• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Establishment Of Sargasana On The Occasion Of Durgashtami Maha Aarti Of 1001 Lamps Was Held In 1 Society, People Walked Around To The Beat Of Garba

મહાઆરતી:દુર્ગાષ્ટમી નિમિત્તે સરગાસણની સ્થાપન - 1 સોસાયટીમાં 1001 દીવડાની મહાઆરતી યોજાઈ, ગરબાનાં તાલે ઠેર ઠેર લોકો ઘૂમ્યા

ગાંધીનગર2 દિવસ પહેલા
  • સ્વસ્તિક અને ઓમના સ્વરૂપમાં ગોઠવવામાં આવેલી દીપમાળાને કારણે વાતાવરણ અલૌકિક બન્યું
  • પૂર્વ મેયર રીટાબેન પટેલ પણ ભાતીગળ વસ્ત્રો પહેરી ગરબા રમ્યા

ગાંધીનગરમાં આજે દુર્ગાષ્ટમી નિમિત્તે નવરાત્રિની રોનક સોળે કળાએ ખીલી ઊઠી છે. આજના પવિત્ર દુર્ગાષ્ટમી દિને મોટા ભાગની સોસાયટીઓમાં માતાજીની વિશેષ પૂજા-અર્ચના સાથે મહાઆરતીનું આયોજન થયું હતું. ત્યારે સરગાસણની ટીપી - 9માં આવેલી સ્થાપના સોસાયટીમાં 1001 દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી, જ્યારે ગાંધીનગરનાં પૂર્વ મેયર રીટાબેન પટેલે પણ રાયસણ ખાતેના મિની કમલમ્ મધ્યસ્થ કાર્યાલયના ગ્રાઉન્ડમાં ડીજેના તાલે ગરબા રમવાનો લહાવો ઉઠાવ્યો હતો.

નવરાત્રિની પૂર્ણાહુતિના બે દિવસ બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં ગરબારસિકો મન મૂકીને ગરબા રમવાનો આનંદ ઉઠાવી રહ્યા છે. ગાંધીનગરની વિવિધ સોસાયટીઓમાં સગવડ મુજબ નાના-મોટા પાયે માતાજીની આરાધના સાથે નવરાત્રિના ગરબાની રમઝટ જામી છે. ઘણી જગ્યાએ તો સોસાયટીના રહીશો દ્વારા પાર્ટી પ્લોટની જેમ જ ગરબાનું આયોજન કરાયું છે. આજે દુર્ગાષ્ટમી નિમિત્તે સરગાસણ ટીપી 9 વિસ્તારમાં આવેલી સ્થાપન-1 સોસાયટીમાં 1001 દીવડાની મહાઆરતી યોજવામાં આવી હતી. સ્વસ્તિક અને ઓમના સ્વરૂપમાં ગોઠવવામાં આવેલી દીપમાળાને કારણે સોસાયટીના ગરબા મંડપનું વાતાવરણ અલૌકિક બન્યું હતું.

આ નિમિત્તે મહાઆરતીની સાથે માતાજીને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. કોરોનાકાળમાં વસાહતીઓ દ્વારા સરકારના નિયમોનું પાલન કરીને નવરાત્રિ ગરબાનું આયોજન કરવાનું પણ રહીશો ચૂક્યા નથી. એ જ રીતે રાયસણની શ્રી રંગ સોસાયટીમાં પણ મહાઆરતી સાથે માતાજીની સામૂહિક રીતે આરાધના કરવામાં આવી હતી. સોસાયટીના રહીશોએ સંપૂર્ણ ભક્તિ ભાવ સાથે આરતીનો લહાવો ઉઠાવ્યો હતો.

ઉપરાંત પેથાપુરની સ્વપ્ન વિલા - 3 સોસાયટીમાં પણ રાબેતા મુજબ, રહીશો દ્વારા માતાજીની પૂજા-અર્ચના-આરતી કર્યા પછી ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. કુટુંબકમની ભાવના સાથે મોટા ભાગે દરેક તહેવારની સામૂહિક ઉજવણી કરતાં અહીંની સોસાયટીના રહીશોએ આ વર્ષે પણ ગરબા યોજ્યા હતા.

નવરાત્રિનાં ડીજેના તાલે ગરબા રમવાનો મોકો ગાંધીનગરનાં પૂર્વ મેયર રીટાબેન પટેલ પણ ઉઠાવી લીધો હતો. રાયસણના મિની કમલમ્ કાર્યાલય ખાતે પણ ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ મેયર રીટાબેન પટેલ પરંપરાગત ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ થઇને ગરબાનાં તાલે મન મૂકીને ગરબાના તાલે ઘૂમ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...