નોકરી અપાવવાના નામે છેતરપિંડી:ભાવનગરના યુવાનને બિન સચિવાલય ક્લાર્કની નોકરી અપાવવાનું કહી સાબરકાંઠાના પિતા-પુત્રએ સાડા સાત લાખ રૂપિયા પડાવ્યા

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર સેકટર - 2/સી માં ભાડાના મકાનમાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ભાવનગરનાં યુવાનને બિન સચિવાલય ક્લાર્કની નોકરી અપાવવાની લાલચ આપી ઉમિયા માતાના મંદિર ખાતે બોલાવી ટુકડે ટુકડે રૂ. 7.49 લાખનું ફુલેકું ફેરવવામાં આવતાં સેકટર - 7 પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામનો વતની દિનેશ વલ્લભભાઈ પટેલ ગાંધીનગરના સેકટર - 2/સી પ્લોટ નંબર 902/2 માં ભાડેથી રહી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યો છે. આજથી ત્રણ વર્ષ અગાઉ દિનેશને તેના મિત્ર ભગવાનદાસ સુરાનીએ સાબરકાઠાં જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ રહેતાં નાથુસિંહ વણઝારા અને તેના પુત્ર અનિલસિંહ સાથે ઓળખાણ કરાવી હતી.

જો કે દિનેશ જાણતો હતો કે બંનેની સરકારમાં સારી એવી વગ છે અને કોઈપણ વ્યક્તિને લાગવગનો ઉપયોગ કરીને સરકારી નોકરી અપાવી આપે છે. એ સમયે દિનેશ બેકાર હોવાથી નોકરીની તાતી જરૂરિયાત હતી. એટલે સરકારી નોકરી મેળવવાની લાલચમાં આવી પિતા પુત્ર ઉપર વિશ્વાસ રાખી અવારનવાર ફોન થકી વાતચીત કરતો રહેતો હતો. જ્યારે તેઓ ગાંધીનગર આવતાં ત્યારે દિનેશ બંનેને મળવા માટે સેકટર - 12 ઉમિયા માતાના મંદિરે મળવા માટે પણ જતો હતો.

ત્યારે સરકારમાં સારી એવી વગ હોવાનું કહી નોકરી માટે પૈસા ખર્ચ કરવાની વાત બંને કરતા હતા. આ સમય દરમ્યાન વર્ષ 2018 માં બિનસચિવાલય ક્લાર્કની જાહેરાત આવતાં દિનેશે નોકરી અપાવવા કહ્યું હતું. જેથી બંન્નેએ નોકરીની અવેજીમાં રૂ. 7.50 લાખ આપવા પડશે તેમ કહેવા લાગ્યા હતા. આમ સરકારી નોકરી મેળવવા ચાલતી ગળાકાપ હરિફાઈની વચ્ચે દિનેશ સીધી જ નોકરી મેળવવા બંનેની વાતોમાં આવી ગયો હતો અને ઓગસ્ટ - 2019 થી જાન્યુઆરી - 2020 દરમ્યાન તેઓને ટુકડે ટુકડે રૂ. 7.49 લાખ આપી ચૂક્યો હતો.

જો કે લાંબા સમય સુધી નોકરી નહીં મળતા દિનેશ નાથૂસિંહ પાસે સરકારી નોકરીની ઉઘરાણી કરવા માંડ્યો હતો. પરંતુ બંને નીત નવા વાયદાઓ આપતા રહ્યા હતા અને પૈસા પણ આપતા ન હતા. આખરે નાથુસિંહે ફોન જ બંધ કરી દીધો હતો. જેનાં પગલે તેના પુત્ર અનિલસિંહનો સંપર્ક કરતા તેણે તો દિનેશને ઓળખતો જ નહીં હોવાનું કહી હાથ અધ્ધર કરી લીધા હતા. આ અંગે સેકટર - 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...