અકસ્માત:ઘ-7 નજીક કારની ટક્કરથી એક્ટિવા પર જતાં વૃદ્ધ ઘાયલ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત કરનાર કારચાલક જ દવાખાને લઈ ગયો હતો, સમાધાન ન થતા અકસ્માતના 12 દિવસે ફરિયાદ નોંધાઈ

શહેરના ઘ-7 સર્કલ પાસે કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા વેપારી ઘાયલ થયા હતા. અકસ્માતમાં ઘાયલ વેપારીને કાર ચાલક જ દવાખાને લઈ ગયો હતો. જ્યાં સારવારના ખર્ચે મુદ્દે ચાલતી વાતો વચ્ચે સમાધાન ન થતા અકસ્માતના 12 દિવસે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે પેથાપુરના મેઈન બજારમાં પીપડાફળી ખાતે રહેતાં અતુલકુમાર રસીકલાલ પટણી (64 વર્ષ) ગામમાં કરીયાણાનો વેપાર કરે છે. 1 ડિસેમ્બરની સાંજે સાતેક વાગ્યે તે સેક્ટર-7 ખાતે પ્રાઈવેટ દવાખાને રૂટિન દવાઓ લઈને સે-21માં ખરીદી માટે ગયા હતા. ખરીદી બાદ તેઓ પેથાપુર તરફ જતા હતા ત્યારે ઘ-7 સર્કલ પાસે પેથાપુર તરફ વળતા એક ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી.

અકસ્માત બાદ રોડ પર પટકાયેલા વેપારીને ડાબા પગે જોઈન્ટના ભાગે અને શરીરે ઈજાઓ થઈ હતી. અકસ્માતને પગલે ટક્કર મારનાર કાર ચાલક પણ ઉભો રહી ગયો હતો અને તે જ વેપારીને પોતાની ગાડીમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં વેપારીને જોઈન્ટના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું. અકસ્માત કરનાર કાર ચાલકે સારવારનો ખર્ચ આપવાની વાત કરતાં વેપારીએ તે સમયે ફરિયાદ કરી ન હતી. જોકે કોઈ કારણોસર બંને વચ્ચે સમાધાન ન થતાં આખરે વેપારીએ શનિવારે સમગ્ર મુદ્દે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે GJ-02-CL-9925 નંબરની કારના ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી અકસ્માતના આવા અવારનવાર બનાવો બની રહ્યા છે ત્યારે વાહનચાલકોએ પણ થોડી સર્તકતાથી વાહનો ચલાવીને આવી ઘટનાઓને રોકવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...