હાલાકી:ખાત્રીબા કેનાલમાં પાણી ન છોડાતા 61 ગામના ખેડૂતોને પડતી હાલાકી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવી પાકને પાણી નહીં મળવાથી પાક મૂરઝાવાનો ભય

ખાત્રીબા કેનાલમાં ચુંટણી પહેલાં પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા બે માસથી પાણી છોડવામાં નહી આવતા ઘઉં સહિતના રવિ પાકને નુકશાન થવાની દહેશતથી ખેડુતોની નિંદર હરામ થઇ છે. આથી ખેડુતોના હિતને ધ્યાનમાં રાખીને ખાત્રીબા કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી 61 ગામના ખેડુતોમાં માંગ ઉઠવા પામી છે.

જિલ્લાના ખેડુતોને ખેતી માટે પાણી મળી રહે તે માટે નાની અને મોટી કેનાલો બનાવવામાં આવી છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા કેનાલોમાં નર્મદાના પાણીથી ભરવામાં આવી રહી છે. કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવતા ખેડુતોને ખેતીમાં રાહત રહેતી હતી. વધુમાં નર્મદાના પાણીથી ગામના નાના મોટા તળાવો ભરવાની યોજના બનાવવામાં આવી છે. જેમાં જિલ્લાના દહેગામ તાલુકા સહિતના અન્ય તાલુકાના 61 જેટલા ગામોને આવરી લેતી ખાત્રીબા કેનાલમાં પણ ખેડુતોના હિતને ધ્યાન રાખીને નર્મદાનું પાણી છોડવામાં આવે છે. પરંતુ ગત માસમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણી પહેલાં ખાત્રીબા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. આથી રવિ સીઝનના પ્રારંભમાં વાવેતર કરવામાં તેમજ ત્યારબાદ પાણી આપવામાં ખેડુતોને રાહત રહી હતી.

પરંતુ વિધાનસભા ચૂંટણી પછી ખાત્રીબા કેનાલમાં પાણી છોડવામાં નહી આવતા ખેડુતોમાં રોષ ઉઠવા પામ્યો છે. જોકે ખાત્રીબા કેનાલમાં પાણી છોડવામાં નહી આવતા ઘઉં સહિતના રવિ પાકને પાણી નહી મળવાથી ખેડુતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઇ જાય નહી તેવી ચિતા ખેડુતોને સતાવી રહી છે. ત્યારે રવિ પાકને બચાવવા માટે ખાત્રીબા કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગણી ખેડુતોમાં ઉઠવા પામી છે. કેનાલમાં પાણી છોડવામાં ન આવતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે પાણી છોડવાની માગ છે.

અન્ય સમાચારો પણ છે...