ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ ત્રણ પાક લેવાતી જિલ્લાની પિયત જમીનને સંપાદન કરવાથી ખેડુતોમાં રોષ ઉઠવા પામ્યો છે. આથી જિલ્લાની ગ્રીનેબેલ્ટ જમીની ઓળખ નાબુદ થાય નહી તે માટે ખેડુતો પોતાની કિંમતી જમીન ભારતમાલા પ્રોજેક્ટ માટે નહી આપે તેવી માંગણી સાથે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
ભારત સરકાર દ્વારા નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા થરાદથી અમદાવાદ એક્સપ્રેસ હાઇવે બનાવવામાં આવી રહ્યો છે. હાઇવે માટે સર્વેની કામગીરી નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા જિલ્લાના ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલના કુલ-56 ગામોમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. આથી જિલ્લાના ખેડુતોમાં રોષ ઉઠવા પામ્યો છે.
જિલ્લાની જમીનને ગ્રીનબેલ્ટ તરીકે ઓળખ ધરાવે છે. જે જમીન ઉપર વર્ષમાં ત્રણ ત્રણ પાક લેવામાં આવે તેવી ફળદ્રપ જમીન છે. જોકે જિલ્લાના ભારતમાલા પ્રોજેક્ટ માટે જે ગામોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે તે ગામોના નાના અને સીમાંત ખેડુતો આવેલા છે. આથી જો ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત આ વિસ્તારમાં રોડ બનાવવામાં આવે તો મોટાભાગના ખેડુતો જમીન વિહોણા અને બેરોજગાર બની જશે. ઉપરાંત ખેડુતોની આજીવિકાનું સાધન છીનવાઇ જવાથી ખેડુતોના પરિવારો નોંધારા બની જશે તેમ ખેડુતોએ જણાવ્યું છે.
ખેડુતોના ભોગે જમીન સંપાદન માટે આપવા તૈયાર નથી. તેમ છતાં ભારતમાલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કાર્યવાહી કરવામાં આવશે તો ખેડુતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચિમકી સાથે ગાંધીનગર જિલ્લા થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે અસરગ્રસ્ત ખેડુત સમન્વય સમિતિએ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને રજુઆત માટે મોકલવા દહેગામ મામલતદારને આવેદન આપ્યું હોવાનું જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.