• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Fierce Clash Between Woman And Policeman Over Parking In Vijay Apartment Of Vawol, Gandhinagar, Jamadar Took Charge Of Society In Power Of Khaki

ખાખીનાં પાવરથી રહીશો ત્રસ્ત:ગાંધીનગરના વાવોલનાં વિજય એપાર્ટમેન્ટમાં પાર્કિંગ બાબતે મહિલા અને પોલીસ કર્મચારી વચ્ચે ઉગ્ર માથાકૂટ, જમાદારે ખાખીનાં પાવરમાં સોસાયટી માથે લીધી

ગાંધીનગર10 દિવસ પહેલા
  • મહિલાના ઘર આગળ જ કાર પાર્ક કરીને હોર્ન મારી પજવણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ

ગાંધીનગરના વાવોલમાં આવેલ વિજય એપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા સમયથી મહિલા અને પોલીસ કર્મચારી વચ્ચે પાર્કિંગ બાબતે ચાલી રહેલી માથાકૂટે ગઈકાલે રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારે જમાદારે પણ ખાખીનાં પાવરમાં આખી સોસાયટીને માથે લેતાં વસાહતીઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આખરે અભયમની ટીમે પહોંચીને મામલો શાંત પાડવાના પ્રયાસો કર્યા હતા. અંતે પોલીસ કર્મચારી સામે સેકટર - 7 પોલીસે અરજી લઈને તપાસ શરૂ કરી છે.

મહિલાના ઘરની અડોઅડ પોતાની કાર મૂકીને મહિલા સામે હોર્ન વગાડતો
પ્રાપ્ત વિગતો અનુસાર વાવોલ ગામની સૌપ્રથમ સોસાયટી વિજય એપાર્ટમેન્ટ (વિજયપાર્ક) ખાતે રહેતા એક પોલીસ કર્મચારી છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં જ રહેતી એક મહિલાના ઘરની અડોઅડ પોતાની કાર મૂકીને મહિલા સામે હોર્ન મારતો હતા. જે બાબતે મહિલાએ અવગણી હતી, પરંતુ આખરે આ પોલીસ કર્મચારીએ મહિલાના ઘરનું બારણું પણ ન ખૂલે એવી રીતે કાર પાર્ક કરી હતી. આથી મહિલાએ અને તેમના પતિએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઊલ્ટું, તેણે પોલીસનો રોફ દેખાડી તેમને દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને મહિલાને કનડવાનું ચાલુ રાખ્યું હતું.

પોલીસ કર્મચારી બેહૂદા વર્તન પર ઊતરી આવ્યો
આખરે મહિલાના પતિએ સોસાયટીના પ્રમુખને આ બાબતની લેખિત ફરિયાદ કરતાં પ્રમુખે મધ્યસ્થી કરી હતી, પરંતુ તેમ છતાં પોલીસ કર્મચારીએ હેરાનગતિ કરવાનું ચાલુ રાખ્યું હતું. ગઈકાલે શુક્રવારે રાત્રે પણ તેણે પોતાની કાર મહિલાના ઘરના બારણા સામે જ રાખીને હોર્ન મારી પોતાના ફ્લેટમાં ચાલ્યો ગયો. મહિલાએ અને તેના પતિએ પુનઃ આમ ન કરવાનું કહેતાં પોલીસ કર્મચારી બેહૂદા વર્તન પર ઊતરી આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ કારણે મામલો બિચક્યો હતો. ઝઘડો ઊગ્ર બનતાં સોસાયટીના રહીશો એકત્ર થઈ ગયા હતા અને તેમણે પણ પોલીસ કર્મચારીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ કર્મચારીએ સોસાયટીના લોકો સામે પણ બેહુદું વર્તન કર્યું હતું. જેનાં પગલે સોસાયટીના રહીશો પણ વિફર્યા હતા.

181 અભયમ ટીમને દરમ્યાનગીરી કરવી પડી
આખરે વસાહતીઓએ 100 નંબર પર કોલ કર્યો હતો, પરંતુ તે રિસીવ નહોતો થયો. એ પછી 101 નંબર પર કોલ કરતાં ત્યાંથી એવી સલાહ આપવામાં આવી કે આ મામલો મહિલાઓ અંગેનો છે, તો અભયમ હેલ્પલાઈન પર કોલ કરો. અંતે 181 નંબર ડાયલ કરતાં થોડીવારમાં અભયમ્ વાન આવી પહોંચી હતી, જેમાં એક કાઉન્સેલર અને એક મહિલા પોલીસ કર્મચારી હતાં. કાઉન્સેલરે બંને પક્ષોની વાત સાંભળી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ મામલે અરજી લેવામાં આવી છે: પીઆઈ પી બી ચૌહાણ
આખરે ફરિયાદી બે મહિલાઓને 181 વાનમાં બેસાડીને સેક્ટર-7 પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત સુધી ફરિયાદ લેવામાં નહીં આવતાં ફરીવાર 181 નંબર પર કોલ કર્યો હતો. જેમની સલાહ મુજબ મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં વાત કરતાં ત્રીજી જ મિનિટે પોલીસ મથકમાં અધિકારી હાજર થઈ ગયા હતા. અલબત્ત, તેમણે શાંતિથી ફરિયાદ સાંભળી, લેખિત ફરિયાદ સ્વીકારી પણ હતી અને ફરિયાદીની ફરિયાદ દૂર થઈ જશે એવી ખાતરી પણ આપી હતી. આ અંગે સેકટર - 7 પોલીસ મથકના પીઆઈ પી બી ચૌહાણે જણાવ્યું હતું કે, રાત્રે પાર્કિંગ બાબતે માથાકૂટ થઇ હતી. આ મામલે અરજી લેવામાં આવી છે. જેની તપાસના અંતે જરૂરી લાગશે તો ગુનો પણ દાખલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...