ગાંધીનગરના ઘ-5ની સૌથી મોટી ફૂડકોર્ટનાં વેપારીઓને અત્યાર સુધીમાં ત્રણ ત્રણ વખત નોટિસો આપવા છતાં દુકાનનું ભાડું ભરવામાં આવતું નથી. જેનાં પગલે હવે પાટનગર યોજના વિભાગ દ્વારા વેપારીઓને ફાઈનલ નોટિસો આપીને ભાડું ભરી દેવા 15 દિવસનું અલ્ટીમેટમ આપી દેવાયું છે. આમ હવે આગામી દિવસમાં ભાડું નહીં ભરનાર વેપારીની દુકાન જપ્ત કરી લેવાનો તખ્તો ગોઠવી દેવામાં આવ્યો છે.
કોરોનાકાળમાં છ મહિનાનું ભાડું માફ કરાયું હતું
ગાંધીનગરમાં ઘ-5 સ્થિત ફુડકોર્ટના વેપારીઓ લાંબા સમયથી દુકાનોનુ ભાડુ ન ચુકવતા નહીં હોવાથી ત્રણવાર નોટીસ આપવામાં આવી હતી. આમ છતા પણ ભાડુ ચુકવવામાં નિરસતા દાખવતા વેપારીઓની દુકાનો જપ્ત કરવા માટે તંત્રએ નિર્ણય લીધો છે. કોરોના કાળ દરમિયાન પણ સરકારે દુકાનોનુ છ મહીનાનુ ભાડુ માફ કર્યુ હતુ. કોરોના કાળ દરમિયાન વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા હતા. જ્યારે બે અઢી વર્ષના આ સમયગાળામાં વેપારીઓની હાલત કફોડી બની હતી જયારે આ સ્થિતિને અનુલક્ષીને ઘ-5 ખાણીપીણી બજારના વેપારીઓએ ફુડકોર્ટના સ્ટોલ્સનુ ભાડુ માફ કરવા માટે સરકારને રજુઆત કરી હતી જેના અંતે સરકારને સરકારે વર્ષ 2020ના છ મહીનાના સમયગાળા દરમિયાન ભાડુ માફ કરવાનો નિર્ણય લીધો હતો.
ફુડકોર્ટમાં અંદાજિત 96 જેટલી દુકાનો છે
ગાંધીનગર ફુડકોર્ટમાં અંદાજિત 96 જેટલી દુકાનો છે. જયારે વર્ષ 2013માં આ પૈકી 39 જેટલા સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. જાહેર હરાજીના અંતે આ સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવી હતી. ઘ-5ની ફુડકોર્ટના રીનોવેશન પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જયારે આ દરમિયાન આ વિસ્તારમાં ગટરો ઉભરાવાની સમસ્યા ઉદભવતા અંદાજિત 65 લાખના ખર્ચે નવી લાઇન નાંખવાનુ કામ પણ હાથ ધરવામાં આવ્યુ હતુ.
વેપારીઓને છેલ્લી નોટિસ આપીને ફાઈનલ અલ્ટીમેટમ આપી દેવાયું
તંત્ર દ્વારા વેપારીઓને બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોવા છતાં વેપારીઓ ભાડું ભરવામાં હજી પણ પાછી પાની કરી રહ્યા છે. જેનાં કારણે તંત્રને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વખત આવ્યો છે. અગાઉ ત્રણ વખત નોટિસો અપાઇ છતાં વેપારીઓ ભાડું ભરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે. આથી હવે વેપારીઓને છેલ્લી નોટિસ આપીને ફાઈનલ અલ્ટીમેટમ આપી દેવાયું છે. હવે નિયત સમય મર્યાદામાં ભાડું ન ભરે તો દુકાન જપ્ત લેવાની કાર્યવાહી કરવામાં આવનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.