પાટનગરની પરીક્ષામાં 'પાસ':2011માં મોદી પણ જે મહાનગરપાલિકા જીતી નહોતા શક્યા, એ ગાંધીનગર મનપા 2021માં પટેલ-પાટીલની જોડીએ જીતી બતાવી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપની એન્ટ્રીએ કોંગ્રેસની બાજી બગાડી: કોંગ્રેસ
  • સત્તાનો દુરુપયોગ કરી ભાજપ ચૂંટણી જીતી છે: આપ

ભાજપે ગાંધીનગર નગરપાલિકામાં 44માંથી 41 બેઠક જીતીને કોંગ્રેસ અને આપના સૂપડાં સાફ કરી નાખ્યાં છે. ત્યારે આવી જંગી જીત પાછળ ભાજપની નો-રિપીટ મહત્ત્વની સાબિત થઇ છે. ભાજપની બૂથ લેવલની કામગીરી અને નેતાઓએ નીચલા સ્તરે કરેલી કામગીરીએ ભાજપને જિતાડી છે. સાથે આપ અને કોંગ્રેસ પ્રમાણમાં નબળી લડત આપતાં આખરે ભાજપને મોટી જીત મળી છે. એક સમયે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી સમયે પણ ગાંધીનગરમાં ભાજપ ભગવો લહેરાવી શકયો ન હતું, પરુંતુ હવે પટેલ અને પાટીલ પાવરે એ કરી બતાવતાં હવે આ જોડી વિધાનસભાની ચૂટણી ટાણે નવા પ્રયોગ કરે એવું ભાજપમાં મનાઇ રહ્યુ છે. જોકે હવે ગાંધીનગરમાં વિરાટ જીત મેળવતાં હવે ભાજપમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ નવા ઉમેદવારો વધુ હોવાનો ભાજપની નેતાગીરીમાં નિર્દેશ થઇ રહ્યો છે.

ભાજપને 2011માં 15 અને 2016માં 16 બેઠકો મળી હતી
ગાંધીનગર મહાનગર પાલિકાના પરિણામ જોઇએ તો, વર્ષ 2011માં યોજાયેલી ચૂંટણીમાં કોગ્રેસનો બહુમતી બેઠકો મેળવીને વિજય થયો હતો. 2016માં ભાજપ અને કોંગ્રેસને 16-16 બેઠકો સાથે ટાઇ પડી હતી. 2011માં કો્ગ્રેસમાં 18 અને ભાજપને 15 બેઠકો, 2016માં 16-16 બેઠકો મળી હતી હાલમાં 2021માં 41 ભાજપને, 2 કોંગ્રેસને અને 1 બેઠક આપને મળી છે. 2011માં જયારે ગાંધીનગર મહાનગર પાલિકાની સ્થાપના થઇ ત્યારે કોંગ્રેસે વધુ બેઠકો સાથે જીત મેળવી હતી, જયારે હવે 2021માં કોંગ્રેસનો સફાયો થતાં માત્ર 2 બેઠક મળી છે.

ગાંધીનગર મનપામાં ભાજપની જીતના કારણો
તાજેતરમાં ભાજપના કરાયેલા નેતૃત્વ પરિવર્તનના પ્રભાવથી શરૂઆત થઇ હતી. તો ભાજપે તેના નેતાઓની મજબુત ટીમને વિગતે આયોજનબધ્ધ રીતે ટાર્ગેટ સાથે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતારી હતી. બીજી બાજુ કોંગ્રેસમાં કાર્યકરોમાં કોઇ ઉત્સાહ જણાતો ન હતો. સાથે કોંગ્રેસે કરેલા કેમ્પેઇમાં છેલ્લા દિવસોમાં જ અગ્રણી નેતાઓ પ્રચાર કરતાં નજરે પડયા હતા. આમ આદમી પાર્ટી મેદાનમાં આવવાને પગલે ભાજપે ખાસ રણનિતી બનાવી હતી અને તેમના અગાઉ જીતેલા અને કેટલાક ઉમેદવારો સામે વિરોધ કે સ્વીકાર્ય ન હોય તેવા ઉમેદવારને બદલયા હતા જે ભાજપને જીત મેળવવામાં મદદરુપ થયું છે. પેજ પ્રમુખની ફોર્મ્યૂલાની સાથે રૂપાણી સરકારના જૂના મંત્રીઓને દરેક વોર્ડ દીઠ જવાબદારી સોંપવામાં આવી હતી. જેની સાથે ગાંધીનગરની નજીકના શહેરોમાંથી પણ ભાજપના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને જવાબદારી સોંપાઈ હતી.

આપે ભીડ તો એકઠી કરી પણ મત ન મળ્યા
અગાઉની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત સહિત કેટલીક બેઠકો પર આપનો વિજય થતાં આપના નેતાઓ વધુ પડતાં આત્મવિશ્વાસમાં આવી ગયા હતા. જેમાં તે નિષ્ફળ ગયા છે. આપના ઉમેદવારો વિસ્તાર મુજબ પ્રશ્નો પર ફોકસ કરીને નાગરિકોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો તે જોતાં આમ આદમી પાર્ટી વધુ બેઠકો મેળવશે તેવો આશાવાદ ઉભો થયો હતો. આ ઉપરાંત આપે ઇન્દ્રોડા ગામમાં વિજય સુંવાળાને સાથે રાખીને ગ્રામ્ય મતો આકર્ષવા ડાયરો યોજી જે ભીડ એકત્ર કરી હતી તે જોતાં પાર્ટીને સમર્થ હોય તેવો અણસાર આવતો હતો પંરતુ પરિણામ જોતાં આપ માત્ર એક બેઠક મેળવ્યો જે ખરાબ દેખાવ ગણી શકાય.

કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં
કોંગ્રેસ માટે ગાંધીનગર ગઢ ગણવામા્ં આવતો હતો. તેમાં જિલ્લા પંચાયત હોય કે ધારાસભાની ચૂંટણી હોય કોંગ્રેસ બાજી મારતું હતુ. અને ગાંધીનગર મહાનગર પાલિકા જયારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ કોંગ્રેસે વધુ બેઠકો મેળવી હતી, પરંતુ તે સત્તા ટકાવી શકયુ ન હતુ અને અગાઉ કોંગ્રેસ જે 16 થી 18 બેઠકો મેળવતી હતી, તે હવે માત્ર બે બેઠકો પર આવી ગયું છે. વિરોધ પક્ષ તરીકે પણ પ્રજાનો પુરતો અવાજ ન ઉઠાવી શકે તેવી સ્થિતિમાં કોંગ્રેસ આવી ગઇ છે.

નવું સિમાંકન ભાજપને ફળ્યું
ગાંધીનગર મહાનગર પાલિકાના નવા સિમાંકનમાં પેથાપુર વિસ્તાર ઉમેરાવાને પગલે મહાનગર પાલિકામાં ચૂંટણીના ગણિત બદલાય તેમ હતું, તેવા સંજોગોમાં ભાજપે નવા ઉમેરાયેલા પેથાપુર પર પણ વધુ ધ્યાન આપ્યુ હતુ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને મંત્રી મંડળના સભ્યો ચૂંટણીની રણનિતીને ઓપ આપવા જોડાયા હતા. છેલ્લા દિવસે ભાજપે વિશાળ રેલી યોજી હતી તેણે પણ તમામનું ધ્યાન ખેચ્યું હતુ. પરિણામ જોતાં નવા સિમાંકનનો ભાજપને લાભ થયો છે.મહાનગર પાલિકામાં ભાજપની ટીમ બુથ સ્તરે સક્રિય હતી. ભાજપે વિકાસને મુદ્દો બનાવ્યો હતો.

નો-રીપીટ થિયરીનો અમલ
ભાજપે આખીય સરકારને બદલી નાખતાં એન્ટી ઇન્કબન્સી નહીં નડે તેવી છાપ ઉભી કરી હતી અને ભાજપે મહાનગર પાલિકામાં અગાઉ જીતેલા ઉમેદવારોને ઘરભેગા કર્યા હતા એટલે કે નો-રીપીટ થિયરીનો અમલ અહીં પણ કર્યો હતો અને તે સફળ રહેતાં ભાજપમાં નો રીપીટ હવે સતત ચર્ચા અને અમલમાં રહેશે તેમ જણાય છે. નો રિપીટ થિયરી સાથે ગાંધીનગરમાં વિરાટ જીત મેળવતાં હવે ભાજપમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ નવા ઉમેદવારો વધુ હોવાનો ભાજપના નેતાગીરીમાં નિર્દેશ થઇ રહ્યો છે. હાર બાદ કોંગ્રેસે એવું જણાવ્યું હતું કે આપની એન્ટ્રીએ કોંગ્રેસની બાજી બગાડી તો આપે એવું જણાવ્યું હતું કે સત્તાનો દુરુપયોગ કરી ભાજપ ચૂંટણી જીત્યું હોવાની વાત જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...