વિચિત્ર દુર્ઘટના સર્જાઈ:કલોલનાં નટ નગરમાં મકાનમાં લોખંડની સીડી લગાવતી વખતે કરંટ લાગતાં પાંચ મજૂરો સીડી સાથે ચોંટી ગયા, એકનું મોત

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા બનતાં મકાનમાં મજૂરો કામ કરી રહ્યા હતા, લોખંડની સીડી વીજ બોર્ડને અડી જતાં બધા ચોંટી ગયા હતા

કલોલનાં નટ નગરમાં આજે ઢળતી સાંજે વિચિત્ર દુર્ઘટના સર્જાતા એક શ્રમજીવીનું કરૂણ મોત નીપજ્યું છે. અત્રે બનતા મકાનમાં કામ કરતાં મજૂરો લોખંડની સીડી ફીટ કરાવવા માટે મદદ કરી રહ્યા હતા. એ વખતે અચાનક જ લોખંડની સીડી વીજ બોર્ડ સાથે અડી જતાં પાંચેક મજૂરો એક સાથે લોખંડની સીડી સાથે ચોંટી ગયા હતા. જેમાથી ચાર લોકોને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યારે એક શ્રમજીવીનું મોત થયું છે.

કલોલના નટનગર રેલવે પાછળ વિચિત્ર દુર્ઘટના સર્જાઈ
કલોલના નટનગર રેલવે પાછળ આજે ઢળતી સાંજે વિચિત્ર દુર્ઘટના સર્જાઇ છે. અત્રે મકાન બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. જેથી કેટલાક મજૂરો મજૂરી કામ કરી રહ્યા હતા. એ દરમ્યાન પેડલ રીક્ષા લઈને સામાન ઉતારવા માટે બળદેવભાઈ સાઈટ ઉપર પહોંચ્યા હતા. અને તેમણે પેડલ રિક્ષામાંથી સામાન નીચે ઉતાર્યો હતો. જ્યારે અન્ય મજૂરો પોત પોતાનું કામ કરી રહ્યા હતા.

મજૂરો લોખંડની સીડી લગાવવામાં મદદ કરી રહ્યા હતા
આ દરમ્યાન મકાનમાં લોખંડની સીડી લગાવવા માટે ફેબ્રિકેશન વાળો આવ્યો હતો. લોખંડની સીડી ભારે હોવાથી અહીં કામ કરતા મજુરોને પણ સીડી મકાનમાં ફીટ કરવા માટે મદદ કરવા કહ્યું હતું. આથી અશોકભાઈ નટવરભાઈ સહિત ચારેક મજૂરોએ લોખંડની સીડી લગાવવામાં મદદ કરી રહ્યા હતા. જેમની સાથે પેડલ રીક્ષા ચાલક બળદેવભાઈ પણ જોડાયા હતા.

પાંચેક મજૂરો પણ લોખંડની સીડી સાથે ઝટકા ખાતા ખાતા ચોંટી ગયા
આમ પાંચેક જણા ભેગા મળીને લોખંડની સીડી ઊંચી કરીને ઉભી કરી મકાનની દીવાલ તરફ સીધી કરી હતી. એવામાં લોખંડની સીડી કોઈ વીજ બોર્ડને અડી જતાં જ લોખંડની સીડીમાં વીજ પ્રવાહ વહેતો થઈ ગયો હતો. જેનાં કારણે પાંચેક મજૂરો પણ લોખંડની સીડી સાથે ઝટકા ખાતા ખાતા ચોંટી ગયા હતા. અચાનક ઘટેલી ઘટનાથી અન્ય લોકો પણ દોડી આવ્યા આવ્યા હતા.

વિચિત્ર દુર્ઘટનામાં પેડલ રીક્ષા ચાલકનું મોત થયું
બાદમાં વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ વિચિત્ર દુર્ઘટનામાં પેડલ રીક્ષા ચાલક બળદેવભાઈનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મજૂરોને ગંભીર હાલતમાં કલોલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે કલોલ પોલીસ પણ સ્થળ પર પહોંચી જઈ હાલમાં તપાસનો દોર શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...