તસ્કરોએ તરખાટ મચાવ્યો:ગાંધીનગરના પેથાપુરના રિવર ફલોરા ફ્લેટમાં પાંચ મકાનના તાળા તૂટ્યા, દાગીના-રોકડ મળી 1.57 લાખની મત્તા ચોરી

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાયબ્રન્ટ મહોત્સવના પગલે પોલીસ એલર્ટ મોડ પર હોવા છતાં ચોરી

ગાંધીનગરનાં પેથાપુરમાં આવેલા રિવર ફ્લોરા ફ્લેટમાં પાંચ મકાનનાં તાળાં તોડીને તસ્કરોએ તરખાટ મચાવી દીધો હતો. એક મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ. રૂ. 1.57 લાખની મત્તા ચોરીને ચોરી લીધી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

ગાંધીનગરમાં રાત્રિ કરફ્યુની અમલવારી તેમજ વાયબ્રન્ટ મહોત્સવના પગલે પોલીસ એલર્ટ મોડ પર હોવા છતાં ગઈકાલે રાત્રિના સમયે પેથાપુરના રિવર ફલોરા ફ્લેટ ખાતે ત્રાટકીને તસ્કરોએ પાંચ મકાનને ટાર્ગેટ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. અત્રેના ફ્લેટ નંબર સી/402 માં કિરણભાઈ હર્ષદભાઈ લેઉવા પત્ની સંગીતાબેન અને ત્રણ વર્ષીય પુત્ર સાથે રહે છે. કિરણભાઈ પાલજ આઈઆઈટીમાં એસી ઓપરેટર તરીકે જ્યારે સંગીતાબેન સેકટર - 11 સહયોગ સંકુલમાં બાગાયત મદદનીશ તરીકે ફરજ બજાવે છે.

ગઈકાલે શનિવારે સંગીતાબેન નોકરી ગયા હતા. તેમજ કિરણભાઈને નાઈટ ડયુટી હોવાથી પુત્ર સાથે ઘરે હાજર હતા. સાંજના સમયે પત્ની સંગીતાબેને તેમના સેકટર - 28 માં રહેતા ભાઈ સતીષભાઈના ઘરે જમવા જવાની વાત કરી હતી. આથી કિરણભાઈ પુત્ર સાથે સાળાના ઘરે ગયા હતા. જ્યાં જમી પરવારી કિરણભાઈ નોકરી પર નીકળી ગયા હતા. અને પત્ની અને પુત્ર ત્યાં જ રોકાઈ ગયા હતા.

આજે સવારે રિવર ફ્લોરા ફ્લેટમાં રહેતાં વિપુલભાઈએ ફોન કરીને ફ્લેટનું તાળું તૂટયું હોવાની જાણ કરતા કિરણભાઈ પોતાના મકાન પર દોડી ગયા હતા. મકાનમાં પ્રવેશતા જ ઘરનો સરસામાન વેર વિખેર હતો તેમજ તિજોરીનું તાળું પણ તૂટેલી હાલતમાં હતું. જેની તપાસ કરતાં તસ્કરો સોના ચાંદીના દાગીના તેમજ રૂ. 10 હજાર રોકડ રકમ મળીને કુલ રૂ. 1.57 લાખની મત્તા તસ્કરો ચોરી ગયાનું માલુમ પડયું હતું.

આ સિવાય પણ તસ્કરોએ રિવર ફ્લોરા ફ્લેટમાં મકાન નંબર એ/303,305 તેમજ એચ/202,અને 405 ના પણ તાળા તોડયા હતા. બનાવની જાણ થતાં પેથાપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને ડોગ સ્કવોર્ડ તેમજ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની ટીમને બોલાવી તપાસનો દોર હાથ ધર્યો છે.

અન્ય સમાચારો પણ છે...