કર્મચારીઓનો વિરોધ:સરકારી વીમા કંપની LICનાં IPOનાં વિરોધમાં ગાંધીનગરમાં કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો

ગાંધીનગર14 દિવસ પહેલા
  • ગાંધીનગર ડિવિઝન LICનાં કર્મચારીઓ દ્વારા સુત્રોચાર કરાયા

દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની LICનો મોસ્ટ અવેઈટેડ IPO આજથી રિટેલ ઈન્વેસ્ટર્સ માટે ખોલવામાં આવ્યો છે. ત્યારે ગાંધીનગર ડિવિઝન LICનાં કર્મચારીઓ દ્વારા આજે સૂત્રોચારો કરીને IPOનો વિરોધ પ્રદર્શન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

એકાદ વર્ષ અગાઉ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામ દ્વારા દેશની સૌથી મોટી સરકારી વીમા કંપનીનો IPO બહાર પાડવાની જાહેરાત કરતાં પ્રથમ દિનથી LICના કર્મચારીઓ તેનો વિરોધ કરતાં આવ્યા છે. તેમ છતાં સરકાર દ્વારા આજથી એટલે કે 4 મેને બુધવારથી રિટેલ ઈન્વેસ્ટર્સ માટે આઇપીઓ ખોલવામાં આવ્યો છે. LICનાં કર્મચારીઓ દ્વારા આજે પણ કચેરી આગળ વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચારો કરવામાં આવ્યા હતા.

આ અંગે LICનાં કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કરી કહ્યું હતું કે, સરકાર IPO લાવી એલ.આઈ.સી.ને સ્‍ટોક એક્‍સચેન્‍જ પર સૂચિબદ્ધ કરવા કટિબદ્ધ છે. મીડિયાના અહેવાલો મુજબ, LIC બોર્ડે IPOનું કદ અગાઉના 5 ટકાથી ઘટાડીને 3.5 ટકા કર્યું છે.

એવો અંદાજ છે કે સરકાર LICમાંથી તેના 3.5 ટકા શેરનું ડિસઇન્‍વેસ્‍ટિંગ કરીને આશરે રૂા. 21 હજાર કરોડ અર્જિત કરવા ધારે છે. LIC ટૂંક સમયમાં સેબીમાં સુધારેલી અરજી ફાઇલ કરે તેવી અપેક્ષા છે. રાજકોષીય ખાધને પહોંચી વળવા માટે કેટલાક સંસાધનો એકત્ર કરવા માટે એલઆઈસીના શેર વેચવાની સરકારની નિરાશા સ્‍પષ્ટ છે. આ નિરાશા એ હકીકત પરથી વધુ સ્‍પષ્ટ થાય છે કે સરકારે,મીડિયા અહેવાલો અનુસાર, LICનું મૂલ્‍યાંકન લગભગ રૂ. 15 લાખ કરોડના અગાઉના અંદાજોથી દ્યટાડીને રૂ.6 લાખ કરોડ કર્યું છે.

આ દેશના લાખો પોલિસી ધારકો અને નાગરિકો સાથે વિશ્વાસના ગંભીર ભંગ સમાન છે કે, જેમણે આટલા વર્ષો LICને ટેકો આપ્‍યો છે. કર્મચારીઓના પરસેવા અને પરિશ્રમ અને વીમાધારક જનતાના સમર્થનથી બનેલી રાષ્ટ્રની અમૂલ્‍ય સંપત્તિને સસ્‍તા ભાવે વેચવાનો આ સૌથી કનિષ્ઠ પ્રયાસ છે.

આ યોજના પૂર્ણપણે અસ્‍વીકાર્ય છે. ઉપરોક્‍ત સંજોગોમાં,સરકારની અનીતિ સામે ઉગ્ર વિરોધ નોંધાવવો જરૂરી બન્‍યો છે. તેથી એલઆઈસીના તમામ કર્મચારીઓને સબસ્‍ક્રિપ્‍શન માટે જે દિવસે એલઆઈસી IPO ખુલશે તે દિવસે લંચ રિસેસ પહેલાની બે કલાકની વોક-આઉટ સ્‍ટ્રાઈકમાં જોડાવા નિર્ણય કર્યો હતો. જેનાં ભાગરૂપે આજે ગાંધીનગર ડિવિઝનના કર્મચારીઓએ IPOનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...