તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિયાસ્કો:ગાંધીનગર જિલ્લામાં આયોજિત શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીનો ફિયાસ્કો, શિક્ષણ મંત્રીએ ભાગ લેનાર 32 શિક્ષકોને અભિનંદન પાઠવ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 237 સેન્ટરો પર શિક્ષકો ફરકયા જ નહીં, ગાંધીનગરમાં ફિયાસ્કો થતાં DPOએ ફોન જ બંધ કરી દીધો

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની સજ્જતા સર્વેક્ષણ કસોટી જાહેર કરવામાં આવી હતી, પરંતુ શિક્ષકો દ્વારા કસોટીનો વિરોધ કરવા છતાં આજે ગાંધીનગર જિલ્લામાં પણ 237 સેન્ટરો પર સર્વેક્ષણ કસોટી યોજવામાં આવી હતી, પરંતુ મોટાભાગના સેન્ટરો પર 70 ટકા શિક્ષકો ગેર હાજર રહ્યા હતા. ત્યારે આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સેકટર 20 ખાતેના સેન્ટરની મુલાકાત લઈ કસોટીમાં ભાગ લેનાર 32 શિક્ષકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.

ગાંધીનગર જિલ્લામાં આજે શિક્ષકોના વ્યાપક વિરોધ વચ્ચે શિક્ષકોની સજ્જતા સર્વેક્ષણ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કસોટી મરજિયાત હોવા છતાં ગાંધીનગર જિલ્લામાં 237 સેન્ટરો માંથી મોટાભાગના સેન્ટરો પર શિક્ષકો ફરક્યા જ ન હતા.

સરકારની જાહેરાત પછી શિક્ષણ સંઘ સહિત રાજ્યભરમાં સરકારના નિર્ણય નો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ પોતાના નિર્ણય ને અડગ શિક્ષણ વિભાગ દ્વારા આજે રાજય સહિત ગાંધીનગરમાં પણ સજ્જતા કસોટી યોજવામાં આવી હતી. ત્યારે આજે 70થી વધુ શિક્ષકોએ કસોટીનો બહિષ્કાર કર્યો હતો. શિક્ષણ મંત્રીની જાહેરાત પછી પણ સર્વેક્ષણ બાબતે ગાંધીનગર જિલ્લાના શિક્ષકોમાં પણ તર્ક વિતર્ક ચાલી રહ્યા હતા.

કસોટી આપવી કે નહીં તે અંગે શિક્ષકોમાં છેલ્લી ઘડી સુધી અસમંજસ હતું. જોકે, આજે યોજાયેલી કસોટીનો શિક્ષકોએ વિરોધ નોંધાવી સરકારના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી.

બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં કેટલા શિક્ષકો એ કસોટીમાં ભાગ લીધો તેની વિગતો આપવા માટે જિલ્લાના ડીપીઓએ પણ ફોન બંધ કરી દેવાનું મુનાસિબ માન્યું હતું. ત્યારે આજે શિક્ષણ મંત્રી સેકટર 20ના સેન્ટર પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સજ્જતા કસોટીમાં ભાગ લેનાર 32 શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તમામ વ્યક્તિઓએ જીવનભર પોતાના ક્ષેત્રમાં શીખતા રહેવું જોઇએ. આ પ્રકારના સર્વેક્ષણ થકી જ આપણામાં રહેલી નાની- મોટી ત્રુટિઓ દુર થાય છે. તેમજ આપણા જ્ઞાનમાં વધારો થાય છે.

આ શિક્ષકોની કસોટી – પરીક્ષા નથી. આ સર્વેક્ષણની નોંધ કોઇ પણ શિક્ષકની સર્વિસબુક કે કેરિયરમાં લેવાશે નહીં. જેમ જીવનમાં એક જ પ્રકારનો ખોરાક અને ફેશન કાયમી રહેતા નથી, તેમ પોતાના ક્ષેત્રમાં આવતા પરિવર્તનને જાણવા અને પોતાના જ્ઞાનમાં ઉમેરો કરવા માટે આ પ્રકારના સર્વેક્ષણ કામમાં આવે છે. તેમજ આવનાર પરિવર્તન માટે આપણને સજ્જ કરે છે.

તેમણે સર્વે ઉપિસ્થિત શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વિશ્વ કક્ષાએ ગુણવત્તા યુક્ત શિક્ષણની ચિંતા કરવામાં આવે છે. જેમ ગુજરાતે શિક્ષક સમુદાયના સક્રિય સહયોગ–યોગદાનથી શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જેવી દેશભરમાં સફળ પહેલ કરી છે, હવે શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં પણ ગુજરાત લીડ લેશે, તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...