રાજ્યમાં કોરોનાના કેસ કાબૂમાં આવ્યા બાદથી ક્રમશ: સ્કૂલોમાં અભ્યાસ શરુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કોલેજો ઉપરાંત ધોરણ 10, 12, અને ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓની સ્કૂલો શરુ થઈ ગઈ છે, ત્યારે હવે અન્ય પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસ 1 માર્ચની આસપાસ શરૂ કરવા વિચારણા શરુ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ઉનાળુ વેકેશન ટૂંકાવીને નવું શૈક્ષણિક સત્ર પણ વહેલું શરૂ કરવા માટે નું એકેડેમિક કેલેન્ડર બની રહ્યું છે.
ચૂંટણી બાદ ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવાશે
ગુજરાત ના શિક્ષણ વિભાગ માં ચાલતી ચર્ચા અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સરકાર હવે ધોરણ 1થી 4 અને 5થી 8ના અભ્યાસ અને પરીક્ષા લેવા માટે વિચારણા કરી રહી છે. સૂત્રોનું જણાવવું છે કે હવે ચૂંટણી બાદ ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લઈ તેના આધારે પરિણામ જાહેર કરવાની વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત આગામી શૈક્ષણિક સત્ર પણ વહેલું શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ઉનાળુ વેકેશન પણ વિદ્યાર્થીઓને લાંબુ આપવામાં આવશે નહીં. જો કે આ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. આ અંગે સરકાર અને શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યા છે. સત્તાવાર જાહેરાત સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી પુરી થયા બાદ થશે.
પ્રાથમિક શિક્ષકોને શાળામાં હાજર રહેવા આદેશ કરાયો
ગુજરાતમાં કોરોનાના ઘટતા કેર વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે ગત 9 ફેબ્રુઆરીથી તમામ પ્રાથમિક શિક્ષકોને શાળામાં હાજર રહેવા આદેશ કર્યો હતો. અત્યાર સુધી પ્રાથમિક સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકોને રોટેશન મુજબ બોલાવવામાં આવતા હતા. પરંતુ હવે તમામ શિક્ષકોને બોલાવવામાં આવ્યા છે.આ ઉપરાંત તમામ પ્રાથમિક સ્કૂલોનો સમય સવારના બદલે પૂર્ણ સમયનો કરવા આદેશ આપવામાં આવ્યો છે.
8 ફેબ્રુઆરીએ રાજ્યમાં પ્રથમ વર્ષની કોલેજો શરૂ થઈ હતી
2020ના વર્ષના માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ વધવાને કારણે રાજ્યમાં સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરી દેવામાં આવ્યું હતું અને ઓનલાઈન શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ત્યારે છેલ્લા 10 મહિનાથી બંધ કોલેજો ગત 8મી ફેબ્રુઆરીએ ખુલી ગઈ હતી. ત્યારે કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ઉત્સાહ ભેર પહોંચ્યાં હતાં. ત્રીજા અને બીજા વર્ષ બાદ B.A, B.COM સહિત ના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ કોલેજ શરૂ થતાં ખુશીની લાગણી અનુભવી રહ્યાં છે. કોરોનાના ફિયર અને વેલેન્ટાઈનના ઉત્સાહ વચ્ચે કોલેજના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે કોલેજ આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે હવે કોલેજ ચાલુ થતા નવા મિત્રો મળશે અને નવું જાણવા મળશે. વેલેન્ટાઈન ડે તો આવે જ છે સાથે ભણવા પર ધ્યાન આપીશું.
1 ફેબ્રુઆરીથી ઘોરણ 9 અને 11ના વર્ગો શરુ થયાં હતાં
કોરોના મહામારીને કારણે છેલ્લા 10 મહિનાથી સ્કૂલોમાં ફિઝિકલ શિક્ષણ બંધ હતું. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતુ હતું. પરંતુ ગત 11 જાન્યુઆરીએ રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કર્યાં હતાં. બાદમાં 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવામા આવતાં હવે રાજ્યમાં ધોરણ 9થી 12ની સ્કૂલોમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. અમદાવાદની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થતાં વિદ્યાર્થીઓને નિયમો પ્રમાણે પ્રવેશ આપવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે અમને ઓનલાઈન કરતાં વધુ સ્કૂલમાં ભણવાનું ગમે છે.
વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે
11મી જાન્યુઆરીના રોજ ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જે બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વાલીઓ દ્વારા પણ સંમતિ પત્ર આપવામાં આવ્યા છે. હવે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.