ફાયર સેફ્ટીની ટ્રેનિંગ:આગની ઘટનાઓ સામે લડવા માટે ગાંધીનગરની 34 હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ટ્રેનિંગ અપાઈ

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં શહેરની સ્કૂલોમાં પણ આજ રીતે કર્મચારીઓને ટ્રેનિંગ અપાશે

ગાંધીનગરમાં આવેલી હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધાની ચકાસણી કરવાની સાથે આગની ઘટનાઓ સામે લડવા માટે હોસ્પિટલના સ્ટાફને પણ ટ્રેનિંગ આપવાની ઝુંબેશ અંતર્ગત 34 હોસ્પિટલના સ્ટાફને ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરની સ્કૂલોમાં પણ આજ રીતે કર્મચારીઓને આગની ઘટના સમયે કેવાં પગલાં પગલાં ભરીને આગ પર કાબુ મેળવી શકાય તેની ટ્રેનિંગ આપવામાં આવનાર છે.

ગુજરાતમાં કોરોના કાળ સમયે કોવિડ હોસ્પિટલમાં એક પછી એક અગ્નિકાંડ સર્જાતા દર્દીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. ખાસ કરીને હોસ્પિટલોમાં લાગેલી આગમાં અમૂલ્ય માનવ જિંદગી હોમાઈ ગઈ હતી. ત્રણેક વર્ષ પહેલાં સુરતમાં એક ટ્યુશન કલાસીસમાં લાગેલી આગમાં નિર્દોષ વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો હતો.

બધી આગની ઘટનાઓમાં સર્વ સામાન્ય એક બાબત ઉડીને આંખે વળગે એવી એ હતી કે તમામ સ્થળે અગ્નિશામક સાધનો હોવા છતાં તાલીમને અભાવે સ્ટાફના સભ્યો તેનો ઉપયોગ કરી શક્યા ન હતા. અગ્નિશામન સાધનો હોવા એ પૂરતું નથી; સમય આવ્યે તેનો સચોટ અને ત્વરિત ઉપયોગ કરી શકાય એવી તાલીમની ખાસ જરૂર હોય છે.

આ અંગે ગાંધીનગર રીજિયોનલ ફાયર ઓફિસર કેઝાદ દસ્તુરએ જણાવ્યું હતું કે આગ લાગવાની વિવિધ પ્રકારની ઘટનામાં કેવા કેવા અગ્નિશામક સાધનો જેવા કે, ફાઈલ એક્ઝિક્યુટરનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પ્રેક્ટીકલ તાલીમ હોસ્પિટલના કર્મચારીઓને આપવામાં આવી રહી છે. ગાંધીનગરની 34 હોસ્પિટલના સ્ટાફને ફાયર બ્રિગેડ ધ્વારા આગ સમયે તકેદારીના ક્યા પ્રકારના પગલા ભરવા અને ફાયરનાં સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી છે.

હાલમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું હોવાથી શહેરની મોટાભાગની શાળામાં વેકેશન હોવાથી વેકેશન પૂર્ણ થયા પછી ગાંધીનગરની શાળાના સ્ટાફને પણ ફાયર ની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...