માણસાના શખ્સને પુત્રવધૂ સાથે સુંવાળા સંબંધો નહીં રાખી ફોન ઉપર પણ વાતચીત નહીં કરવા બાબતે ઠપકો આપતાં સસરા અને નણંદને ઢોર માર મારવામાં આવ્યો હતો. જે મામલે માણસા પોલીસ મથકમાં ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માણસા તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતા જોડે પાડોશમાં રહેતો શખ્સ સુંવાળા સંબંધો કેળવીને વાતો કરતો રહેતો હતો. ગઈકાલે પરિણીતા તેના પતિ, સાસુ, સસરા અને નણંદ સાથે માણસા નગરપાલિકાની સામે આવેલા બગીચામાં ગયા હતા. ત્યાંથી ઘરે પરત આઠ વાગ્યાની આસપાસ આવતા હતા.
આ વખતે પુત્રવધૂને પાડોશી સાથે વાતચીત કરતાં સસરા જોઈ ગયા હતા. પરંતુ તે વખતે સસરા કે નણંદે કશું કહ્યું ન હતું. બાદમાં ઘરે જઈ નવેક વાગ્યાની આસપાસ સાસુ, સસરા અને નણંદ બીજી એક નણંદના ઘરે જવા માટે નીકળ્યા હતા. ત્યારે પાડોશી શખ્સને જોઇને સસરાએ ઠપકો આપીને કહ્યું હતું કે, તારે મારી પુત્રવધૂ સાથે વાત કરવી નહીં કે તેને ફોન પણ આપવો નહીં.
આ સાંભળીને તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલી લોખંડની પાઇપ લઇને ફરી વળ્યો હતો. જેનું ઉપરાણું લઈને તેના માતા-પિતા પણ દોડી આવ્યાં હતા. બાદમાં બધાએ ભેગા મળીને ઢોર માર માર્યો હતો. જેનાં પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને મામલો શાંત પડ્યો હતો. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.