ, દાઢી કરાવવા વાળંદ બોલાવવામાં આવ્યાના કારણે એક બીજીના સંપર્કના પગલે 152 વ્યક્તિને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. કોરોના સામે લોકોની જાગૃત્તતાનો અભાવ જોવા મળી રહ્યો છે. પરિણામે આરોગ્ય તંત્રની કામગીરી વધી રહી છે. 
જિલ્લાના દહેગામના તાલુકાના લવાડ ગામના 68 વર્ષીય વૃદ્ધ છેલ્લા પાંચેક દિવસથી તાવ અને શરદીની બિમારીને લીધે કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. કોરોનામાં સપડાયેલા વૃદ્ધના પરિવારના ચાર સભ્યો ગત તારીખ 23મીએ મુંબઇથી લવાડ ફાર્મ ખાતે આવ્યા હતા. ઉપરાંત પાલૈયામાં રહેતા એક વાળંદને ઘરે બોલાવીને તેની પાસે વાળ, દાઢી કરાવી હોવાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું છે. વૃદ્ધના સંપર્કવાળા 152 લોકોને હોમ ક્વોરન્ટીન કર્યા છે.
નરોડાના વેપારીનો કેસ ગાંધીનગરમાં ગણાશે નહીં
દહેગામમાં ફ્રુટની હોલસેલ અને છુટક વેચાણની દુકાન ધરાવતો અને અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો વેપારી કોરોનામાં સપડાયો છે. કોરોના સુપર સ્પ્રેડર ફ્રુટના વેપારીને છેલ્લા પાંચેક દિવસથી તાવ હોવાથી કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. વેપારીના બે ભાઇઓ તેમજ દુકાનમાં કામ કરતા ત્રણ કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે. વેપારી ફ્રુટનું હોલસેલ વેચાણ કરતો હોવાથી દહેગામની તમામ ફ્રુટની લારીવાળાઓનું હેલ્થ સ્ક્રિનીંગની કામગીરી કરાશે. જોકે ફ્રુટના વેપારીનો કેસ જિલ્લામાં ગણાશે નહી.
કલ્યાણપુરામાં વૃદ્ધને ચેપ લાગતા સોસા. કન્ટેઇનમેન્ટમાં
આસુદેવ સોસાયટીમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. વૃદ્ધના પરિવારના 7 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કર્યા છે. 
સે- 24નો કેસ ગીચ વિસ્તાર ઇન્દિરાનગરમાં આવ્યો છે
પાટનગરમાં સેક્ટર 24ના ગીચ વસતી ધરાવતા સ્લમ વિસ્તાર ઇન્દિરાનગરમાં મહિલા અને સેક્ટર 13માં રહેતી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...