આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામના સ્થાપના દિન નિમિત્તે ગામમાં પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો સાથે પ્રભાત ફેરીમાં સહભાગી બનેલા પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે ગામમાં રૂપિયા 8 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા પેવર બ્લોક કામનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
ચંદ્રાલા ગામના સ્થાપના દિન નિમિત્તે મંત્રીના હસ્તે કેક પણ કાપવામાં આવી હતી. સર્વે ગ્રામજનોને ગામના સ્થાપના દિન નિમિત્તે અભિનંદન પાઠવી પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, ગામનો વિકાસ મુખ્યત્વે બે પહેલું પર રહેલો છે. એક પંચાયત અને બીજી સહકારી પ્રવૃત્તિઓ. જેમાં પંચાયત ગામ વિકાસની પ્રવૃત્તિઓ કરે છે. તો સહકારી પ્રવૃત્તિઓ થકી ખેડૂતોની ઉન્નતિ થાય છે.
આત્મા ગામડાનો અને સુવિધા શહેરની તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છી રહ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વિચારધારાને સાર્થક કરવા વડાપ્રધાને ગામના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. ગામના વિકાસ માટે વડાપ્રધાને સમરસતા, ખેત તલવાડી, પ્રભાતફેરી, ગ્રામસભા, ગામ અને શાળાના સ્થાપના દિવસ જેવા વિવિધ દિવસોની ઉજવણી જેવા 11 આયામો ગ્રામજનોને આપ્યા છે.
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, ગામના વિકાસ થકી જ દેશનો સાચો વિકાસ થશે. સમગ્ર રાજયમાં 1962માં પંચાયતી પ્રવૃત્તિઓનો આરંભ થયો હતો. બળવંતરાય મહેતાએ પંચાયત પ્રવૃત્તિને આગળ ધપાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તેમજ ચંદ્રાલા ગામ સહિત આસપાસના ગામોમાં કૃષિ- સહકારી અને સમાજિક ક્રાંતિ લાવનાર ભૂરાભાઇ ખોડીદાસ પટેલ જેવા અનેક વિભૂતિઓના અમૂલ્ય યોગદાન થકી રાજયના અનેક વિસ્તારનો વિકાસ થયો છે.
ત્યારે મંત્રી બ્રિજેશ મેરજા અને મહાનુભાવોના હસ્તે ગાંધીનગર જિલ્લાના દશેલા, ચંદ્રાલા, બાપુપુરા, રખિયાલ અને છત્રાલ ગામના સરપંચોને સ્વચ્છ ગામ રહે તે માટે ઘન કચરાના નિકાલ માટે રૂપિયા 30 લાખથી વધુની કિંમતના ટ્રેક્ટર-ટ્રોલી અને રીક્ષા- ડસ્ટબિન અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ ચંદ્રાલા ગામમાં પ્રાકૃતિક ખેતી કરનાર રામાભાઇ નાથાભાઇ પટેલ, પ્રહલાદભાઇ કેશાભાઇ પટેલ, જીતેન્દ્રકુમાર રમેશભાઇ પટેલ, વિજયભાઇ બાબુભાઇ પટેલ, કાંતિભાઇ માઘવભાઇ પટેલનું પ્રશસ્તિ પત્ર આપીને મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
25 ચંદ્રાલા ગામના પરિવારને પી.એમ.જે.એ.વાય. કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા ગ્રામજનોને વિતરણ કરવામાં આવતાં વરિયાળીના જુશનો મંત્રીએ ટેસ્ટ કર્યો હતો. તેમજ આયુર્વેદ સ્ટોલની મુલાકાત લઇ પ્રકૃતિ પરીક્ષણ પણ કરાવ્યું હતું. તેની સાથે સાથે પ્રાકૃતિક ખેતીની ઉત્પાદનના સ્ટોલ અને પશુ સારવાર કેમ્પનું પણ નિરીક્ષણ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.