ભારતમાલા પ્રોજેક્ટના વિરોધને લઇ ખેડૂતો હવે આકરા પાણીએ બેઠા છે. જે રાજકીય પક્ષ ખેડૂતોના હિતમાં વાત કરશે તેને જ વોટ આપવાનું ભારતમાલાના અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક બેઠકમાં સર્વાનુંમતે નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટમાં જિલ્લાની 5000 વીઘા જમીન જતી હોવાથી અસરગ્રસ્ત ખેડૂતોના 30000 વોટનું નુકસાન રાજકીય પક્ષોને ભોગવવું પડશે. ભારતમાલા પ્રોજેક્ટને લઈ થરાદથી અમદાવાદ સુધી નેશનલ હાઈવે બનાવવામાં આવનાર છે. પ્રોજેક્ટ અંતર્ગત સિક્સલેન રોડ બનાવવા માટે હજારો એકર જમીનનો ઉપયોગ થવાનો છે.
જેમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોની કિમતી જમીન આ પ્રોજેક્ટમાં વપરાવાની છે. જોકે વર્ષમાં ત્રણ ત્રણ પાક લેતી ફળદ્રુપ જમીનને પ્રોજેક્ટમાં આપી દેવા માટે ખેડૂતોનો જીવ ચાલતો નથી. ઉપરાંત ઘણા ખેડૂતોની ખેતી ઉપર જ પોતાના પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી આવા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે. આથી પ્રોજેક્ટમાં એક પશુ ભાર પણ જમીન આપવા માટે ખેડૂતો તૈયાર નથી. જોકે ભારતમાલા પ્રોજેક્ટને લઈ ખેડૂતોનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ત્યારે હવે જ્યારે રાજકીય પક્ષોને મતદારોના મત લઈ રાજ્યની ધુરા સાંભળવાની છે. ત્યારે ખેડૂતો હવે પોતાનું વલણ અપનાવી રહ્યા છે. ભારતમાલા પ્રોજેક્ટને લઈ અસરગ્રસ્ત ખેડૂતોના કન્વીનરોની બેઠક મળી હતી. જેમાં ખેડૂતો હવે ભારત માલા પ્રોજેક્ટના વિરોધનો સપોર્ટ નહીં તો મત નહીં તે સૂત્ર સાથે આકરું વલણ અપનાવી રહ્યા છે.
ભારત માલા પ્રોજેક્ટમાં ગાંધીનગર જિલ્લાની 5000 વીઘા જમીનનો ઉપયોગ થનાર છે. જેને પરિણામે 4000 જેટલા ખેડૂતો અસરગ્રસ્ત થઈ રહ્યા છે. આથી અસરગ્રસ્ત ખેડૂતોના પરિવારોના અંદાજે 30,000 થી પણ વધુ મત રાજકીય પક્ષોને લાભ અને નુકસાન ની અસર વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.