વિરોધ:વીજળીના ખાનગીકરણના બિલના વિરોધમાં આજે વીજ કર્મીઓ કામકાજથી અળગા રહેશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશભરના 27 લાખ વીજ કર્મીઓ વિરોધ કાર્યક્રમ રજૂ કરશે

વીજળીના ખાનગીકરણના સંસદમાં રજુ થનાર બીલના વિરોધમાં દેશભરના વીજ કર્મચારીઓ અને એન્જિનીયરોમાં રોષ ઉઠવા પામ્યો છે. આથી દેશભરના 27 લાખ જેટલા વીજ કર્મચારીઓ અને એન્જિનિયરો તારીખ 8મી, ઓગસ્ટના રોજ કામકાજથી અળગા રહીને વિરોધ પ્રદર્શન કરશે તેમ ઓલ ઇન્ડિયા પાવર એન્જિનીયર્સ ફેડરેશને જણાવ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા સંસદીય સંમેલનોનું ઉલ્લંઘન કરીને તારીખ 8મી, ઓગસ્ટના રોજ સંસદમાં વીજળી સુધારા બીલ-2022 રજુ કરવામાં આવનાર છે. જોકે બીલ રજુ કરતા પહેલાં વીજળી ગ્રાહકો, કર્મચારીઓ સહિત તમામ હિતધારકો સાથે બીલ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ઉપરાંત વીજળી બીલને સંસદની વીજળી બાબતોની સ્થાયી સમિતિને મોકલવામાં આવે તેવી માંગણી ઓલ ઇન્ડિયા પાવર એન્જીનીયર્સ ફેડરેશને કરી છે. વીજળી (સુધારા) બીલ-2022ની નકલ લોકસભાના સાંસદોને ગત તારીખ 5મી, ઓગસ્ટના રોજ અપાઇ છે.

કેન્દ્ર સરકારે બીલ ઉપર કોઇપણ રાજ્ય પાસેથી ટીપ્પણી માંગી નહી હોવાનો આક્ષેપ ઓલ ઇન્ડિયા પાવર એન્જીનીયર્સ ફેડરેશને કર્યો છે. વીજળી (સુધારા) બીલ-2022 દ્વારા કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રીસીટી એક્ટ-2003માં સુધારો કરવા જઇ રહી છે. જે વીજળી કર્મચારીઓ અને ગ્રાહકો ઉપર દુરગામી પ્રતિકૂળ અસરો કરશે. બીલમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે એક જ વિસ્તારમાં એક કરતાં વધુ વિતરણ કંપનીઓને લાયસન્સ અપાશે. ખાનગી કંપનીઓ નવી વિતરણ કંપનીઓ જાહેર ક્ષેત્રના નેટવર્કનો ઉપયોગ કરીને વીજળી સપ્લાય કરશે. તમામ કેટેગરીના ગ્રાહકોને વીજળી પૂરી પાડવાની જવાબદારી માત્ર સરકારી કંપનીઓની જ રહેશે. જ્યારે ખાનગી ક્ષેત્રની કંપનીઓ માત્ર નફાકારક ઔદ્યોગિક અને વ્યાપારી ગ્રાહકોને વીજ પુરવઠો આપીને નફો કમાશે.

અન્ય સમાચારો પણ છે...