પરીક્ષા:જિલ્લાના ધોરણ-10 અને 12ના 44988 વિદ્યાર્થીની આજથી પરીક્ષા

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધો-10ના વિદ્યાર્થી 2 વર્ષ પછી અને ધો-12ના 1 વર્ષ પછી ઓફલાઇન પરીક્ષા આપશે

કોરોનાકાળને પગલે ધોરણ-10ના 26992 વિદ્યાર્થીઓ બે વર્ષ અને ધોરણ-12 સાયન્સના 4614 અને સામાન્ય પ્રવાહના 13382 વિદ્યાર્થીઓ એક વર્ષ પછી ઓફલાઇન બોર્ડ પરીક્ષા આપશે. બોર્ડ પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે 53 પરીક્ષા કેન્દ્રોના 154 બિલ્ડીંગના 1590 બ્લોક ઉભા કર્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક વર્ષ પછી ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવામાં આવશે. 28મી, માર્ચથી પ્રારંભમાં જ ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે સહકાર પંચાયતનું પેપર સવારે 10થી 2 કલાક દરમિયાન આપશે.

જ્યારે ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓ બપોરે 3થી 6-30 કલાક સુધી ભૌત્તિકશાસ્ત્રનું અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ નામાનાં મૂળતત્વોનું પેપર બપોરે 3થી 6 કલાક દરમિયાન આપશે. બોર્ડ પરીક્ષામાં ગેરરીતિને ખાળવા સીસી કેમેરાવાળા જ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. જોકે કોરોના પછી પ્રથમ વખત જ ઓફલાઇન પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ ઉભો થાય નહી તેની પણ ખાસ તકેદારી રાખવા પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલકોને સુચના આપી છે.

ધો-10ના વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધા
ધોરણ-8 અને 9માં માસ પ્રમોશન લઇને ધોરણ-10માં આવેલા વિદ્યાર્થીઓ બે વર્ષ બાદ ઓફલાઇન બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે ચાલુ પરીક્ષા દરમિયાન કોઇ વિદ્યાર્થીને શારિરીક કે માનસિક તકલીફ થાય તો તેના માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાંથી સારવાર મળી રહે તેવી સુવિધા રાખવામાં આવી છે. ઉપરાંત પરીક્ષા ખંડમાં ફરજ બજાવતા દરેક ખંડ નિરીક્ષકને તેમજ રિલીવર તરીકે ફરજ બજાવતા શિક્ષકને કાઉન્સિલીંગની ભૂમિકા પણ ભજવવી તેમજ બાળકોને મોટીવેશન કરવાની સુચના આપી છે.

કલેક્ટર કચેરીના 29 અધિકારી સ્કવોર્ડ રહેશે
ધોરણ-10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને ગેરરીતિનો કોઇ કિસ્સો બને નહી તે માટે જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીના ક્લાસ-1 અને ક્લાસ-2ના 29 અધિકારીઓને સ્કવોડની કામગીરી સોંપવામાં આવી છે. તેઓને આપેલા પરીક્ષા કેન્દ્રમાં પેપર પૂર્ણ થાય ત્યાં સુધી હાજર રહેશે ધોરણ-10 અને 12ની પરીક્ષા આપતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે કે અકસ્માતના કિસ્સામાં લહિયાની સુવિધા શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવે છે. જેના માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ધોરણ-10 અને 12ના અંદાજે 30 જેટલા વિદ્યાર્થીઓને લહિયાની મંજુરી આપી છે.

જોકે લહિયા તરીકે વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય તેનાથી ઉતરતા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવે છે.શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રથમ દિવસે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સ્વામિનારાયણ ગુરૂકુલ સ્કુલ, સેક્ટર-23 ખાતે અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલા જે.એમ.ચૌધરી સ્કુલ, સેક્ટર-7 ખાતે ઉપસ્થિત રહેશે.

પરીક્ષાના પગલે સુચારુ આયોજન કરાયું

  • પ્રશ્નપત્ર મોનીટરીંગ માટે મોબાઇલ એપ (પાટા) દ્વારા વિઝિલન્સ કામગીરી
  • પરીક્ષા કેન્દ્રના 100 મીટર વિસ્તારમાં કલમ-144 લાગુ કરવામાં આવી છે.
  • પરીક્ષા સ્થળના 100 મીટર વિસ્તારમાં ઝેરોક્ષ મશીન પરીક્ષા સમયે બંધ રાખવા
  • વિદ્યાર્થીઓ સરળતાથી પહોંચી શકે તે માટે વાહન વ્યવહાર નિગમને સુચના આપી છે.
  • વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળમાં મોબાઇલ ફોન કે અન્ય પ્રતિબંધિત ઇલેક્ટ્રિક ગેઝેટ લઇ જવા ઉપર પ્રતિબંધ
  • પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાય તે માટે પરીક્ષા સ્થળોએ પુરતો પોલીસ બંદોબસ્ત
અન્ય સમાચારો પણ છે...