આરોગ્ય તંત્ર દોડતું:મુંબઈ ગયેલુ વૃદ્ધ દંપતિ કોરોના સંક્રમિત થઈ ગાંધીનગર આવ્યું, સંપર્કમાં આવેલા 12 લોકોને કવોરન્ટાઈન કરાયા

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધ દંપતિએ વેક્સિન લીધી હોવા છતાં કોરોનાનો ચેપ લાગ્યો

ગાંધીનગરમાં કોરોનાનાં એક પછી એક દર્દીઓ સામે આવવાની શરૂઆત થઈ ચૂકી છે. ચાર દિવસ અગાઉ મુંબઈથી પરત ફરેલ પિતા પુત્ર કોરોના સંક્રમિત થયા પછી મુંબઈથી પરત આવેલ કોબાનું વૃદ્ધ દંપતી પણ આજે કોરોના પોજીટીવ આવતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કોરોના સંક્રમિત વૃદ્ધ દંપતીને હોમ આઈસોલેશન કરી તેમની સંપર્કમાં આવેલા 12 સભ્યોને પણ કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

કોરોનાની આવનારી સંભવિત ત્રીજી લહેર વચ્ચે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં એક પછી એક કોરોના દર્દીઓ સામે આવવાની શરૂઆત થઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે પણ દિવાળીનાં તહેવારો પછી કોરોનાના કેસો સામે આવવાની શરૂઆત થઈ હતી. જેનાં પગલે આરોગ્ય તંત્ર ધ્વારા વેક્સિનેશનની કામગીરી પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટી જવાથી લોકો બેદરકાર થઈને કોવિડ ગાઈડનાં ધજાગરા ઉડાવી રહ્યા છે. દિવાળીના તહેવારને લઈને બજારોમાં ભીડ એકઠી થઈ રહી છે. સરકાર દ્વારા માસ્ક પહેરવાનું ફરજીયાત કરાયું હોવા છતાં લોકો માસ્ક વિના જ ફરીને કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

આ બધાની વચ્ચે કોર્પોરેશન વિસ્તારમાં ચાર દિવસ અગાઉ સેકટર - 2 માં રહેતો પરિવાર મુંબઈથી પરત ફર્યો હતો. જે પૈકી પિતા પુત્રને તાવ સહિતના લક્ષણો જોવા મળ્યા હતા. જેના પગલે તેમણે આરટીપીસીઆર કરાવતાં તે પોઝિટિવ આવ્યો હતો. આ બન્ને પોઝિટિવ દર્દીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જયારે તેમના સંપર્કમાં આવેલા ઘરના પાંચ સભ્યો કવોરેન્ટાઈન કરાયા છે.

કોરોના કેસ સામે આવતા કોર્પોરેશનની આરોગ્ય શાખા પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ત્યારે ગાંધીનગરના નભોઈ (કોબા) નું વૃદ્ધ દંપતી પણ એક અઠવાડીયા પછી મુંબઈથી પરત આવ્યું છે. જેમને પણ તાવ સહિતના લક્ષણો હોવાથી આરટીપીસી આર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 63 વર્ષીય પતિ અને 62 વર્ષીય પત્ની કોરોના સંક્રમિત હોવાનું નિદાન થયું છે. જેનાં પગલે આ વૃદ્ધ દંપતીને હોમ આઈસોલેશનમાં રાખી કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત તેમની સંપર્કમાં આવેલ 12 સભ્યોને પણ કવોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. ત્યારે વૃદ્ધ દંપતી કોરોના પોજીટીવ આવતાં સ્થાનિક વસાહતીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...