તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીક્ષા બેઠક:ટાઉટે વાવાઝોડાની ભીતિને પગલે સરકાર હરકતમાં, કચ્છ-સોરાષ્ટ્રના તંત્રને અલર્ટ કરાયું, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ( ફાઈલ ફોટો). - Divya Bhaskar
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ( ફાઈલ ફોટો).
  • જિલ્લા કલેક્ટરોને સલામતીનાં પગલાં લેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે
  • કચ્છ અને સૌરાષ્ટ્ના દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તહેનાત કરાશે

કોરોનાની મહામારી વચ્ચે અરબી સમુદ્રમાં ઉદભવી રહેલા વાવાઝોડાને પગલે ગુજરાત સરકાર અલર્ટ બની છે. ટાઉટે નામનું વાવાઝોડુ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાઇ શકે છે એવી ભીતિને પગલે સરકાર હરકતમાં આવી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વાવાઝોડા સામે સુરક્ષાની તૈયારી અંગેની સમીક્ષા બેઠક કરી છે. સૌરાષ્ટ્રના સમગ્ર તંત્રને અલર્ટ આપવામાં આવ્યું છે. એ ઉપરાંત જિલ્લા કલેક્ટરોને સલામતીનાં પગલાં લેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગને પણ સરકારે પગલાં લેવા તાકીદ કરી છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ
ટાઉટે વાવાઝોડાથી ગુજરાતના દરિયાકાંઠે જાન-માલહાનિનું નુકસાન ન થાય એ માટે રાજ્ય સરકારે એકશન પ્લાન ઘડયો છે. રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત દરિયાકાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઇ છે. કચ્છ અને સૌરાષ્ટ્ના દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તહેનાત કરવામાં આવશે. ગાંધીનગરમાં એક કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવશે, જ્યાંથી ટાઉટે વાવાઝોડા પર સીધી નજર રાખવામાં આવશે. એટલું જ નહીં, કચ્છ-સૌરાષ્ટ્રના કલેક્ટર સહિતના સ્થાનિક તંત્રને જરૂરિયાત મુજબ સીધી સૂચનાઓ પણ અપાશે.

સંભવિત તબાહીને જોતાં સરકારી તંત્ર સાબદું બન્યું છે.
સંભવિત તબાહીને જોતાં સરકારી તંત્ર સાબદું બન્યું છે.

સંભવિત તબાહીને જોતાં સરકારી તંત્ર સાબદું બન્યું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર અને કચ્છના કલેક્ટર સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે. ખાસ કરીને કોરોનાના દર્દીઓને ધ્યાનમાં રાખી વાવાઝોડાથી નુકસાન ન થાય તેવાં પગલાં ભરવા સૂચનાઓ જારી કરાઇ છે, સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટે સાવધાનીનાં પગલાં લેવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. તટરક્ષક દળના જવાનોએ પણ લોકોને દરિયાકાંઠેથી સલામત સ્થળે જવા જણાવ્યુ હતું. આમ, વાવાઝોડાની સંભવિત તબાહીને જોતાં સરકારી તંત્ર સાબદું બન્યું છે.

35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે
વર્ષ 2021નું પહેલું વાવાઝોડા- 'ટાઉટે'ની સંભાવનાઓ પ્રવર્તી રહી છે. દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં 14 મેની સવારથી સર્જાઇ રહેલું લો પ્રેશર 15 મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાઇક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇને ઉત્તર-ઉત્તરપશ્ચિમ આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 19-20 મેના રોજ 'તૌકતે' વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે અને 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

19-20 મેના રોજ ગુજરાતમાં વાવાઝોડું ટાઉટે ભયંકર તોફાની બનીને એના પીક પર પહોંચશે.
19-20 મેના રોજ ગુજરાતમાં વાવાઝોડું ટાઉટે ભયંકર તોફાની બનીને એના પીક પર પહોંચશે.

19-20 મે ગુજરાતમાં વાવાઝોડું તોફાની બનીને એના પીક પર પહોંચશે
હવામાન વિભાગે જણાવ્યું છે કે 19-20 મેના રોજ ગુજરાતમાં વાવાઝોડું ટાઉટે ભયંકર તોફાની બનીને એના પીક પર પહોંચશે અને અમદાવાદ સુધી 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વર્ષ 2021નું આ સૌપ્રથમ વાવાઝોડું છે અને મ્યાનમાર દ્વારા એને તૌકતે નામ આપવામાં આવ્યું છે. જોકે આ વાવાઝોડું કઇ દિશામાં આગળ વધશે એને લઇને હજુ અસ્પષ્ટતા છે.

સૌરાષ્ટ્ર-કચ્છના કયા વિસ્તારમાં અસર થશે?
19 મેના રોજ 'ટાઉટે' વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પર ત્રાટકવાની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વેરાવળ, પોરબંદર, ભાનવડ, સલાયા, દ્વારકા, જામનગર, મોરબી, કુડામાં વાવાઝોડાની અસર જોવા મળશે. જ્યારે કચ્છના માંડવી, ગાંધીધામ, નલિયા, ભાડલી, રાપર, ખાવડા, લખપતમાં વધુ સર જોવા મળશે.

IMD દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીર.
IMD દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીર.

લો પ્રેશર સર્જાયા બાદ જ વાવાઝોડાની દિશા નક્કી થશે
વાવાઝોડું કંઈ દિશામાં આગળ વધશે એને લઈને એક અનુમાન પ્રમાણે એ ઓમાનનો દરિયો ઓળંગી શકે છે તો એક અનુમાન એવું પણ છે કે એ દક્ષિણ પાકિસ્તાન તરફ આગળ ધપી શકે છે. એ મુજબ ગુજરાતના દરિયાકાંઠાના હિસ્સાને અસર થઇ શકે છે. લો પ્રેશર સર્જાયા બાદ જ એની દિશા અંગે કંઇક કહી શકાશે. 14 મેના લો પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા, તામિલનાડુ ઘાટના વિસ્તાર, મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પડી શકે છે.