પરિવારજનોનું આક્રંદ:કલોલમાં યુવતીની કરપીણ હત્યા કરનાર પૂર્વ પતિને ફાંસી આપવાની માગ, ગૃહમંત્રીએ પરિવાર સાથે ટેલિફોનિક વાત કરતાં પરિવારે લાશ સ્વીકારી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • હત્યારો ભાવેશ તેની પહેલી પત્નીને ધર્મની બહેન બનાવીને વાસી ઉત્તરાયણના દિવસે ઘરે લઈ ગયો હતો
  • પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગરના કલોલમાં ગઈકાલે નવજીવન મિલ કમ્પાઉન્ડ જોગણી માતાના મંદિર નજીક એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગયેલા માથાભારે પૂર્વ પતિએ ખંજરના ઘા ઝીંકીને તેની પૂર્વ પત્ની હેમા પરમાનંદ લવાણાની કરપીણ હત્યા કરી નાખી હતી. એને લઈ લોકલ ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી લીધી છે. તો આજે મૃતકનાં પરિવારજનોએ હત્યારાને ફાંસીની સજાની માગ કરીને લાશ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત કરી પરિવારને ન્યાયની ખાતરી આપતાં પરિવારે લાશ સ્વીકારી હતી.

ભાવેશે પોતે કુંવારો હોવાનું જણાવ્યું હતું
કલોલ દેવીકૃપા સોસાયટીમાં રહેતા પરમાનંદ લવાણાની સૌથી નાની દીકરી હેમાએ ધોરણ દસ સુધી અભ્યાસ કરેલો છે. હેમા કલોલમાં સ્વદેશી ડેલાની અંદર રાસગરબામાં ગઈ હતી, જ્યાં કલોલની શ્રીનગર સોસાયટીમાં રહેતા ભાવેશ ધરમદાસ કેશવાની સાથે આંખો મળી જતાં બન્ને વચ્ચે પ્રેમસંબંધો પ્રસ્થાપિત થયા હતા. એ વખતે ભાવેશે પોતે કુંવારો હોવાનું જણાવ્યું હતું.

હેમાને ભાવેશની પહેલી પત્ની વિશે ખબર પડતાં ઘરકંકાસ શરૂ થયો
બાદમાં બન્નેએ ભાગીને અઢી વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરી લીધા હતા અને હેમા સાસરીમાં રહેવા લાગી હતી. જોકે તેને ભાવેશની હરકતો શંકાસ્પદ લાગી રહી હતી. વાસી ઉત્તરાયણના દિવસે ભાવેશ એક યુવતી સાથે એક બેબીને ઘરે લઈને ગયો હતો અને હેમાને તે યુવતી ધર્મની બહેન હોવાની ઓળખાણ પણ આપી હતી. જોકે સમય જતાં હેમાને ખબર પડી ગઈ હતી કે જે યુવતીને ભાવેશ ધર્મની બહેન કહી રહ્યો છે તે વાસ્તવમાં તેની પહેલી પત્ની છે, જેને કારણે પણ ઘરમાં કંકાસ થવા લાગ્યો હતો.

છ મહિનામાં ત્રણ વખત હેમાએ પોલીસ ફરિયાદ પણ કરી
હેમાને ખ્યાલ આવી ગયો હતો કે ભાવેશે પ્રેમ લગ્ન કરવા માટે પહેલી પત્નીને પણ છોડી દીધી હતી, જે હેમાને મંજૂર ન હોવાથી માત્ર છ મહિનામાં જ તેણે સાસરીનો ત્યાગ કરી દીધો હતો, પરંતુ ભાવેશ તું મારી નહીં તો કોઈ બીજાની પણ નહીં થવા દઉં, કહીને હેમાને પરેશાન કરતો હતો. છેલ્લે, હેમાએ તેની સાથે છૂટાછેડા લઈ લીધા હતા. ભાવેશ એ હદે ત્રાસ આપતો કે હેમાએ છ મહિના દરમિયાન ત્રણ વખત પોલીસ ફરિયાદ પણ કરી હતી.

હેમાને રસ્તામાં આંતરીને ખંજરના ઘા ઝીંકી દીધા
ભાવેશ તેને પરત લાવવા માગતો હતો. અવારનવાર હેમાને ફોન કરીને પાછી આવી જવા માટે ગર્ભિત ધમકીઓ આપતો હતો, પરંતુ હેમા તૈયાર થઇ ન હતી. ત્રણ દિવસ અગાઉ પણ બન્ને વચ્ચે મોબાઇલ પર સંપર્ક થયો હતો, જેમાં ભાવેશે પરત નહીં આવે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ દરમિયાન ગઈકાલે કલોલ શહેરમાં આવેલા નવજીવન મિલ કંપાઉન્ડમાં બ્યૂટિપાર્લરમાં મહેંદી મુકાવીને હેમાં ઘરે પરત જઇ રહી હતી. એ સમયે ભાવેશ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેને રસ્તામાં આંતરીને ખંજરના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેથી હેમા ત્યાં જ ઢળી પડી હતી.

હેમા સાથે રહેતી ન હતી, જે સહન ન થતાં પતાવી દીધી
આ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાંચે ભાવેશને ઝડપી લઈ પૂછતાછ કરતાં તેણે દાવો કર્યો હતો કે હેમાએ લગ્ન કરવા માટે પહેલી પત્નીને છૂટાછેડા આપવાની શરત રાખી હતી, જેથી તેણે પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા અને હેમા સાથે લગ્ન કર્યા હતા. તેમ છતાં હેમા તેની સાથે રહેતી ન હતી, જે સહન ન થતાં હેમાને પતાવી દીધી હતી. જ્યારે ભાવેશની પહેલી પત્નીએ પણ ગાંધીધામ બાજુ બીજા લગ્ન કરી લેતાં ભાવેશ વધુ આક્રમક બની ગયો હતો અને તેણે હેમાની હત્યા કરી નાખી હતી.

ગૃહમંત્રીએ કડક સજાની હૈયા ધારણ આપી
બીજી તરફ, આજે હેમાનાં પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. જ્યાં સુધી ભાવેશને સત્વર ફાંસીની સજા ના થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈનકાર કરી દેતાં પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. અંતે, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટેલિફોનિક વાતચીતમાં હેમાના હત્યારાને કડક સજા કરવાની હૈયાધારણા આપતાં પરિવારે લાશનો સ્વીકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...