ભાજપ અધ્યક્ષે એક વાતનો છેડો ફાડ્યો:સી આર પાટીલે કહ્યું- વિધાનસભા ચૂંટણીની ટિકિટો હું નહીં, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ નક્કી કરશે

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમલમ્ પર મળેલી વિશેષ બેઠકમાં ટિકિટ મુદ્દે ભાજપ અધ્યક્ષે સ્પષ્ટતા કરી

ભાજપમાં ચાલી રહેલી ચૂંટણીલક્ષી પેજ સમિતિ અંગે થોડાં સમય પહેલાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પક્ષના મુખ્ય કાર્યાલય કમલમ પર એક વિશેષ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાટીલે કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ અંગેનો નિર્ણય હું નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ લેશે.તેમણે કહ્યું કે હાલ ગુજરાતના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે મારો પરિચય છે, પરંતુ તેથી વિશેષ જે લોકો ચૂંટાયેલા નથી પણ પાર્ટી માટે કામ કરે છે તેમની સાથે મારો પરિચય નથી. આ કારણસર ટિકિટ કોને આપવી અને કોની ટિકિટ કાપવી તે અંગે હું કોઇ નિર્ણય કરવાનો નથી.

આ બાબત હાઇકમાન્ડનો વિષય છે અને તેઓ જ આખરી સત્તા રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લી મુલાકાત માટે ગુજરાત આવ્યા તે પૂર્વ પાટીલે આ બેઠક બોલાવી હતી.આ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા પાટીલે કહ્યું કે, હું આ બાબતનો ઉલ્લેખ પક્ષમાં થતી મારી અન્ય બેઠકોમાં પણ કરું છું. મારું લક્ષ્ય ગુજરાતમાં પેજ સમિતિને લગતી કામગીરી પૂરી થાય તે છે. ટિકિટ કોને મળશે અને કોને નહીં એ અંગે અમે અમારી પાર્ટીની પ્રણાલીને જ અનુસરીએ છીએ.

પાંચ મંત્રીઓની પણ નબળી કામગીરી જણાઈ
આ બેઠકમાં પાટીલે ખાસ તો પ્રદેશ સ્તરના નેતાઓ કે જેમને પોતાના વિસ્તારમાં પેજ સમિતિનું કામ સંતોષજનકરીતે પૂર્ણ નથી કર્યું તેમને બોલાવ્યા હતા. આ પ્રદેશ સ્તરના નેતાઓમાં પાંચ મંત્રીઓનો પણ સમાવેશ થાય છે અને તે પૈકીના ત્રણ કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે.

31 ઓગસ્ટ સુધીમાં કામ પૂરું કરવાનું હતું
પાટીલે આ બેઠકમાં હાજર તમામ નેતાઓ ઉપરાંત અન્ય કાર્યકર્તાઓ જોગ સૂચન કર્યું હતું. 31 ઓગસ્ટ સુધીમાં સંગઠનને લગતી પેજ સમિતિઓની કામ પૂર્ણ કરીને પક્ષના કાર્યાલયમાં જમા કરાવવાનું કહેવાયું હતું. આ મીટિંગ દરમિયાન નોંધવામાં આવ્યું હતું કે તે દિવસ સુધીમાં પેજ સમિતિ અંગેની સરેરાશ 80 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઇ હતી, જો કે 31 ઓગસ્ટ સુધીમાં આ કામ કેટલે પહોંચ્યું તે અંગે કોઇ માહિતી બહાર આવી નથી.

અન્ય સમાચારો પણ છે...