તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની અછત:ગાંધીનગર જિલ્લામાં વરસાદના અભાવે ખરિફ પાકમાં સુકારાનો ખેડૂતોમાં ભય, તંત્રએ એડવાઈઝરી બહાર પાડી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 95 હજાર હેકટરમાં વિવિધ પાકનું વાવેતર કરાયું છે
  • જગતના તાત સહિત ખેતીવાડી તંત્ર પણ ચિંતામાં
  • તાઉ તે વાવાઝોડાના કારણે વ્યાપક નુકશાની વેઠયા પછી વરસાદ ખેંચાતા સ્થિતિ વિકટ બની

ગાંધીનગર જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન થતાં જગતનાં તાત ચિંતામાં મુકાઈ ગયા છે. સારા ચોમાસાની આશાએ જિલ્લામાં 95 હજાર હેક્ટરમાં વિવિધ પાકનું વાવેતર કરાયું છે ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોને સુકારાનો ભય સતાવી રહ્યો છે. વરસાદના વિરહ વચ્ચે સુકારા અને જીવાતના ઉપદ્રવથી ખેડૂતોની સાથે ખેતીવાડી તંત્ર પણ ચિંતામાં ગરકાવ થઇ ગયુ છે. ત્યારે જિલ્લા તંત્ર દ્વારા ખેડૂતો માટે ખાસ એડવાઈઝરી બહાર પાડી કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે.

ગત વર્ષે જૂનની શરૂઆતમાં જ વરસાદ મોટા પ્રમાણમાં વાવણી લાયક થઈ ગયો હતો, પરંતુ આ વર્ષે છેલ્લા ઘણા સમયથી વરસાદ હાથ તાળી આપી રહ્યો છે. જોકે, અગાઉના દિવસોમાં તાઉ તે વાવાઝોડાના પગલે કમોસમી વરસાદ થયો હતો ત્યારબાદ હજી સારો વરસાદ થયો નથી.

ગાંધીનગર જિલ્લામાં 3 વર્ષથી સરેરાશ 1 લાખ 36 હજાર 800 હેક્ટરમાં વાવેતર થાય છે. આ વર્ષે પણ 1.36 લાખથી 1.38 લાખ સુધી વાવેતર થવાનો અંદાજ છે. જિલ્લામાં ત્રણ વર્ષની સરેરાશ સરખામણીએ ડાંગરનું વાવેતર 12,057 હેક્ટરની જગ્યાએ 8,989, બાજરીનું 2,651 હેક્ટરની સરખામણીએ 1,401 હેક્ટર, મગનું વાવતેર 1,837 હેક્ટરની સરખામણીએ 1,337 હેક્ટર, મઠનું વાવતેર 134ની હેક્ટરની સરખામણીએ 443 હેક્ટર, દિવેલાનું 25,108ની સરખામણીએ 8,037 હેક્ટર, મગફળીનું વાવતેર વધ્યું છે, જે ગત 3 વર્ષની સરેરાશે 8,281 હેક્ટર હતું, તે આ વર્ષે 12,415 હેક્ટર થયું. ઘાસચારો 41,824 હેક્ટરમાં થતો તે આ વર્ષે 26,325 હેક્ટરમાં વાવેતર કર્યું છે. અડદનું વાવેતર 425ની સરખામણીએ 1,304 હેક્ટરમાં થયું છે. આમ કેટલાક પાકોના વાવેતર વધ્યા છે તો કેટલાકમાં ઘટાડો પણ થયો છે.જ્યારે શાકભાજીનું 14,400 હેક્ટરમાં અને મગફળીનું 8200 હેક્ટરમાં સરેરાશ ઉત્પાદન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર જિલ્લામાં ઉનાળુ પાકોનું કુલ વાવેતર 22,671 હેક્ટર થયું હતું. જેમાં બાજરીનું 5300 હેક્ટરનું વાવેતર થયું હતું. પરંતુ તાઉ તે વાવાઝોડાના પગલે દહેગામ તાલુકામાં સૌથી વધુ પાકને નુકશાન થયું હતું. ગાંધીનગર જિલ્લામાં બાજરી, મગફળી, ડાંગર સહિતના પાકનું મુખ્યત્વે વાવેતર થાય છે. જેમાં બાજરીના પાકને 33 ટકા નુકશાન થયું હોવાનો અંદાજ જિલ્લા ખેતી વાડી વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું હતું.

બીજી તરફ શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક મહિના દરમિયાન માત્ર 31.22 ટકા વરસાદ જ નોંધાયો છે. તેમાં પણ દહેગામ પંથકમાં તો વાવણીલાયક વરસાદ હજુ સુધી નોંધાયો નથી. આવી સ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના ખેતરોમાં સુકારાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.

એક બાજુ આકાશમાંથી વરસાદ વરસતો નથી તો બીજીબાજુ પિયત આપવું પડી રહ્યું છે તે મોંઘુ પડી રહ્યું છે.જેના પગલે ઘણી જગ્યાએ પાકને પાણી મળતું નથી જે પાક માટે હાનિકારક બાબત છે.વરસાદના વિરહ વચ્ચે સુકારા અને જીવાતના ઉપદ્રવથી ખેડૂતોની સાથે ખેતીવાડી તંત્ર પણ ચિંતામાં ગરકાવ થઇ ગયુ છે.

ઓગસ્ટ માસ શરૃ થઇ ગયો છે તેમ છતાં ગાંધીનગર જિલ્લામાં હજુ સુધી વાવણી લાયક વરસાદ વરસ્યો નથી. જેથી ભુગર્ભજળ નીચે ઉતરી ગયા છે ત્યારે ખેતરમાં પિયત આપવું પણ ખેડૂતોને મોંઘુ પડી રહ્યું છે. ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં મળીને અત્યાર સુધી 95 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વિવિધ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે વરસાદના વિરહવચ્ચે સતત ભેજવાળી આબોહવાના કારણે કપાસમાં ચુસીયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો છે તો મગફળીના પાકમાં ક્યાંક ક્યાંક સુકારાનો રોગ પણ દેખાઇ રહ્યો છે.

આ અંગે ખેતીવાડી તંત્ર ના અધિકારીએ જણાવ્યું હતું કે, વરસાદ ખેંચાતા ખેડૂતો માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જિલ્લામાં ગત વર્ષે અત્યાર સુધી 1,00,224 હેક્ટરમાં વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં 95,369 હેક્ટરમાં જ વાવેતર થયું છે. વરસાદ ઓછો થતા અંદાજિત 6,000 હેક્ટરમાં વાવેતર ઓછું થયું છે. આ વર્ષે વરસાદની જો વાત કરવામાં આવે તો અંદાજિત 50 ટકા જેટલો ઓછો થયો છે." જેથી આ પાકોને બચાવવા માટે કેટલીક ભલામણો જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવી છે.

વાવેતર કરેલા પાકમાં ભેજની અછત વર્તાય તો ધોરીયા પદ્ધતિના બદલે ફુવારા કે ટપક પદ્ધતિ જેવી પદ્ધતિનો ઉપયોગ કરવો, ખેતરમાં રહેલા ભેજને બાષ્પીભવનથી વ્યય થતો અટકાવવા સમયાંતરે આંતર ખેડ કરતા રહેવું, જે બાષ્પીભવનની ચેઇન તોડી જમીનમાં ભેજ ટકાવી રાખશે.

આ ઉપરાંત આવરણ પદ્ધતિનો ઉપયોગ કરવો જેના માટે ઘાસ, ઘઉં, ડાંગરનું પરાડ તેમજ ખેતરના અન્ય કચરાનો ઉપયોગ કરવો, જે પાકને જમીન પર આવરણ કરી ભેજને લાંબા સમય સુધી ટકાવી રાખશે.

ડાંગર જેવા વધુ પાણીની જરૂરીયાતવાળા પાકોમાં ફેર રોપણી કરવી, જરૂર લાગે તો નબળા છોડને ઉપાડી દૂર કરવા, આંતર પાક પદ્ધતિ અપનાવવી જેમાં બાજરી અને તુવેર, બાજરી અને દિવેલા, ચોળી અને દિવેલા, ચોળી અને તુવેર, કપાસ અને કઠોળ પાકો લેવા જોઈએ.

ટૂંકા જીવનકાળવાળા પાકોનું વાવેતર કરવું પણ હિતાવહ છે, જમીનમાં પુરતો ભેજ ના હોય તો નાઇટ્રોજન પૂર્તિ માટે આપવામાં આવતા રાસાયણિક ખાતરો ટાળવા અને જો પોષક તત્વોની અછત વર્તાય તો રાસાયણિક ખાતરને ફોલિયર સ્પ્રેથી છાંટવાની ભલામણ પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...