સાયબર ક્રાઇમમાં ફરિયાદ:દહેગામના પાલુન્દ્રા ગામના યુવક-યુવતીઓના એકબીજા સાથે લગ્ન થયાના ખોટા પ્રમાણપત્રો ફેસબુક પર વાયરલ થયાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાર યુવક યુવતીઓના એકબીજા સાથે લગ્ન થઈ ગયા હોવાના ખોટા મેરેજ સર્ટિફિકેટ વાયરલ થતાં ફરિયાદ નોંધાઇ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામના દેસાઈ-ચૌહાણ સમાજના બાર યુવક યુવતીઓના એકબીજા સાથે લગ્ન થઈ ગયા હોવાના ખોટા મેરેજ સર્ટિફિકેટ ફેસબુક પર અપલોડ કરીને બદનામ કરનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

દેશભરમાં સોશિયલ મીડિયાના માધ્યમનો દુરુપયોગ વધી જવા પામ્યો છે. અજાણ્યા ઈસમો દ્વારા યુવતીઓને બદનામ કરવાના ઈરાદે ફોટા મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના બનાવો છાશવારે પ્રકાશમાં આવતાં રહેતા હોય છે. ઘણીવાર લોભામણી લાલચ આપીને પણ રૂપિયા એઠી લઈ છેતરપિંડી આચરવામાં આવતી રહેતી હોય છે. પરંતુ ગાંધીનગર દહેગામના પાલુન્દ્રા ગામના બે કોમના યુવક યુવતીઓને બદનામ કરવાં તેઓના અરસપરસ લગ્ન થઈ ગયા હોવાના મેરેજ સર્ટિફિકેટ ફેસબુક પર અપલોડ કરી દેવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.

દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામના ફરિયાદીને 13મી ડિસેમ્બરના રોજ કુટુંબીએ જાણ કરી હતી કે તમારી ભત્રીજીના લગ્ન ગામના ચૌહાણ કોમના યુવક સાથે થઈ ગયાનું મેરેજ સર્ટિફિકેટ ફેસબુક પર અપલોડ થયેલું છે. આ સંભાળી ફરિયાદી ચોંકી ઉઠયા હતા. કેમકે તેમની ભત્રીજીના લગ્ન જ થયા નથી તો મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે અપલોડ થાય. જેની ખરાઈ કરવા તેમણે ડી.કે ચૌહણ નામના ફેસબુક આઈડી ચેક કર્યું હતું. જેમાં તેમની ભત્રીજીનાં લગ્ન ગામના જ ચૌહાણ સમાજના યુવક સાથે થયાનું પ્રમાણપત્ર જોવા મળ્યું હતું.

આથી તેમણે ઉક્ત આઈડીની વધુ વિગતો ચેક કરતાં ગામની દેસાઈ કોમની છ યુવતીના લગ્ન ગામના જ ચૌહાણ કોમના છ યુવકો સાથે થઈ ગયા હોવાના ખોટા પ્રમાણપત્રો પણ અપલોડ થયેલા હતા. આમ ગામના યુવક યુવતીઓના એકબીજા સાથે લગ્ન થયાના ખોટા પ્રમાણપત્રો અપલોડ કરીને અજાણ્યા ઈસમ દ્વારા બદનામી કરાઈ હોવાનું જણાઈ આવતાં તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...