વિધાનસભામાં સામસામા રાજકીય આક્ષેપો કરતા ધારાસભ્યો વચ્ચે સુમેળ અને ભાઇચારો જળવાય તે આશયથી આ વખતે પ્રથમવાર ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ માટે ધારાસભ્યોની 9 ટીમ બનાવવામાં આવી છે. સરકારમાં સામેલ કરાયા નથી તેવા ધારાસભ્યોને ક્રિકેટ ટીમના કેપ્ટન બનાવાયા છે. તેમની કેપ્ટન્સીમાં મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ અને મંત્રીઓ ક્રિકેટ રમશે.
પ્રથમવાર ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન
ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ પટેલના નેતૃત્વ હેઠળની ટીમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ક્રિકેટ રમશે. આ ટીમના વાઇસ કેપ્ટન તરીકે ભારતીય ક્રિકેટર રવીન્દ્રસિંહનાં પત્ની અને જામનગર ઉત્તરનાં ધારાસભ્ય રિવાબા જાડેજા રહેશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અમિત ઠાકરના નેતૃત્વ હેઠળની ટીમમાં રમશે. હાર્દિક પટેલની કેપ્ટન્સી હેઠળ ગૃહ અને રમતગમતમંત્રી હર્ષ સંઘવી રમશે. આ સિવાય હીરા સોલંકી, જયેશ રાદડિયા, ધવલસિંહ ઝાલા, સંજય કોરડિયા પણ ટીમના કેપ્ટન રહેશે.
મહિલા ધારાસભ્યો પણ ક્રિકેટ ટીમમાં સામેલ થઇ
મહિલા ધારાસભ્યો પણ ક્રિકેટ ટીમમાં સામેલ થઇ છે. જે તમામને તેમની ટીમના વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યાં છે. દરેક ટીમમાં વિધાનસભાના અધિકારી- કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 20થી 28 માર્ચ દરમિયાન 8 મેચ રમાશે. 28મીએ ફાઇનલ મેચ રમાશે. કોબા ખાતે જે.એસ. પટેલ સ્પોર્ટ્સ સંકુલમાં સાંજે 6 વાગ્યા બાદ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સામેલ થયા નથી.
27મીએ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ વચ્ચે મુકાબલો
27મીએ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની ટીમો વચ્ચે ટક્કર થશે. અલ્પેશની ટીમમાં સીએમ અને હાર્દિકની ટીમમાં હર્ષ સંઘવી છે. 20મી અને 27મીએ ત્રણ ત્રણ મેચ અને 28મીએ બે સેમિ ફાઇનલ અને એક ફાઇનલ મેચ યોજાશે.
ધારાસભ્યોની ટીમોને નદીઓનાં નામ અપાયાં, સીએમ સાબરમતી ટીમમાં
ધારાસભ્યોની ટીમને ગુજરાતની નદીઓનાં નામ અપાયાં છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાબરમતી ટીમમાં છે. આ સિવાય નર્મદા, તાપી, શેત્રુંજી, બનાસ, વિશ્વામિત્રી, મહિસાગર, ભાદર અને શેત્રુંજીનાં નામ આપવામાં આવ્યાં છે. દરેક ટીમના ડ્રેસનો કલર પણ અલગ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.