મોંઘવારીમાં આર્થિક માર:શિક્ષણ વધુ મોંઘું બન્યું, સ્કૂલવર્ધીના ભાડામાં રૂ. 100થી 200નો વધારો

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની અસર સ્કુલ વર્ધીના ભાડા ઉપર પડી - Divya Bhaskar
પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની અસર સ્કુલ વર્ધીના ભાડા ઉપર પડી
  • દોઢ વર્ષ બાદ સ્કૂલ ખૂલવાના આનંદ પર સ્કૂલવાનના ભાડા વધારાએ વાલીઓની ચિંતા વધારી : અનેકનાં બજેટ ખોરવાશે
  • ધોરણ-1થી 12ની શાળાઓ ખૂલી જતાંસ્કૂલ વર્ધીના ચાલકોને આર્થિક રાહત

છેલ્લા દોઢેક વર્ષથી બંધ રહેલી શાળાઓ હવે ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓ માટે ખુલી જતા સ્કૂલ વર્ધીના ચાલકોને આર્થિક રાહત રહી છે. જોકે પેટ્રોલ, ડિઝલ અને સીએનજી ગેસના ભાવમાં થયેલા વધારાને પગલે સ્કૂલ વર્ધીના ચાલકોએ ભાડામાં રૂપિયા 100થી રૂપિયા 200નો વધારો કર્યો છે. આથી વાલીઓના ખિસ્સા પર આર્થિક ભારણ વધ્યું છે. આમ દોઢ વર્ષ બાદ સ્કૂલો ખૂલવાના આનંદ પર સ્કૂલવાનના ભાડા વધારાએ વાલીઓની ચિંતા વધારી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.

કોરોનાની બીજી લહેર બાદ કોરોનાનું સંક્રમણ મંદ પડતા ધોરણ-1થી 12ની શાળાઓ ખુલી જતા સ્કૂલ વર્ધીના ચાલકોને આર્થિક રાહત મળી છે. જિલ્લામાં અંદાજે 1000થી 1200 સ્કૂલ વર્ધીના વાન અને રિક્ષાઓ દોડે છે. જોકે કોરોનાથી ભાડામાં કોઇ જ વધારો નહી કરવાનું નક્કી જ હતું. પરંતુ પેટ્રોલ, ડિઝલ તેમજ સીએનજી ગેસના ભાવમાં થયેલા વધારાને પગલે સ્કુલવર્ધીના ચાલકોને પણ ભાડામાં વધારો કરવાની ફરજ પડી છે. આથી રૂપિયા 100થી રૂપિયા 200નો ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું સ્કુલવર્ધી ચલાવતા હિતેષ પંડ્યાએ જણાવ્યું છે.

છેલ્લા ત્રણ વર્ષથી ભાવ વધાર્યા નથી : 3વર્ષ પહેલાં પ્રતિ કિલો CNG 39 રૂ. હતો
‘છેલ્લા ત્રણ વર્ષથી સ્કુલના ભાડામાં કોઇ જ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ ત્રણ વર્ષ પહેલાં પ્રતિ કિલો સીએનજી ગેસ રૂપિયા 39 હતો. જે હાલમાં પ્રતિ કિલો રૂપિયા 65.95 થયો છે. તેજ રીતે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પણ વધારો થયો હોવાથી ભાડામાં વધારો કરવો પડ્યો છે’. > મુકેશભાઇ ગોસ્વામી, સ્કુલવર્ધી વાન એસોસિએશનના પ્રમુખ

સ્કૂલના સંચાલકોએ પણ ભાડું વધાર્યું
સ્કુલવાળા તરફથી દોડાવાતી બસના ભાડામાં પણ રૂપિયા 200નો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયેલા વધારાથી વધારો કરાયો હોવાનું શાળાના સંચાલકોએ જણાવ્યું છે.

દોઢ કિમી 100 અને 2થી વધુમાં 200નો વધારો
સ્કુલ વર્ધીના ભાડામાં કરાયેલા વધારામાં અંતરના આધારે અલગ અલગ રાખ્યો છે. એકથી બે કિમીના અંતર સુધી રૂપિયા 100નો વધારો કર્યો છે. જ્યારે બેથી વધુ કિલોમીટરે રૂપિયા 200નો વધારો કર્યો હોવાનું સ્કુલવર્ધીના ચાલકોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...