ગાંધીનગરના કલોલ શહેરમાં સરેઆમ યુવતીને ખંજરના ઘા ઝીંકી કરપીણ હત્યા કરનાર પૂર્વ પતિ વિરુદ્ધ અગાઉ પણ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો છે. તો યુવતીની હત્યા કર્યાના ચાર પાંચ દિવસ અગાઉ ખંજર હાથમાં લઈને કાનૂનનાં ધજાગરા ઉડાવતો વીડિયો પણ તેણે વાયરલ કર્યો હતો. વાયરલ વીડિયો મામલે પણ પોલીસ હત્યારા વિરુદ્ધ ગુનો દાખલ કરવાની દિશામાં એક્ટિવ થઈ છે.
કલોલમાં ગઈકાલે નવ જીવન મિલ કમ્પાઉન્ડ જોગણી માતાના મંદિર નજીક એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયેલા માથાભારે પતિએ ખંજરનાં ઘા ઝીંકીને હેમા પરમાનંદ લવાણાની કરપીણ હત્યા કરી કાનૂન વ્યવસ્થાના ધજાગરા ઉડાવી દીધા હતા. કલોલ દેવી કૃપા સોસાયટીમાં રહેતા પરમાનંદ લવાણાનાં પરમાનંદ લવાણાની સૌથી નાની દીકરી હેમાને રાસ ગરબામાં શ્રીનગર સોસાયટીમાં રહેતાં ભાવેશ ધરમદાસ કેશવાની સાથે આંખો મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધો પ્રસ્થાપિત થયા હતા. એ વખતે ભાવેશે પોતે કુંવારો હોવાનું જણાવ્યું હતું.
બાદમાં બન્નેએ ભાગીને અઢી વર્ષ પહેલાં પ્રેમ લગ્ન લગ્ન કરી લીધા હતા અને હેમા સાસરીમાં રહેવા લાગી હતી. જોકે, તેને ભાવેશની હરકતો શંકાસ્પદ લાગી રહી હતી. વાસી ઉત્તરાયણનાં દિવસે ભાવેશ એક યુવતી સાથે એક બાળકીને ઘરે લઈને ગયો હતો. અને હેમાને તે યુવતી ધર્મની બહેન હોવાની ઓળખાણ પણ આપી હતી. જોકે સમય જતાં હેમાને ખબર પડી ગઈ હતી કે જે યુવતીને ભાવેશ ધર્મની બહેન કહી રહ્યો છે તે વાસ્તવમાં તેની પહેલી પત્ની છે. ભાવેશ એ હદે ત્રાસ આપતો કે હેમાએ છ મહિના દરમિયાન ત્રણ વખત પોલીસ ફરિયાદ પણ કરી હતી. તેમ છતાં રાજકીય પીઠ બળનાં કારણે ભાવેશ કાયદાની ચુંગલમાંથી છટકી ગયો હતો.
અંતે હેમાએ તેની સાથે છૂટાછેડા લઈ લીધા હતા, પરંતુ ભાવેશ તેને પરત લાવવા માંગતો હતો. અવારનવાર હેમાને ફોન કરીને પાછી આવી જવા માટે ગર્ભિત ધમકીઓ આપતો હતો. આખરે કલોલ શહેરમાં આવેલા નવજીવન મીલ કંપાઉન્ડમાં બ્યુટીપાર્લરમાં મહેંદી મુકાવીને હેમાં ઘરે પરત જઇ રહી હતી. તે સમયે ભાવેશ ત્યાં આવી પહોંચ્યો હતો અને હેમાને રસ્તામાં આંતરીને ખંજરના ઉપરા છાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દીધી હતી. જેને લોકલ ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલોલમાં જ ઝડપી લીધો હતો.
આ મામલે કલોલ શહેર પોલીસે ભાવેશનાં બે દિવસના રિમાન્ડ મેળવી હત્યામાં ઉપયોગમાં લીધેલ ખંજર કબ્જે લેવાની તજવીજ હાથ ધરી છે. તો હત્યારા ભાવેશના વીડિયો વાયરલ થયા છે. જેમાં ખંજર સાથે ભાવેશ પોતાની ગુનાહિત માનસિકતા છતી કરી રહ્યો છે. જ્યારે બીજા એક વીડિઓમાં 'શરીર મેં 206 હડીયા હે ઔર સંવિધાન મેં 1617 કાનૂન સબ તોડુંગા' મતલબની શેખી મારીને કાયદા કાનૂનનાં ધજાગરા ઉડાવતો પણ વીડિઓ વાયરલ થયો છે.
બીજી તરફ માથાભારે ભાવેશે અગાઉ પણ પૈસાની લેતીદેતીમાં હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે પણ તેના વિરુદ્ધમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયેલો છે. આ ગુનામાં પણ ભાવેશ જામીન લઈને બહાર આવી ગયો હતો અને કાયદાના ધજાગરા ઉડાવતા વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.