વિકાસની કાગડોળે રાહ જોતું ગામ:ગાંધીનગરના આલમપુર ગામમાં આજે પણ ગામમાં દૂષિત પાણીના નિકાલની યોગ્ય સુવિધા જ નથી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • ઘણા ગ્રામજનો ખાળ કૂવાથી દૂષિત પાણીનો નિકાલ કરવા મજબૂર બન્યા
  • ગામમાં પ્રવેશવાનો માર્ગ સ્ટ્રીટ લાઈટના અભાવે અંધકારમય રહે છે
  • દૂષિત પાણી ગામનાં તળાવમાં જ નિકાલ કરવામાં આવી રહ્યું છે

ગાંધીનગરનું એક એવું ગામ જે આજે પણ પ્રાથમિક સુવિધાઓ વિના જીવન જીવવા માટે મજબૂર બન્યું છે. નવાઈની વાત એ છે કે આજના આધુનિક યુગમાં પણ દૂષિત પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સદીઓ પુરાણી ખાળ કૂવાની સિસ્ટમથી દૂષિત પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે. એટલે સુધી કે ગામમાં આજે પણ ફાઇબરના શેડ વાળી સ્કૂલમાં ઘણા બાળકો ભણવા માટે મજબૂર બન્યા છે.

ગુજરાત સરકાર દ્વારા ગામડાંઓનાં વિકાસ માટેની વિવિધ યોજનાઓ તરતી મૂકવામાં આવી છે, પરંતુ કોઈ કારણોસર આજના આધુનિક યુગમાં પણ ઘણા ગામડાંઓમાં સરકારી યોજનાનાં લાભોનો જોઈએ તેવો ઉપયોગ થયો નથી. જેનાં આજે પણ ગ્રામજનો એજ જુની ઘરેડ મુજબ જીવન જીવવા મજબૂર બન્યા છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરનું આલમપૂર ગામ વર્ષો પછી પણ વિકાસની કાગડોળે રાહ જોઇને સુશિક્ષિત સરપંચ આવે તો ગામનો ઉદ્ધાર થાય તેવું ઈચ્છી રહ્યા છે.

આલમપુર ગામની વાત કરીએ તો, ગામમાં દૂષિત પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. જેનાં કારણે ગ્રામજનોએ ઘરે ઘરે ખાળ કૂવા બનાવ્યા છે. ગટરલાઈન છે પણ દૂષિત પાણીનો નિકાલ તળાવમાં કરાઈ રહ્યો છે. ગામમાં કચરાના નિકાલની પણ કોઈ સુવિધા નથી. જેનાં કારણે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ગામમાં આરસીસીના રોડ તો બની ગયા પણ એકવીસમી સદીની હરણફાળમાં આજે પણ અમુક ચોક્કસ વર્ગના ફળીયા વિસ્તારમાં રોડની સુવિધા ઉભી કરાઈ નથી. જ્યાં પાણી પણ પૂરતા ફોર્સથી પહોંચતું નથી.

આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ગામમાં પાણી, લાઈટની સુવિધા છે. પણ દૂષિત પાણીના નિકાલની યોગ્ય સુવિધા નથી. દૂષિત પાણી ગામના તળાવમાં સતત વહેતું રહેતું હોવાથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ વચ્ચે રહેવું પડી રહ્યું છે. ગામની શાળા પણ જોઈએ તેવી નથી. ઘણા બાળકો ફાયબરનાં શેડ નીચે ભણી રહ્યા છે. તળાવ ખોદી કાઢવામાં આવ્યું છે. જેની માટી ક્યાં ગઈ એજ કોઇને ખબર નથી. ગામમાં ગટર લાઈન છે પણ દૂષિત પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા હજી સુધી કરાઈ નથી. આજે પણ ઘણા ગ્રામજનો ખાળ કૂવાનો ઉપયોગ કરી રહ્યા છે.

વધુમાં ગ્રામજનોએ ઉમેર્યું હતું કે, અમારા ગામમાં આશરે 3500ની વસ્તી છે. જેમાં 2200 જેટલા મતદારો છે. આ વખતે સરપંચની ચુંટણીમાં ચાર ઉમેદવારો ઉભા રહ્યા છે. ગામમાં શિક્ષિત ઉમેદવાર સરપંચ આવે તો ગામને સરકારી યોજનાનો સંપૂર્ણ લાભ મળી શકે. ગામમાં સીસીટીવી કેમેરા, ઘરે ઘરે થી કચરો લેવાની સુવિધા તેમજ ગટર લાઈન સત્વરે ચાલુ થવી જોઈએ.

આ ઉપરાંત પૂરતા ફોર્સથી પાણી આવે તે પણ જરૃરી છે. આલમપૂર પાટીયાથી ગામમાં આવવા સુધી સ્ટ્રીટ લાઈટો જ નથી. જેનાં કારણે સાંજ પડતાં ગામમાં પ્રવેશવા નો માર્ગ અંધારપટ થઈ જાય છે. કોઈ બહારનો વ્યક્તિ ગામમાં આવવા માંગે તો ભૂલો જ પડે એવો અંધકારમય રસ્તો છે. હવે નવા સરપંચની ચૂંટણી જવા થઈ રહી છે ત્યારે શિક્ષિત સરપંચ આવે તો ગામનો ઉધ્ધાર થાય એમ છે.

આથી અમે ગામના વિકાસને પ્રાધાન્ય આપીને ગામની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવી સરકારની સંપૂર્ણ ગ્રાન્ટ વિકાસના કામોમાં વાપરે તેવા સરપંચ બને તેવી ઈચ્છી રહ્યા છે. જે ગટર, પાણી, રોડ રસ્તા તેમજ કચરાના નિકાલની સુવિધા, સીસીટીવી કેમેરા, સ્ટ્રીટ લાઈટો ઉપરાંત નિયમિત ગામની સફાઈ કરાવી આલમ પૂર ગામને એક આદર્શ ગામ બનાવે તેવાં જ ગામના સરપંચ બનવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...