કૃષિ:જિલ્લાના ખેડૂતો ચણા, રાઈ, વરિયાળી અને લસણ સહિતના પાકના વાવેતર તરફ વળ્યા

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ ઓછો થતાં બિનપિયત કે ઓછી પિયતવાળા પાકનું વાવેતર કર્યું

ચાલુ વર્ષે વરસાદ ઓછો થતાં જિલ્લાના ખેડૂતો બિનપિયત કે ઓછા પિયતવાળા પાકના વાવેતર તરફ વળ્યા છે. જેને પરિણામે ચાલુ વર્ષે રવી સીઝનમાં ખેડૂતોએ ચણા, રાઇ, વરીયાળી, લસણ અને મકાઇ સહિતના પાકોનું વાવેતર કર્યું છે. જિલ્લામાં રવી પાકનું અત્યાર સુધીમાં 7283 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગની અસર રાજ્યમાં જોવા મળી હોય તેમ ચાલુ વર્ષે ચોમાસામાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ અલગ અલગ જોવા મળ્યું છે. જોકે ચોમાસું નબળું રહેતા ખરીફ સીઝનમાં ખેડુતોની મહેનત પાણીમાં ગઇ હોય તેમ પાકમાં જોઇએ તેટલો ઉતારો મળ્યો નહી.

આથી રવી સીઝનમાં પણ આવું થાય નહી તે માટે જિલ્લાના ખેડુતો ઘઉં, બટાટાના વાવેતર કરી રહ્યા છે. પરંતુ તેની સાથે સાથે ઓછું પાણીની જરૂર પડે કે બિન પીયત પાકોનું વાવેતર કરી રહ્યા છે. આથી જિલ્લાના ખેડુતોએ અત્યાર સુધીમાં બટાટાનુ 1342, શાકભાજીનું 932, ઘાસચારાનું 2345, ઘઉંનું 1035 હેક્ટરમાં વાવેતર કર્યું છે. ઉપરાંત જો રવી સીઝન ફેલ જાય તો આર્થિક માર પડે નહી તે માટે જિલ્લાના ખેડુતોએ ઓછું પાણીની જરૂર પડે તેવા તેમજ બિન પીયત પાકનું પણ વાવેતર ચાલુ વર્ષે કર્યું છે.

799 હૅક્ટરમાં રાઈનું, 175 હૅક્ટરમાં ચણાનું વાવેતર થયું
જિલ્લામાં ખેડૂતોએ 175 હેક્ટરમાં ચણાનું અને રાઇનું 799 હેક્ટરમાં, 2 હેક્ટરમાં લસણનું, 402 હેક્ટરમાં વરીયાળીનું વાવેતર કર્યું છે. દહેગામમાં વરીયાળીનું 400 હેક્ટર, ચણાનું 100 હેક્ટર અને રાઇનું 55 હેક્ટરમાં વાવેતર થયું છે. માણસામાં ચણાનું 70 હેક્ટર, રાઇનું 147 હેક્ટર, ગાંધીનગરમાં રાઇનું 396 હેક્ટર, ચણાનું 3 હેક્ટર, કલોલમાં 201 હેક્ટરમાં રાઇનું વાવેતર થયું છે.

ચણા, લસણ, રાઇના પાકમાં ઓછા પિયતની જરૂર પડે છે
ચાલુ વર્ષે જિલ્લાના ખેડુતો લસણ, રાઇ અને ચણાના પાકનું વાવેતર કરી રહ્યા છે. તે અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.પી.જાદવે જણાવ્યું છે કે ચણા, રાઇ અને લસણના પાકમાં ચારેક પીયત આપવા પડે છે. ઉપરાંત તમામ પાકો 75થી 80 દિવસમાં તૈયાર થઇ જાય છે. વધુમાં પાકનું ઉત્પાદન વધુ અને ભાવ પણ વધુ મળતા હોય છે. પાકમાં રોગ અને જીવાત ઓછા પડે છે અને પરંતુ જો પડે તો દવાથી કંટ્રોલ આવી જાય છે.

મકાઇનું પ્રથમ વખત વાવેતર
જિલ્લાના માણસા તાલુકાના ખેડુતો મકાઇની ખેતી તરફ વળ્યા હોય તેમ અત્યાર સુધીમાં 80 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જોકે અત્યાર સુધી જિલ્લામાં મકાઇનું બિયારણ માત્ર ઘાસચારા માટે ખેડુતો લઇ જતા હતા. પરંતુ પ્રથમ વખત ખેડુતોએ મકાઇ દાણા માટે વાવેતર કર્યું હોવનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

.

અન્ય સમાચારો પણ છે...