ગાંધીનગરના કલોલમાં ધોળે દિવસે હત્યા:છુટાછેડા બાદ યુવતીએ પરત ફરવાનો ઈન્કાર કર્યો, નારાજ પૂર્વ પતિએ સરાજાહેર છરાના ઘા મારી મોતને ઘાટ ઉતારી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • પોલીસે હત્યારાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
  • છુટાછેડા થઈ ગયા બાદ પણ યુવતીને પરત આવી જવા માટે ફોન પર ધાક ધમકીઓ આપતો હતો
  • આરોપી અને મૃતકની હત્યા પહેલાની એક કથિત ઓડિયો સામે આવી

કલોલ શહેરમાં છેલ્લા ત્રણ દિવસના ગાળામાં બીજી હત્યાની ઘટના ઘટી છે. આજે કલોલ સીટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે 23 વર્ષીય યુવતીને રસ્તામાં આંતરીને પૂર્વ પતિએ પેટમાં આડેધડ છરાના ઘા ઝીંકી દઈ કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી છે. આવી છે. કલોલ પોલીસે પૂર્વ પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી ભાવેશની અટકાયત
આરોપી ભાવેશની અટકાયત

પૂર્વ પત્નીએ પરત આવવાનો ઈન્કાર કરતા હત્યા નિપજાવી
કલોલની દેવીકૃપા સોસાયટીમાં રહેતી હેમા નંદવાણી અને ભાવેશ કેશવાણીએ પ્રેમલગ્ન કર્યા હતા. જો કે, પ્રેમલગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવો બનવાનું ચાલુ રહેતા હેમાએ દોઢ વર્ષ પહેલા છુટાછેડા લઈ લીધા હતા. જો કે, છુટાછેડા બાદ પણ આરોપી ભાવેશે પૂર્વ પત્નીનો પીછો છોડ્યો ન હતો. તે અવારનવાર હેમાને ફોન કરી પરત આવી જવા માટે કહેતો અને ધમકાવતો રહેતો. હેમાની હત્યા પહેલાની ભાવેશ સાથેની એક કથિત ઓડિયો ક્લિપ પણ સામે આવી છે જેમાં ભાવેશ હેમાને પરત આવી જવાની ધમકી આપી રહ્યો છે. જો પરત નહીં આવે તો આખા પરિવારને ખતમ કરવાની ધમકી પણ આપી રહ્યો છે. આજે સાંજે કલોલના સીટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે હેમાને આંતરી ભાવેશે છરાના આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ભાવેશે પોતે પરણિત હોવાનું છુપાવી પ્રેમલગ્ન કર્યા હતા
પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલ રેલવે પૂર્વ 33 દેવી કૃપા સોસાયટીમાં રહેતી 23 વર્ષીય હેમા પરમાનંદ નંદવાણીએ ભાવેશ કેશવાણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે પ્રેમ લગ્નના થોડા વખત પછી ભાવેશની ચાલ ચલગત સારી ન હોવાથી બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. અને હેમાને ખબર પડી ગઈ હતી કે ભાવેશ પહેલેથી પરણિત હતો. જેને એક સંતાન પણ છે. તેમ છતાં તેને પ્રેમજાળમાં ફસાવીને પહેલી પત્નીને તરછોડી દીધી હતી. આ આઘાત સહન ન થતાં ભાવેશની પહેલી પત્ની ગાંડાની માફક જીવન જીવતી હતી. જે હેમાથી સહન ન થતાં ભાવેશ જોડે દોઢ વર્ષ અગાઉ હેમાએ છૂટાછેડા લઈ લીધા હતા. તેમ છતાં ભાવેશ એકતરફી પ્રેમમાં પાગલ થઈને હેમાને 'તું મારી નહીં તો કોઈ બીજાની પણ નહીં' થવા દેવાની ધાક ધમકીઓ આપતો રહેતો હતો. એટલે સુધી કે ભાવેશ પરત પાછી નહીં આવે તો આખા પરિવારને પતાવી દેવાની પણ ધમકીઓ આપતો હતો. જેનાં કારણે હેમા ફફડી ઉઠી હતી. વારંવાર ભાવેશ પાછી આવી જવા માટે હેમાને રસ્તામાં આંતરીને ધાક ધમકીઓ આપતો રહેતો હતો.

ચાર મહિના પહેલા પણ ભાવેશ છરો લઈને આવ્યો હતો
ચારેક મહિના અગાઉ ભાવેશ હાથમાં છરો લઈને હેમાના ઘરની આસપાસ પણ ફરતો રહેતો હતો. જેનાં કારણે હેમાનું ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું. જેનાં પગલે તેના પિતાએ ભાવેશનાં પરિચિત ને તેની કરતૂતનો વીડિયો ઉતારીને બતાવ્યો હતો. એ વખતે પણ ભાવેશને સમજાવ્યો હતો. પરંતુ તે હેમાને કોઈપણ ભોગે પાછી મેળવવા માંગતો હતો.

આ અંગે કલોલ ડીવાયએસપી પી.ડી. મનવરે જણાવ્યું હતું કે, હેમા નામની યુવતીની હત્યા તેના પૂર્વ પતિએ કરી છે. હાલમાં મૃતકના પરિવારજનોની પૂછપરછ કરીને હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરાઈ છે. હત્યારા ભાવેશની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.