શૈક્ષણિક મૂલ્યાંકન:જિલ્લાની પ્રાથમિક સ્કૂલોનું શૈક્ષણિક મૂલ્યાંકન 2 ટીમ પાસે કરાવાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિષયમાં વિદ્યાર્થીઓની નબળાઇનું સાચું કારણ જાણવામાં આવશે

જિલ્લાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં વાંચન, ગણન અને લેખનમાં કચાશ છે કે નહી તે માટે શૈક્ષણિક મૂલ્યાંકન કરાવવામાં આવશે. સીઆરસી અને આઇડીના સ્ટાફ પાસેથી અલગ અલગ રીતે શૈક્ષણિક મૂલ્યાંકન કરીને વાંચન, ગણન અને લેખનમાં વિદ્યાર્થીઓની નબળાઇનું સાચુ કારણ જાણવામાં આવશે.

જિલ્લાની પ્રાથમિક શાળાઓને પ્રાથમિક શિક્ષણ નિયામકે દત્તક લીધી છે. ત્યારે જિલ્લાની મનપા વિસ્તારની તેમજ ચાર તાલુકાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વાંચન, ગણન અને લેખનમાં નબળા રહે નહી તે માટે ખાસ શૈક્ષણિક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે શાળામાં આવતા ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓમાંથી કેટલા વાંચન, ગણન અને લેખનમાં નબળા છે. તેનું શૈક્ષણિક મૂલ્યાંકનનું સાચુ તારણ જાણવા માટે જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા બે તબક્કામાં શાળાઓમાં શૈક્ષણિક મૂલ્યાંકન કરાવવામાં આવશે.

જેમાં સીઆરસી અને બીઆરસી દ્વારા શાળાઓમાં શૈક્ષણિક મૂલ્યાંકન કરાવાશે. ઉપરાંત સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ચાલતા સ્પેશ્યિલ બાળકોના શિક્ષકો પાસેથી પણ શાળાઓનું શૈક્ષણિક મૂલ્યાંકન કરાવવામાં આવશે. જેમાં કયા ધોરણના વિદ્યાર્થીઓ વાંચન, ગણન કે લેખનમાં કેટલી કેટલી કચાશ ધરાવે છે. તેનું તારણ કરવામાં આવશે, ઉપરાંત વિદ્યાર્થીઓના શિક્ષણને લગતી રાજ્યના શિક્ષણ વિભાગની વિવિધ ઓનલાઇન કામગીરીમાં કેટલી શાળાઓમાં નિયમિત કરવામાં આવે છે. કેટલી શાળાઓમાં અનિયમિત કરવામાં આવે છે સહિતના પાસાઓનો અભ્યાસ કરવામાં આવશે. તેના આધારે શાળાઓનું શૈક્ષણિક મૂલ્યાંકનનો રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુ કરવામાં આવશે. શૈક્ષણિક મૂલ્યાંકના રિપોર્ટના આધારે શિક્ષણની ગુણવત્તા સુધારણાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોની બિન શૈક્ષણિક કામગીરીનું મૂલ્યાંકન જરૂરી
વિદ્યાર્થીઓનું શૈક્ષણિક મૂલ્યાંકનની સાથે સાથે પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કેટલી કામગીરી સોંપવામાં આવે છે. તેનું પણ મૂલ્યાંકન કરાવવામાં આવે તેમજ શિક્ષણ સિવાયની અન્ય કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપવામાં આવે તેવી માંગ શિક્ષક આલમમાં ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...