કોરોના અપડેટ:સરગાસણના વૃદ્ધ કોરોનામાં સપડાયા, એક્ટિવ કેસ 4, જિલ્લામાંથી રોજના 750ના RTPCR ટેસ્ટ

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગત સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં કુલ નોંધાયેલા 9 કેસ ચાલુ માસમાં અત્યાર સુધી નોંધાયા છે. સોમવારે સરગાસણના 64 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વૃદ્ધના સંપર્કવાળા પરિવારના બે વ્યક્તિઓને સેમ્પલ લેવામાં આવ્યા છે. ગત સપ્ટેમ્બર-2021 માસમાં કુલ 7 કેસ અને ઓક્ટોબર-2021 માસમાં 2 કેસ નોંધાયા હતા. જ્યારે બે માસની સરખામણીએ ચાલુ માસમાં સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું હોય તેમ અત્યાર સુધીમાં કુલ-9 કેસ નોંધાયા છે. તેમાંથી બે વિદ્યાર્થીઓ અને ચાર વૃદ્ધો, ત્રણ યુવાનોનો સમાવેશ થાય છે. જોકે તેમાંથી બે દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અપાઈ છે.

જ્યારે બાકીના 7 દર્દીઓએ હોમ આઇસોલેશન સારવાર પસંદ કરી છે. જોકે સરગાસણના 84 વર્ષીય વૃદ્ધ સંક્રમિત થતાં ત્રણ માસના લાંબા વિરામ બાદ સિવિલ હોસ્પિટલનો કોરોના વોર્ડને ખોલવાની ફરજ પડી હતી. સોમવારે નોંધાયેલા ટીપી-9 સરગાસણમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધને ત્રણેક દિવસથી શરદી-તાવની બિમારી હતી.

આથી આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે વડિલે રસીને બન્ને ડોઝ લીધા છે. ઉપરાંત વૃદ્ધના સંપર્કવાળા પરિવારના બે સભ્યોના સેમ્પલ લેવામાં આવ્યા છે. કોરોનાના વધતા જતા કેસ વચ્ચે જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારમાંથી દરરોજના 750 જેટલા આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે 650 જેટલા રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે.

સિવિલનો કોવિડ વોર્ડ બંધ કરવામાં આવ્યો
સરગાસણના 84 વર્ષીય વૃદ્ધને કોરોનાની સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે દસ દિવસ સુધી સઘન સારવાર પછી વૃદ્ધે કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આથી દસ દિવસ બાદ સિવિલ હોસ્પિટલનો કોવિડ વોર્ડ દર્દીઓના અભાવે બંધ કરાયો હોવાનું સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...