એક્સક્લુઝિવ:નરેન્દ્ર મોદીની 2003ની પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની પાર્ટનર 'ફિક્કી' હવે 10મી સમિટમાંથી આઉટ, 'એસોચેમ'ની અચાનક એન્ટ્રી

ગાંધીનગર12 દિવસ પહેલાલેખક: હિમાંશુ દરજી
  • કૉપી લિંક
  • દસમી વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ, સીઆઇઆઇ -એસોચેમે પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે રોડ શો અને સેક્ટોરલ સેમિનાર યોજશે

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નવા રોકાણ આકર્ષવા યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં આ વખતે આયોજનના પાયામાં નેશનલ પાર્ટનર તરીકે સંકળાયેલી બિઝનેસ સંસ્થાઓમાં મોટો ફેરફાર થયો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ-સીઆઇઆઇ અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ-ફિક્કી અગાઉની તમામ વાઇબ્રન્ટમાં સંકળાયેલા હતા, તેમાંથી આ વખતે ફિક્કીને બહાર કરી દેવામાં આવી છે. વાઇબ્રન્ટ સમિટના આયોજનમાં ફિક્કીના સ્થાને આયોજનમાં પ્રમાણમાં નવી બિઝનેસ સંસ્થા એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ-એસોચેમને જોડવામાં આવી છે. આ વખતે જાન્યુઆરી 2022માં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં સીઆઇઆઇ અને એસોચેમ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે કામગીરી શરુ પણ કરી દીધી છે.

વાઇબ્રન્ટ સમિટની પહેલી 2003ની ઇવેન્ટથી ફિક્કી બિઝનેસ ઓર્ગેનાઇઝેશન તરીકે જોડાઇ હતી
ગુજરાત સરકારે 2003માં રોકાણકારોને આકર્ષતી અને આગવી ઇમેજ ઉભી કરવા બ્રાન્ડિંગ ઇવેન્ટ તરીકે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી તે સમયથી ફિક્કી જોડાઇ હતી. ત્યાર બાદ આ નાતો વર્ષો વર્ષ જોડાયેલો રહ્યો હતો. હવે રાજ્ય સરકારમાં પણ ખુબ ઓછા વાઇબ્રન્ટ સમિટના અનુભવી અધિકારીઓ સાથે જોડાયેલી સંસ્થા ઘટી રહી છે, તેવા સંજોગોમાં હવે સીઆઇઆઇ કે એસોચેમમાં પણ અગાઉની સમિટના અનુભવી જાણકાર વ્યક્તિઓ ઓછા છે, એક સમયે ફિક્કીના નેશનલ ચેરમેન પંકજ પટેલ વાઇબ્રન્ટ સમિટના આયોજનમાં મુખ્ય રોલમાં હતા અને વડાપ્રધાન સાથે સમિટના ડાયસ પર પણ હતા. તે સંસ્થા હવે આયોજનની બહાર કરી દેવામાં આવી છે. અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિક્કીના વિવિધ કાર્યક્મ કે સેમિનારમાં તેમની કાર્યશૈલીના લીધે હાજરી આપતા જ હતા.

2017ના વાઈબ્રન્ટ સમિટની ફાઈલ તસવીર
2017ના વાઈબ્રન્ટ સમિટની ફાઈલ તસવીર

કેમ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન 'ફિક્કી'નુ પત્તુ કપાયું
ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ-ફિક્કી દેશભરની કંપનીઓનુ પ્રતિનિધિત્વ કરતું બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે અને અગાઉના વાઇબ્રન્ટ સમિટના તમામ આયોજનમાં નેશનલ પાર્ટનર તરીકે સંકળાયેલી હતી. જેણે રાજ્યમાં અને વિદેશમાં રોડ અને સેમિનાર કરવા અને રોકાણ આકર્ષવા જેવા મુદ્દાઓ પર કામ કરીને વાઇબ્રન્ટ સમિટને જીવંત રાખવાનો પ્રયત્ન અગાઉ કર્યો હતો. સીઆઇઆઇના વાઇસ પ્રેસિડન્ટ વિનોદ અગ્રવાલ અને એસોચેમના અધિકારીએ વાઇબ્રન્ટ સમિટના આયોજનમાં તેમની સંસ્થા કામે લાગી હોવાનું જણાવ્યું હતું.

ફિક્કી જેવી જુની અને કંપનીઓમાં જાણીતી ફિક્કી સંસ્થાને દુબઇના રોડ શોનું આયોજન યોગ્ય ન હોવાની બાબત તેને સમિટના આયોજનથી દુર રાખી છે. રાજ્ય સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે, દુબઇના આયોજનમાં ઇન્ડસ્ટ્રી કમિશનર થી લઇને અન્ય અધિકારીઓ આ બિઝનેસ સંસ્થાની કામગીરી -કોઓર્ડીનેશનમાં અસંતોષ થયો છે, જેને કારણે ફિક્કી આયોજનની બહાર રહી છે. જો કે આટલા વર્ષોના અનુભવથી કામકરતી સંસ્થાને બહાર કરવાથી નુકશાન રાજ્યને જ થાય તેમ છે.

ફિક્કીના ગુજરાતના પ્રતિનિધિ અને હેડ પંકજ ટીબકે જણાવ્યું હતું કે, અમને તો ખબર નથી અમે આયોજનની કેમ બહાર છે. અમે તો અન્ય રાજ્યો કરતાં દુબઇના રોડ શો વધુને વધુ કંપની અને ભાગલેનારા જોડાય તેવું આયોજન કર્યું હતું અને અન્ય રાજ્યો કરતાં ગુજરાતનું આયોજન તો બહેતર જ હતું. અમારી તરફથી અમારા રાજ્યના ચેરમેને રાજ્ય સરકારને વાઇબ્રન્ટ સમિટના આયોજનમાં સાંકળવા અંગે પત્ર લખીને રજુઆત કરી પણ છે.

2003ની વાઈબ્રન્ટ ગુજરાત સમિટની ફાઇલ તસવીર
2003ની વાઈબ્રન્ટ ગુજરાત સમિટની ફાઇલ તસવીર

સીઆઇઆઇએ સમીટના આયોજનનું કામ શરુ કર્યુ
વાઇબ્રન્ટ સમીટની શરૂઆત વર્ષ 2003થી થઇ ત્યારબાદની ત્રણ સમીટ પ્રમાણમાં નાના સ્તરે હતી તે સમયે ફિક્કી જ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન તરીકે મહત્વનો રોલ અદા કર્યો હતો. ત્યાર બાદ તેનો વ્યાપ વધારવાનો હોઇ તેમાં સીઆઇઆઇને સાંકળવામાં આવ્યું હતુ. સીઆઇઆઇના ગુજરાત ચેપ્ટરના ચેરમેન વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું, કે અમે પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે અગાઉની સમીટ જેમ કામગીરી શરૂ કરી દીધી છે. વિવિધ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રોડ શોના આયોજન સાથે અમે વિવિધ સેકટોરલ સેમિનાર પણ વાઇબ્રન્ટ ગુજરાત સમીટ દરમિયાન અને તે પહેલા કરવાના છીએ. તેની કામગીરી શરુ પણ કરી દેવામાં આવી છે.

એસોચેમના પ્રેસિડન્ટ બીકે ગોએન્કા
એસોચેમના પ્રેસિડન્ટ બીકે ગોએન્કા

'એસોચેમ'ની વાઇબ્રન્ટ સમિટના આયોજનમાં કેમ એન્ટ્રી થઇ
રાજ્યમાં એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ-એસોચેમ ગુજરાતમાં તેની નામ માત્ર પ્રતિનિધિત્વ ધરાવતું હતું , પરંતુ છેલ્લા બે વર્ષથી ગુજરાતના ચેરમેન તરીકે અને હવે વેસ્ટર્ન ઝોનના ચેરમેન તરીકે જક્ષય શાહની નિમણુંક થવાની સાથે, આ સંસ્થા ગુજરાત સરકારના આયોજનમાં એન્ટ્રી લઇ શકી છે. એસોચેમના ચેરમેન તરીકે વેલસ્પન જુથના બી કે ગોએન્કા છે. વેલસ્પન જુથએ ગુજરાતના કચ્છના અંજારમાં સ્ટીલ પાઇપ્સ અને ટેક્સટાઇલ ક્ષેત્રે મોટા રોકાણ સાથે હાજરી ધરાવતું જુથ છે. તેથી ગુજરાતના બિઝનેસ સેન્ટીમેન્ટથી તેઓ વાકેફ છે, તેઓ અગાઉ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના સમયગાળા દરમિયાન વાઇબ્રન્ટ સમિટના રોડ શો અને આયોજનમાં પણ સંકળાયેલા હતા. ઇન્ડેક્ષ્ટ-બીના અધિકારીએ અંદરની વાત કરતાં જણાવ્યું હતુ કે, દુબઇના ભારતના રોડ શોમાં આયોજનને લઇને અધિકારીઓના ઇગોને લઇને ફિક્કીની બાદબાકી થઇ છે. અને એસોચેમની એન્ટ્રી થઇ છે.

એસોચેમના ગુજરાત ચેરમેન ચિંતન ઠાકરએ જણાવ્યું હતું કે, અમે વાઇબ્રન્ટ સમિટના આયોજનમાં સંકળાયા છીએ અને કામગારી શરૂ કરી છે, જેમાં પ્રી વાઇબ્રન્ટ સમિટમાં સુરતમાં ટેક્સટાઇલ અને આણંદમાં એગ્રીકલ્ચર પર સેમિનાર યોજાશે. અમે ફોરેન રોડશોના આયોજનમાં પણ સંકળાયેલા છીએ. ફિનટેક અને રીન્યુએબલ એનર્જી પર પણ અમે સમિટ દરમિયાન સેમિનાર યોજવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

વાઈબ્રન્ટ સમિટ 2022માં વિદેશી ઓર્ગેનાઇઝેશન પાર્ટનર

  • USIBC યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ
  • UIBC યુએઇ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ
  • USISPF-યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમ
  • JETRO જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન
  • ICBC ઇન્ડો કેનેડિયન બિઝનેસ ચેમ્બર
  • ICCC ઇન્ડો કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સ
  • AMCHAM અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડિયા
અન્ય સમાચારો પણ છે...