ડૂબી રહેલા પિતા-પુત્રનો વીડિયો વાઈરલ:ગાંધીનગરની નભોઈ નર્મદા કેનાલમાં પુત્રએ ઝંપલાવતા બચાવવા માટે પિતા કૂદી પડ્યા, પિતાની લાશ મળી આવી; પુત્ર લાપત્તા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • પિતા-પુત્રને બચાવવા માટે લોકોએ કાંઠા પર બચાવવાના પ્રયાસો કર્યા પણ કિનારાથી દૂર હોય બચાવી ના શક્યા

ગાંધીનગરની નભોઈ નર્મદા કેનાલમાં એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને બચાવવા માટે તેના પિતાએ પણ ઝંપલાવ્યું હતું. પિતા-પુત્રને કેનાલમાં ડૂબતા જોઈ જતા આસપાસથી લોકો કેનાલના કાંઠે એકઠા થયા હતા અને બચાવવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા પરંતુ, બચાવી શક્યા ન હતા. કેનાલમાં ડૂબી ગયેલા પિતાની લાશ મળી આવી છે. જ્યારે લાપત્તા પુત્રની શોધખોળ યથાવત છે. પિતા-પુત્ર ડૂબી રહ્યા હતા તેનો અને લોકો દ્વારા કરાઈ રહેલા બચાવવાના પ્રયાસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

કેનાલમાં ડૂબી જતા મૃત્યુ પામનાર પ્રદીપસિંહ ડાભીની ફાઈલ તસવીર
કેનાલમાં ડૂબી જતા મૃત્યુ પામનાર પ્રદીપસિંહ ડાભીની ફાઈલ તસવીર

પુત્રને ડૂબતો જોઈ બચાવવા માટે પિતા કેનાલમાં કૂદી પડ્યા
વિશ્વસનીય સુત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગરનાં સુઘડ દરબાર વાસમાં રહેતા પ્રદીપસિંહ ઉમેદસિંહ ડાભી પંચાયત કચેરીએ ઈલેક્ટ્રીકનું કામ કામકાજ કરતા હતા. ગઈકાલે કોઈ કારણોસર તેમનો આશરે 19 વર્ષીય પુત્ર સૌરભ નભોઈ કેનાલમાં દોડીને પડ્યો હતો. જેની પાછળ પ્રદીપસિંહ પણ એક્ટિવા લઈને કેનાલ પર આવી પહોંચ્યા હતા.કેનાલમાં પુત્રને ડૂબતો જોઈને પ્રદીપસિંહ પણ ચપ્પલ કાઢીને અંદર કૂદી પડ્યા હતા. જો કે ઉપરથી શાંત દેખાતા કેનાલના પાણી ના પાણીમાં બન્ને ડૂબવા લાગ્યા હતા. એ વખતે પરિવારજનો સહિતના ગ્રામજનો પણ કેનાલ પર દોડી આવ્યા હતા. સૌ લોકો એ બંનેએ ડૂબતા બચાવવા ઘણા પ્રયત્નો કર્યા હતા. અને ચીસો પણ પાડી હતી. પરંતુ ઘડીકમાં પિતા પુત્ર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

કેનાલમાં લાપત્તા બનેલા સૌરભ ડાભીની ફાઈલ તસવીર
કેનાલમાં લાપત્તા બનેલા સૌરભ ડાભીની ફાઈલ તસવીર

આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડ પણ સ્થળ પર દોડી ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી બંનેની શોધખોળ કરી હતી. પરંતુ પિતા પુત્રનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આજે ફરીવાર ફાયર બ્રિગેડ ધ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારે પિતા પ્રદીપસિંહની લાશ કેનાલના પાણીની સપાટી પર આવી ગઈ હતી. જેમની લાશ બહાર કાઢવામાં આવી હતી. જ્યારે સૌરભની લાશ કેનાલના ધસમસતા પ્રવાહમાં આગળ તણાઈ ગઈ હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.પુત્રને બચાવવા માટે કેનાલમાં પડેલા પિતા ની લાશ મળી આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે પોલીસ દ્વારા કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.

પિતા-પુત્રને બચાવવાનો પ્રયાસ કરતા લોકો
પિતા-પુત્રને બચાવવાનો પ્રયાસ કરતા લોકો
અન્ય સમાચારો પણ છે...