સિનિયર સિટિઝનો અસુરક્ષિત:ગાંધીનગરના લોદરાની સીમમાં સોનાના દોરાની ચીલઝડપ, ચેઈન સ્નેચરોએ એક્ટિવાને પગથી ધક્કો મારતાં વૃદ્ધ દંપતી ઘાયલ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માણસા તાલુકાના લોદરા ગામની સીમમાં બાઈક ઉપર આવેલ ચેઈન સ્નેચર 80 હજારના સોનાના દોરાની ચીલઝડપ કરીને એક્ટિવાને પગથી ધક્કો મારી નાસી ગયો હતો . જેનાં કારણે એક્ટિવા સ્લીપ ખાઈ જતાં એક્ટિવા સવાર વૃદ્ધ દંપતિને શરીરે વધતી ઓછી ઈજાઓ થવા પામી હતી. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરમાં સિનિયર સીટીઝનોને ટાર્ગેટ કરતાં લૂંટારૃ

ગાંધીનગર જિલ્લામાં વાહન ચોરીના બનાવોની વણઝાર વચ્ચે ગંભીર ગુનાનાં બનાવોનું પણ પ્રમાણ વધી જવા પામ્યું છે. હજી બે દિવસ અગાઉ અક્ષરધામ મંદિરના વીઆઇપી પાર્કિંગનાં ગેટ પાસેના રોડ પરથી તામિલનાડુની વૃધ્ધાનાં ગળામાંથી દોઢ લાખના સોનાના દોરાની લૂંટ કરી આશરે 25 થી 30 વર્ષીય ચેઈન સ્નેચરો બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા. ત્યારે ગઈકાલે પણ માણસાનાં લોદરા ગામની સીમમાંથી એક્ટિવા પર પસાર થતું વૃદ્ધ દંપતીને ટાર્ગેટ કરીને સોનાના દોરાની લૂંટ કરી લૂંટારૃઓ નાસી જતાં જિલ્લામાં સિનિયર સીટીઝનોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે.

વૃદ્ધ દંપતી એક્ટિવા લઈને વતનમાં માતાજીના દર્શન અર્થે જતાં હતાં
માણસાનાં ઠચરાજ સોસાયટીમાં રહેતા મૂળ અજરાપુરા ગામનાં વતની 68 વર્ષીય ડાહીબેન અને તેમના પતિ સાકાભાઈ ગઈકાલે આઠેક વાગ્યાના અરસામાં એક્ટિવા લઈને વતન નવરાત્રિમાં માતાજીના દર્શન અર્થે જવા નિકળ્યા હતા. ત્યારે આશરે પોણા નવેક વાગ્યાના સુમારે લોદરા ગામની સીમમાં કાળાભાઈ મગનભાઈ પટેલના બોર કુવા નજીક રોડ ઉપર બાઈક સવાર ચેઈન સ્નેચરે ડાહીબેનના ગળામાંથી સોનાની માળા ખેંચીને લુંટી લીધી હતી.

ચેઇન સ્નેચરે એક્ટિવાને ધક્કો મારતા વૃદ્ધ દંપતી રોડ પર પટકાયુ

બાદમાં ચેઈન સ્નેચરે એક્ટિવાને પગ વડે ધક્કો માર્યો હતો. જેનાં કારણે વૃદ્ધ સાકાભાઈ અને ડાહીબેન એક્ટિવા પરથી પડી ગયા હતા. આ દરમ્યાન ચેઈન સ્નેચરે નંબર પ્લેટ વિનાના બાઈક ઉપર પૂરપાટ ઝડપે લોદરા ગામ તરફ નાસી ગયો હતો. આ બનાવના પગલે સાકાભાઈ બેભાન થઈ ગયા હતા. અને ડાહીબેને બુમાબુમ કરી મુકતા આસપાસથી રાહદારી વાહન ચાલકો ઉભા રહી ગયા હતા. બાદમાં ઈજાગ્રસ્ત વૃદ્ધ દંપતીને માણસા સિવિલથી ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ડાહીબેનની ફરિયાદના આધારે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...