તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્કેટયાર્ડ:માણસાના માર્કેટયાર્ડમાં ખેડૂતોએ 7304 ક્વિન્ટલ મગફળીનું વેચાણ કર્યું

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
મગફળીના વેચાણ બદલ માર્કેટયાર્ડના 110 જેટલા વેપારીઓએ ખેડુતોને અંદાજે કુલ રૂપિયા 3.65 કરોડની ચુકવણી કરી છે. - Divya Bhaskar
મગફળીના વેચાણ બદલ માર્કેટયાર્ડના 110 જેટલા વેપારીઓએ ખેડુતોને અંદાજે કુલ રૂપિયા 3.65 કરોડની ચુકવણી કરી છે.
  • માર્કેટના 110 વેપારીઓએ મગફળીની ખરીદી કરીને ખેડૂતોને 3.65 કરોડ ચૂકવ્યા

ચાલુ વર્ષે મગફળીના ટેકાના ભાવ ઉંચા હોવા છતાં જિલ્લાના ખેડુતોએ માણસા માર્કેટયાર્ડમાં 7304 ક્વીન્ટલ મગફળીનું ખુલ્લા બજારમાં વેચાણ કર્યું છે. આથી માર્કેટયાર્ડના 110 વેપારીઓએ મગફળીની ખરીદી પેટે ખેડુતોને રૂપિયા 3.65 કરોડની ચુકવણી કરી છે. છેલ્લા 39 દિવસમાં 1755 ખેડુતોએ મગફળીનું વેચાણ કર્યું છે.ખરીફ સીઝનમાં વરસાદે સાથ આપતા ખેડુતોની અપેક્ષા કરતા પાકનો ઉતારો બમણો આવ્યો છે. જ્યારે તેની સામે રાજ્ય સરકારે ટેકાનો ભાવ પણ પ્રતિ 20 કિલોએ 1055નો રાખ્યો હતો.

જોકે ટેકાનો ભાવ ગત વર્ષ અને ઓપન બજાર કરતા વધારે હોવા છતાં ખેડુતોએ મગફળીને ટેકાના ભાવને બદલે ઓપન બજારમાં વેચાણ કરવાનું પસંદ કર્યું હતું. જોકે ખેડુતોને ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ત્યારબાદ ખેડુતને બોલાવવામાં આવે છે. ખેડુતે વેચાણ કરેલી મગફળીના રૂપિયા પોતાના ખાતામાં આવતા 10 દિવસથી દોઢેક મહિનાનો સમય લાગતો હોવાથી ખેડુતોને અન્ય ઉધારની ચુકવણી તેમજ રવિ પાકના વાવેતર મોડુ થવા સહિતની સમસ્યાને લીધે ખેડુતો ઓપન બજારમાં વેચાણને વધુ પસંદ કર્યું હોવાનું ખેડુતોએ જણાવ્યું છે. જિલ્લાના માણસા માર્કેટયાર્ડમાં પ્રથમ વખત મગફળીનું ઓપન બજારમાં ખરીદી શરૂ કરતા સારો પ્રતિસાદ મળ્યો હતો. આથી ઓપન બજારમાં અન્ય ખેતપેદાશની પણ ખરીદી આગામી સમયમાં કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે.

માણસા માર્કેટયાર્ડના સેક્રેટરી કૌશિકભાઇ પટેલના જણાવ્યા મુજબ માર્કેટયાર્ડમાં ગત તારીખ 19મી, સપ્ટેમ્બરના રોજ મગફળીની ખરીદી શરૂ કરી હતી. આથી દરરોજ 40થી 45 જેટલા સરેરાશ ખેડુતો મગફળીના વેચાણ માટે આવતા હોવાથી દરરોજ અંદાજે 500થી 700 મણ મગફળીની ખરીદી કરવામાં આવતી હતી. જેમાં છેલ્લા 39 દિવસમાં જિલ્લા તેમજ આસપાસના જિલ્લાના અંદાજે 1755 ખેડુતોએ કુલ 7304 ક્વિન્ટલ મગફળીનું વેચાણ કર્યું છે. જોકે ઓપન બજારમાં મગફળીની ક્વોલીટીના આધારે પ્રતિ મણનો ભાવ રૂપિયા 900થી 1152 જેટલો રહ્યો હતો. આથી મગફળીના વેચાણ બદલ માર્કેટયાર્ડના 110 જેટલા વેપારીઓએ ખેડુતોને અંદાજે કુલ રૂપિયા 3.65 કરોડની ચુકવણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...