તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ ઝડપાયો:માણસા પોલીસ અને બુટલેગરનાં વાહનો વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા, દોડ પકડની રેસમાં અંતે પોલીસે બુટલેગરને ઝડપી લીધો

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનથી કારમાં દારૂની 313 બોટલોનો જથ્થો ભરી ગાંધીનગર આવી રહ્યા હતા
  • પોલીસે દારૂ-બિયરનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ કાર મળીને રૂપિયા 2 લાખ 89 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • લોકલ ક્રાઇમ બ્રાંચે પણ પેથાપુરથી કારમાંથી દારૂ પકડયો

રાજસ્થાનથી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ગાંધીનગર તરફ આવી રહેલા બુટલેગરો અને માણસા પોલીસ વચ્ચે શુક્રવારે મધરાત્રે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે રાજપુરા ગામમાં કાર લઈને ઘૂસેલા બુટલેગરોને આગળ રસ્તો ન મળતા કાર મૂકીને ભાગેલા બુટલેગરો અને પોલીસ વચ્ચે પાછી દોડ પકડની રેસ પણ સર્જાઈ હતી. જોકે, આખરે માણસા પોલીસે એક રાજસ્થાની બુટલેગરને આબાદ રીતે ઝડપ્યો હતો. આ અંગે પોલીસે વિદેશી દારૂ-બિયરનો 313 નંગ જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તે સિવાય લોકલ ક્રાઇમ બ્રાંચ ધ્વારા પણ પેથાપુર ચાર રસ્તાથી કારમાંથી દારૂનો જથ્થો ઝડપી બુટલેગરની ધરપકડ કરી લેવામાં આવી છે.

માણસા પોલીસને મળી હતી બાતમી

શુક્રવારે મધરાત્રે માણસા પોલીસ નાઈટ રાઉન્ડમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે વખતે બાતમી મળી હતી કે એક સફેદ કલરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વિહાર ચોકડીથી માણસા થઈ ગાંધીનગર તરફ જવાની છે. જેનાં પગલે માણસા પોલીસની મોબાઇલ વાન, સર્વેલન્સનાં સ્ટાફના માણસો તેમજ PCR વાનને જાણ કરવામાં આવી હતી. જે પૈકી એક PCRને કલોલ ત્રણ રસ્તા પાસે તેમજ માણસા વન મોબાઇલ અને અન્ય એક પીસીઆરને રાજપુરા ચોકડી ખાતે નાકાબંધી કરવાની સૂચના અપાઇ હતી. તે સિવાય એક પીસીઆરને બાતમી વાળી ગાડી નીકળે એટલે એલર્ટ મેસેજ આપવા વોચમાં ગોઠવી દેવામાં આવી હતી.

કાર રાજપુરા ગામમાં ઘુસી ગઈ હતી

જે અન્વયે થોડીવાર પછી બાતમી મુજબની ગાડી કલોલ ત્રણ રસ્તાથી રાજપુરા ચોકડી તરફથી નીકળતા ત્યાંની PCR વાને તમામ સ્ટાફને એલર્ટ કરી કારને રોકવા માટે કોર્ડન કરવા જતા કાર રાજપુરા ગામમાં ઘુસી ગઈ હતી. ત્યારે પોલીસના વાહનોએ અંધારામાં કારનો પીછો શરૂ કરતાં ફિલ્મો દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ કારના ચાલકને ગામમાં રાજ બંગલોની પાછળ સાંકડી નાળિયું આવી જતાં કારને આગળ જવાનો મોકો મળ્યો ન હતો.

પોલીસે એક ઈસમને ઝડપી લીધો

જેનાં પગલે કારમાંથી બે ઈસમો ઉતરીને ભાગવા માંડયા હતા. એટલામાં પોલીસ કાફલો પણ વાહનોમાંથી ઉતરીને તેમની પાછળ દોડયો હતો. પોલીસ અને બુટલેગરો વચ્ચે દોડ પકડની રેસમાં પોલીસે એક ઈસમને ઝડપી લીધો હતો. પોલીસે કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂ - બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી

આ અંગે માણસા પીઆઈ જતીન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, રાજસ્થાનથી કારમાં દારૂ ભરીને ગાંધીનગર તરફ જતા બુટલેગર જગારામ ભાનારામ રબારી (થરાદ, ડીસા)ને દોડીને ઝડપી લેવાયો છે. જ્યારે વિક્રમસિંહ મદનસિંહ બારોટ ( શાંતિનગર, સાચોર, રાજસ્થાન) અંધારાનો લાભ લઈ ભાગી ગયો હતો. જેને જ ખ્યાલ છે કે આ દારૂનો જથ્થો કોને આપવાનો હતો. હાલમાં 313 નંગ વિદેશી દારૂ - બિયરનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ કાર મળીને રૂપિયા 2 લાખ 89 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

લોકલ ક્રાઇમ બ્રાંચે પણ દારૂ ઝડપી લીધો

આ સિવાય લોકલ ક્રાઇમ બ્રાંચના ઈન્સ્પેક્ટર જે એચ સિંધવની ટીમે પણ ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાથી વિદેશી દારૂ નો જથ્થો ભરીને પસાર થતી અલ્ટો કારને ઝડપી લઈ રૂ. 1 લાખ 93 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર દેવેન્દ્ર ઉર્ફે બંટી રણજીતસિંગ સોલંકી (ગામ - દેહરિ, માધોપુર રાજસ્થાન)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...