હાલાકી:રવી સીઝનના વાવેતરમાં બજારમાં ખાતર નહીં મળતા ખેડૂતો પરેશાન

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડીએપી, પોટાસ અને એનપીકે સહિતનું ખાતર અન્ય જિલ્લામાંથી લાવવાની ફરજ પડી
  • ખાતરની કુત્રિમ અછત ઉભી કરવામાં આવી હોવાનું આક્ષેપ : ખેડૂત રમણભાઇ

રવી સીઝનના વાવેતરમાં જ બજારમાં ખાતર નહી મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બટાટા, ઘઉં સહિતા ખરીફ પાકના વાવેતર વખતે ડીએપી, પોટાસ, એનપીકે સહિતના ખાતરની જરૂર પડે છે. પરંતુ બજારમાં ખાતર જ નહી મળતા ખેડુતોને ન છુટકે અન્ય જિલ્લામાંથી ખાતર લાવવાની ફરજ પડી છે. આથી બજારમાં ખાતર સ્ટોક રાખવા ખેડુતોએ માંગ કરી છે.

ચાલુ વર્ષે વરસાદની ખેંચને પગલે ખરીફ પાકમાં જોઇએ તેવો ઉતારો નહી મળતા ખેડુતોને આર્થીક માર પડી રહ્યો છે. ત્યારે હાલમાં ખરીફ પાક લીધા બાદ રવી સીઝનના પાકનું વાવેતર કરવાનો સમય છે. આથી જિલ્લાના ખેડુતો ઘઉં, બટાટા, રાઇ, બાજરી, મકાઇ, ધાણા, તમાકુ, વરીયાળી સહિતના પાકોનું વાવેતર શરૂ કરી દીધું છે.

તેવા સમયે બજારમાં ડીએપી, પોટાસ અને એનપીકે સહિતના ખાતર નહી મળતા ખેડુતોને હાલત કફોડી બની રહી છે. ખાતરની કુત્રિમ અછત ઉભી કરવામાં આવી હોવાનું ખેડુત રમણભાઇએ આક્ષેપ કર્યો છે. જોકે રવી પાકના વાવેતર વખતે ડીએપી, પોટાસ ખાતર નાખવું પડે છે.

જો ખાતર નાંખવામાં આવે નહી તો બિયારણની યોગ્ય વૃદ્ધિ નહી થવાથી પાકનો ઉતારો પુરતો મળતો નથી. હાલમાં વાવેતર વખતે ડીએપી સહિતના ખાતરની જરૂર પડે તે જ બજારમાં મળતા નથી. જ્યારે યુરીયા ખાતર બજારમાં મળતું હોવાનું ખેડુતોએ જણાવ્યું છે.

બટાટામાં ખાતર જરૂરી
એક વીઘાના બટાટાના વાવેતર વખતે બે થેલી ડીએપી, સલ્ફેટ, પોટાશ સહિત કુલ-4 ગુણ ખાતર નાંખવું પડે છે. ત્યારબાદ 15 કે 18 દિવસ પછી પ્રથમ પાણી આપતી વખતે એક ગુણ ખાતર નાખવું પડતું હોવાનું ખેડુત સંજયભાઇએ જણાવ્યું છે. એક ગુણમાં 45 કિલો ખાતર આવતું હોય છે.

ખાતરના ભાવમાં વધારો
ગત વર્ષે બજારમાં 45 કિલોની ખાતરની થેલી રૂપિયા 1100ના ભાવે મળતી હતી. જ્યારે ચાલુ વર્ષે એક થેલીએ રૂપિયા 200નો વધારો થયો હોવાથી ખેડુતોને એક થેલી રૂપિયા 1300થી 1350ના ભાવે મળે છે. બજારમાં ખાતર નહી મળતા જરૂરીયાત કરતા 20 ટકા જેટલું ઓછુ ખાતર નાંખવાની ખેડુતોને ફરજ પડી હોવાનું ખેડુત રિકીનભાઇએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...