તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ગાંધીનગરના પોર ગામમાં ગટરનાં પાણી ફરી વળતાં અસહ્ય દુર્ગંધ સાથે રોગચાળો ફાટી નીકળવાની દહેશત

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસાની સિઝનમાં પાણીના ખાબોચીયા ભરાતા ગ્રામજનોમાં રોગચાળો ફેલાવાનો ફફડાટ

ગાંધીનગરનાં પોર ગામમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરનાં દૂષિત પાણી ગામમાં વહી રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા તે દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહી આવતા અસહ્ય દુર્ગંધ સાથે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે ગ્રામજનો રહેવા માટે મજબૂર બની ગયા છે.

ગાંધીનગરને સ્માર્ટ સીટી બનાવવાની હરણ ફાળ ભરવામાં આવી રહી છે, પરંતુ વિકાસના નામે બાહ્ય રીતે જ ગાંધીનગરનો વિકાસ કરી નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવાનો તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં ગ્રામ્ય વિસ્તારોની હાલત નર્કાગાર બની ગઈ છે.

તંત્ર દ્વારા લાખો કરોડોના ખર્ચે રોડ રસ્તા પાણી તેમજ ગટરની સુવિધાઓ ઉભી કરાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, ગામડાની સ્થિતિ હજી પણ જેમની તેમ જ છે. ગાંધીનગરનાં પોર ગામમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરના પાણીનો રેલો ગામમાં વહેવા લાગ્યો છે. જેનાં કારણે ગટરનું દૂષિત પાણી આંતરિક માર્ગો સુધી વહેવા લાગ્યું છે.

ગટરના દૂષિત પાણીના કારણે દુર્ગંધ યુક્ત પાણીના ખાબોચિયાં ભરાઈ ગયા છે. જેનાં કારણે મચ્છરોનો પણ ગામમાં ઉપદ્રવ વધી જવા પામ્યો છે. એકતરફ ચોમાસાની સિઝનમાં વાહક જન્ય રોગચાળો ફાટી ન નીકળે તે માટે તંત્ર દ્વારા પોરા નાશક કામગીરી કરીને ઘરે ઘરે તાવ શરદી તેમજ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકન ગુનિયા મચ્છર જન્ય પીડાતા દર્દીઓનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારે પોર ગામની સ્થિતિ દિવસે ને દિવસે બદતર થતી જઈ રહી છે.

ગામમાં દૂષિત ગટરના પાણી ફરી વળતા મચ્છર જન્ય રોગોના દર્દીઓ પણ નોંધાઈ રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા ગામમાં વહેતા દૂષિત પાણીને રોકવા માટેના કોઈ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા નથી. જેના કારણે ગ્રામજનો રોગચાળાની દહેશત વચ્ચે જીવન જીવવા મજબૂર બની ગયા છે. ત્યારે આ બાબતે તંત્ર દ્વારા સત્વરે કામગીરી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે.

આ અંગે વોર્ડ નંબર 8 આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌતમભાઈએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન અસ્તિત્ત્વમાં આવી ત્યારથી ગામમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આંખ આડા કરવામાં આવી રહ્યા છે. ગામમાં પ્રવેશ દ્વાર સુધી દૂષિત પાણી વહી રહ્યું છે. લગભગ દરેક મહોલ્લા વાળા ગટરનાં વહેતા દૂષિત પાણીથી તોબા પોકારી ગયા છે. વર્ષોથી ગટરની પાઈપ પાઈપ લાઈન ભંગાર થઈ ચૂકી હોવા છતાં તંત્ર ધ્વારા અનેક રજૂઆતો પછી પણ કામગીરી કરવામાં આવી રહી નથી. જેના કારણે ગ્રામજનો તેમજ વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...