ખાતરી:શિક્ષકોની બદલી કેમ્પ પૂર્ણ થતાં નવી ભરતીની શિક્ષણ મંત્રીની ખાતરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરતી નહીં થાય તો આંદોલન પુન: ચાલુ કરવાની ચીમકી

પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ પૂર્ણ થતાં જ નવી ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તેવું આશ્વાસન શિક્ષણમંત્રીએ વિદ્યાસહાયકના ઉમેદવારોને આપ્યું હતું. જોકે છેલ્લા બે માસથી વિદ્યાસહાયકની ભરતીમાં જગ્યાઓ વધારવાની માંગણી કરી રહેલા વિદ્યાસહાયકના ઉમેદવારો શિક્ષણ મંત્રીને મળ્યા હતા. જો આગામી સમયમાં ભરતીની જાહેરાત નહી થાય તો આંદોલન પુન: ચલાવવાની ચીમકી ઉમેદવારોએ ઉચ્ચારી છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અંદાજે 19000 જગ્યાઓ ખાલી છે. તેમ છતાં રાજ્યના શિક્ષણ વિભાગે 3300 વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી છે. આથી કુલ ખાલી જગ્યાઓના 60 ટકા લેખે 12000 વિદ્યાસહાયકની ભરતી કરવાની માંગ સાથે રાજ્યભરના વિદ્યાસહાયક ઉમેદવારો છેલ્લા બે માસથી લડત આંદોલન ચલાવી રહ્યા છે. ગત સપ્તાહે વિદ્યાસહાયકના ઉમેદવારોએ મુખ્યમંત્રીની સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ વિદ્યાસહાયકની ભરતીનું આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં ભરતીની જાહેરાત કરવામાં આવી નથી તેમ વિદ્યાસહાયકના ઉમેદવારોએ જણાવ્યું છે.

વિદ્યાસહાયકના ઉમેદવારોએ શિક્ષણમંત્રીની સાથે મુલાકાત કરીને કુલ ખાલી જગ્યાઓની સામે 60 ટકા લેખે ભરતી કરવાની માંગણી કરી હતી. જેના જવાબમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે હાલમાં પ્રાથમિક શિક્ષકોની બદલીઓ ચાલી રહી છે. આથી પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પની કામગીરી પૂર્ણ થાય પછી નવી ભરતીની સત્તાવાર જાહેરાત કરાશે તેવું આશ્વાસન આપ્યું હોવાનું ઉમેદવારોએ જણાવ્યું છે. જોકે આગામી સમયમાં સરકાર દ્વારા વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરવામાં નહી આવે તો સ્થગિત રાખેલું આંદોલન પુન: ચાલુ કરવાની ચીમકી ઉમેદવારોએ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...