કુડાસણમા એક જ્વેલર્સમાં પોલીસ અધિકારીની ઓળખ આપીને ગઠિયાએ દાગીના ખરીદ્યા હતા. પોતાના ભાઇ માટે ચેઇન અને વીંટી ખરીદીને ઓનલાઇન પેમેન્ટ કરવાની વાત કરી હતી. ત્યારબાદ દુકાનમાંથી નિકળી ગયો હતો. પરંતુ બીજા દિવસે પણ દાગીનાની રકમ નહિ મળતા છેતરપિંડી થઇ હોવાનુ માલુમ પડતા ઇન્ફોસિટી પોલીસ મથકમા પોલીસ અધિકારીની ઓળખ આપી છેતરપિંડી કરનાર સામે ગુનો નોંધાવ્યો હતો.
રાજેન્દ્ર મોહનલાલ પટેલ ભાઇજીપુરા પાટીયા પાસે રહે છે અને કુડાસણમા ભગવતી જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. એક મહિના પહેલા 3 ફેબ્રુઆરી 22ના બપોરના કાર લઇને એક વ્યક્તિ જ્વેલર્સની દુકાનમા આવ્યો હતો અને તેને પોતાની ઓળખ પોલીસ વિભાગમા અધિકારી તરીકે નોકરી કરતા હોવાની આપી હતી. જ્યારે તેનુ નામ જયપાલસિંહ અને મહેસાણામા રહેતો હોવાનુ જણાવ્યુ હતુ. દુકાનમા આવીને તેના ભાઇ માટે બે સોનાની ચેઇન અને ચાર વીંટી ખરીદવાની વાત કરી હતી.
ત્યારબાદ દુકાનમા રહેલા દાગીના બતાવ્યા હતા. જેમા તેણે સોનાની ચેઇન કિંમત 64590 અને બીજી 34086, સોનાની વીંટી કિંમત 20950, 38270, 16100 અને 23380 મળી કુલ 1,97,370ની ખરીદી કરી હતી. જ્યારે દાગીનાની કિંમત સીધા બેંકના ખાતામા મોકલી આપવાની વાત કરી હતી. જેથી વેપારીને બેંક ખાતાની વિગત આપી હતી. વિગત આપ્યા બાદ તુરંત મોબાઇલમા એક સ્ક્રીન શોટ બતાવી રૂપિયા ખાતામા જમા થઇ ગયા હોવાનો પુરાવો આપ્યો હતો.
જ્યારે બીજા દિવસે બેંકમા ગયા બાદ જયપાલસિંહ દ્વારા મોકલાવેલી રકમની એન્ટ્રી જોવા મળતી ન હતી. કોઇ સમસ્યાના કારણે નાણાં જમા થયા નહિ હોય તેમ સમજીને તપાસ કરી ન હતી. વધારે સમય થયા બાદ મહેસાણા આસપાસના પોલીસ મથકમા જયપાલસિંહ નામના અધિકારીની તપાસ કરી હતી. પરંતુ નહિ મળતા પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો વેપારીને અહેસાસ થયા બાદ એક મહિના પછી ઇન્ફોસિટી પોલીસમા દાગીના બઠ્ઠાવી ગયેલા કહેવાતા પોલીસ અધિકારી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.