ગાંધીનગરના કંથારપુર ગામના બાપ દીકરાઓએ અમદાવાદ બાપુનગરનાં વૃદ્ધને જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપી તગડી રકમ એઠી લઈ વર્ષ 2013થી જમીનનો કબ્જો સોંપ્યો ન હતો. આ મામલે નવ વર્ષ અગાઉ રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છતાં વૃદ્ધને ન્યાય નહીં મળતા આખરે સીટમાં અરજી કરતાં જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યએ ઉક્ત કિસ્સામાં ત્રણેય ઈસમો સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા માટે હુકમ કરતાં રખિયાલ પોલીસે ફરિયાદ નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
વેચાણ દસ્તાવેજ કરી જમીનની અવેજીમાં પૈસા પણ લઈ લીધા
અમદાવાદનાં બાપુનગરમાં રહેતા કન્સ્ટ્રકશન મેન્ટેનન્સનું કામ કરતાં 59 વર્ષીય મહેશભાઇ વિરજીભાઇ પટેલે વર્ષ 2012 માં કંથારપુરાનાં નાગરસંગ અજુજી ઠાકોર પાસેથી ગામની સીમમાં આવેલી જમીન તેમના દિકરા ખુમાનસિંહ નાગરસંગ તથા કરણસિંહ નાગરસંગ તથા અન્ય માણસોની હાજરીમાં વેચાણ દસ્તાવેજ કરીને ખરીદી હતી. જેની અવેજીમાં નક્કી થયાં મુજબની રકમ પણ ચૂકવી દેવામાં આવી હતી.
મારામારીના કેસમાં સમાધાન કર્યું છતાં કબ્જો સોંપ્યો નહીં
બાદમાં જમીનનો કબ્જો મળતા મહેશભાઈએ તારની ફેન્સીગ કરાવી હતી. જેનાં થોડા વખત પછી નાગરસંગ અને તેના બન્ને દીકરાએ જમીન પચાવી લીધી હતી. જેની જાણ થતાં મહેશભાઈ વર્ષ 2013 માં કંથારપુરા ગયા હતા. ત્યારે ત્રણેય બાપ દીકરાએ મારા મારી કરી હતી. જેથી મહેશભાઈએ રખીયાલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. જો કે મારામારીના કેસમાં સમાધાન કર્યું છતાં ત્રણેય જણાએ જમીનનો કબ્જો છોડ્યો ન હતો.
આખરે વૃદ્ધ મહેશભાઈએ સીટમાં ફરિયાદ કરી
આ મામલે મહેશભાઈએ અનેકવાર રજૂઆત કરવા છતાં નાગરસંગ અજુજી ઠાકોર અને તેમના પુત્રો ખુમાનિસંહ કરણસિંહે સર્વે નંબર 57 જુનો સર્વે નં બ૨.48 કે જે 1-07-21 હે.આરે.ચોમી તથા સર્વે નંબર.71 જુનો સર્વે નંબર, 60 કે 41 -2-68 હે.આરે.ચોમી.વા ળી જમીન વર્ષ 2913 થી ગેરકાયદેસર રીતે પચાવી પાડી હતી. આખરે વૃદ્ધ મહેશભાઈએ સીટમાં ફરિયાદ કરતા જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યએ ત્રણેય બાપ દીકરાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા હુકમ કરવામાં આવતાં રખિયાલ પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.