પંચાયતની ચૂંટણીનો ધમધમાટ:ગાંધીનગરના લવારપુરમાં યોજાશે ચૂંટણી, ગામ પેવર બ્લોક, આરસીસી રોડ, સીસીટીવી કેમેરા સહિતની સુવિધાથી સજ્જ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • ગામના 2500 જેટલા મતદારો 19મી ડિસેમ્બરે ગામનાં નવા સરપંચની વરણી કરશે
  • ગાંધીનગર જિલ્લાના 157 ગામની પંચાયતની ચૂંટણી, બેઠકોનો ધમધમાટ શરૂ
  • ગામમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડવા અને ડમ્પિંગ સાઈટ માટે માંગ ઉઠી

ગ્રામ પંચાયતની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગિફ્ટ સિટીને અડીને આવેલા લવારપુર ગામમાં આગામી 19મી ડિસેમ્બરે ચૂંટણી યોજાવા જઈ રહી છે. લવારપુર ગામ છેલ્લા પાંચ વર્ષમાં વિકાસની હરણફાળ ભરી ચુક્યું છે. જો કે ગામમાં કોમ્યુનિટી હોલ, કચરાના નિકાલ માટે ડોર-ટુ-ડોર કચરો લેવાની કામગીરી તેમજ ડમ્પિંગ સાઈટનો મુદ્દો હજી વણઉકેલાયો છે. જેનો નવા બનનારા સરપંચ દ્વારા સત્વરે ઉકેલ લાવવામાં આવે તેવો મત ગ્રામજનોએ વ્યક્ત કર્યો છે.

19મી ડિસેમ્બરે ગાંધીનગર જિલ્લાના 157 ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગાંધીનગરના ચારેય તાલુકાના ગામડામાં સરપંચ બનવા માટે ઉમેદવારો એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. આખો દિવસ ગ્રામજનોને મળવા ઉપરાંત રાત્રિ બેઠકોનો ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે.

ગામમાં કુલ 2500 જેટલા મતદારો

લવારપુર ગામમાં પ્રવેશતા જ આરસીસી રોડ, પેવર બ્લોક, પીવાના પાણી માટે આરઓ પ્લાન્ટ તેમજ સરકારી દવાખાનું, બેંક સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ સાથે સીસીટીવી કેમેરા પણ લાગેલા જોવા મળે છે. લવારપુર ગ્રામ પંચાયતની ચુંટણીમાં પાંચ ઉમેદવારોએ સરપંચ બનવા માટે દાવેદારી નોંધાવી છે. જેનાં માટે ગામના 2500 જેટલા મતદારો 19મી ડિસેમ્બરે મતાધિકારનો ઉપયોગ કરી ગામનાં નવા સરપંચની વરણી કરશે.

રૂ. ત્રણ કરોડની આસપાસના કામો પરિપૂર્ણ કરાયાં

આ અંગે પૂર્વ સરપંચ હર્ષદભાઈ પટેલે ગામના વિકાસ અંગે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં તબક્કાવાર આરસીસીનાં રોડ બનાવી દેવામાં આવ્યા છે. તેમજ પેવર બ્લોક, સીસીટીવી કેમેરા, આરઓ પ્લાન્ટ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બેંકની સુવિધા પણ ઉપલબ્ધ છે. ખાસ કરીને પાણીની સમસ્યાના નિરાકરણ માટે નવો ટ્યુબવેલ બનાવી દેવામાં આવ્યો છે. જેનાં કારણે હવે ગામમાં પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી દેવાયું છે. જો કે કોરોના કાળના કારણે દોઢ વર્ષ જેટલો સમય વ્યર્થ ગયો હતો. તેમ છતાં સાડા ત્રણ વર્ષના ગાળાના રૂ. ત્રણ કરોડની આસપાસના કામો પરિપૂર્ણ કરી દેવાયા છે.

ટ્યુબવેલ બનાવી પાણીની સમસ્યાનું નિરાકરણ લવાયું

જ્યારે ગામના સિનિયર સિટીઝન નવીન ભાઈ પટેલે કહ્યું હતું કે, ગામમાં પાણીની સમસ્યાનું ટ્યુબવેલ બનાવીને નિરાકરણ લાવી દેવાયું છે. તેમ છતાં હજી ગામમાં લાઇબ્રેરી, કોમ્યુનિટી હોલ તેમજ કચરાના નિકાલની વ્યવસ્થા થાય તે જરૂરી છે. તેમજ પંચાયતના સભ્ય અમૃત પટેલે ઉમેર્યું હતું કે કોમ્યુનિટી હોલ બનાવવા માટે દાતાઓ તૈયાર છે, પણ સરકારમાંથી જલ્દી મંજૂરી મળી જાય તો સારું થાય.

કોમ્યુનિટી હોલ-ડમ્પિંગ સાઈટની માંગ

અન્ય ગ્રામજનોએ સરપંચ વિશે પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગામનો સરપંચ સુશિક્ષિત તેમજ સરકારી યોજનાઓનો જાણકાર હોવો જોઈએ. ખાસ કરીને સરકારી ગ્રાન્ટ લઈ આવે અને ગામનો વિકાસ કરે એવો સરપંચ ગામમાં બનવો જોઈએ. ત્યારે એક શિક્ષિત ગ્રામજને કહ્યું હતું કે 15મા નાણાપંચના નાણાં એમ જ પડી રહ્યા છે. જેનો સત્વરે ઉપયોગ કરીને લાઇબ્રેરી, કચરાના નિકાલ તેમજ કોમ્યુનિટી હોલની સુવિધા તાકીદે ઉભી કરે તેવા સરપંચની વરણી થવી જોઈએ. ગામમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની સુવિધા નથી. તેમજ ડમ્પિંગ સાઈટ બની જાય તો ગામની કાયાપલટ થઈ જાય એમ છે.

અન્ય સમાચારો પણ છે...